ટેટ પરીક્ષાના વિરોધમાં તથા ૨૦૦૫ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાના લાભ માટે શિક્ષકો દિલ્હી ખાતે ધરણાં યોજશે
કચ્છ સહિત રાજ્યના શિક્ષકો ધરણાંમાં જોડાશે
ભુજ : તાજેતરમાં શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) પર સુપ્રિમકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં આરટીઆઈ-૨૦૦૯ તથા એનસીટીઈના તા.૨૩/૮/૨૦૧૦ના જાહેરનામા મુજબ ૨૦૧૦ પહેલાં નિમણૂંક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી જે સુપ્રિમકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે જેનાથી ૨૦૧૦ પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પાસ કરવાની ફરજ પડશે તેમજ તેમને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ પણ મળશે નહીં. આના માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ કલેક્ટરોને આવેદનપત્ર ત્યારબાદ શિક્ષકોની સહીઝુંબેશ અને છેલ્લે સાંસદોને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આટલો વિરોધ છતાં સરકારના પેટનું પાણી ન હાલતાં ટેટ પરીક્ષાના પ્રશ્ને તથા સને ૨૦૦૫ પછીના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોના બંને પ્રાણ પ્રશ્નો માટે આગામી તા. ૨૪/૧૧ને સોમવારના રોજ દિલ્હીના જંતર- મંતર મેદાન ખાતે એક દિવસીય ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ ધરણાં કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેનાર હોવાનું રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિન પટેલ, કોષાધ્યક્ષ મહેન્દ્ર વિંછીયા અને કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
------

Comments