સ્થાનીક સ્વરાજ્ય જંગ : દિપોત્સવી બાદ કચ્છનું વહીવટી તંત્ર ચૂંટણીના રંગે રંગાશે
સંભવત ફેબ્રુઆરીમાં યોજાનારી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે શરૂ થશે કામગીરી : નવી મતદાર યાદીની પ્રિન્ટિંગ પહેલાં વાંધા સુચનો મંગાવાશે
મતના ડેટા સુરક્ષિત રાખતા ઈવીએમની ચકાસણી માટે બેંગ્લોરથી બેલ કંપનીના ઈન્જીનીયરો લેશે મુલાકાત : ૫ વર્ષનું બેકઅપ પાવર ગેરન્ટી કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હોય તેવા મશીનોની બેટરી બદલવા મુકાશે ડિમાન્ડ
(કચ્છ ઉદય દ્વારા)
ભુજ : ગુજરાત રાજયમાં આગામી મહીનાઓમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની હોઈ રાજકીય પક્ષો અને સંભવીત મુરતીયાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રીયાને પાર પાડવાની જવાબદારી જેમના શીરે હોય છે તેવા વહીવટી તંત્ર દ્વારા પણ સળવળાટ આગામી સમયમાં શરૂ થશે ત્યારે કચ્છના સંદર્ભમાં કહીએ તો સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણી જંગને લઈને દિપોત્સવી બાદ જિલ્લાનું તંત્ર પણ ચૂંટણીના રંગે રંગાયેલું જોવા મળશે.
આ અંગેની વિગતો મુજબ ગુજરાત રાજયમાં ર૦ર૭ માં વિધાનસભાની યોજાવાની છે ત્યારે આ ચૂંટણીના ટ્રેલર સમાન સ્થાનીક સ્વરાજયની ચુંટણીને ગણવામાં આવે છે. સંભવતઃ આગામી ફેબ્રુઆરી માસમાં કચ્છ સહિત રાજયમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. સરકાર દ્વારા આ માટે રોટેશનો પણ જાહેર કરાઈ રહ્યા છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના આધારે જ વિધાનસભાની ચૂંટણીનું મુલ્યાંકન થવાનું હોઈ રાજકીય પક્ષો માટે આ સંસ્થાઓની ચૂંટણી અસ્તિત્વના જંગ સમાન બની રહેશે.
બીજીતરફ ચૂંટણીઓને નિર્વિઘ્ન રૂપે પાર પાડવાની જવાબદારી જેમના શીરે હોય છે તેવા વહીવટી તંત્ર દ્વારા પણ આ માટેની કવાયત આગામી સમયમાં હાથ ધરાવામાં આવનાર છે. કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો જુદી જુદી નગરપાલિકા, થોડા મહિનાઓ પૂર્વે જ નવ નિયુક્ત જાહેર થયેલી ગાંધીધામ મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં ચુંટણી યોજાનારી છે. ફેબ્રુઆરી માસમાં મતદાન થાય તેવી સંભાવના હોઈ રાજય કક્ષાએથી સબંધીત જિલ્લા વહીવટી તંત્રોને પણ આ માટે સજ્જ રહેવા સુચનાઓ આપી દેવામાં આવી છે. આગામી સપ્તાહે દિપોત્સવી પર્વની ઉજવણી થનારી હોઈ ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં ૧૯ થી ર૬ તારીખ સુધી એક સપ્તાહનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઈને સરકારી કર્મચારીઓ - અધિકારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ મીની વેકેશન પૂર્ણ થયા બાદ કચેરીઓમાં અન્ય કામગીરીઓની સાથોસાથ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને પણ ધમધમાટ જોવા મળશે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સંભવત જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે દેવ દિવાળી આસપાસ જિલ્લામાં કામગીરી શરૂ થઈ જશે.
નિયમોનુસાર નવી મતદાર યાદીની પ્રિન્ટિંગ પહેલાં તંત્ર દ્વારા વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. આ ઉપરાંત મતના ડેટા સુરક્ષિત રાખતા ઈવીએમની ચકાસણી માટે બેંગ્લોરથી બેલ કંપનીના ઈન્જીનીયરો કચ્છની મુલાકાત લેશે. આ ઈન્જીનીયરો દ્વારા જિલ્લાના ચૂંટણી તંત્રના અધીકારીઓ, રાજકીય પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં ઈવીએમોની તપાસ કરવામાં આવશે. દરમ્યાન ૫ વર્ષનું બેકઅપ પાવર ગેરન્ટી કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હોય તેવા મશીનોની બેટરી બદલવા માટે જિલ્લા તંત્ર દ્વારા ડિમાન્ડ મુકવામાં આવશે.

Comments