Trending News
સ્થાનિક સમાચાર

મેદસ્વિતા ગંભીર રૂપ ધારણ કરે તે પહેલા નિયંત્રિત કરીને ‘હેલ્થી-હેપ્પી લાઈફ’ જીવો  

15 October


મેદસ્વિતા ઘટાડી તંદુરસ્તી કેળવવા આરોગ્ય નિષ્ણાતોએ સૂચવ્યા સોનેરી ઉપાયો 

કચ્છઉદય - ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ‘‘મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કરેલું છે. જેને પૂરી ઊર્જા અને ઉત્સાહથી ઝીલીને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેદસ્વિતા એ તંદુરસ્ત જીવન જીવવામાં પડકારરૂપ બને છે. જો તેને સમયસર નિયંત્રણમાં લેવામાં ન આવે તો ગંભીર બીમારીઓના જોખમ ઊભા થાય છે. મેદસ્વિતાને ઘટાડવા માટે તેને સમજીને તેના ઉપાયો કરવા જરૂરી છે. આ બાબતે આરોગ્ય નિષ્ણાતો દ્વારા વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. 
મેદસ્વિતા શું છે : મેદસ્વિતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ માત્ર દેખાવની બાબત નથી, પરંતુ તે અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે છે. આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, જે બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયજૂથના લોકોને અસર કરી રહી છે. મેદસ્વિતા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં ખોટી જીવનશૈલી, બેઠાડું જીવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને જંક ફૂડ કે વધુ કેલરીવાળો ખોરાક લેવો મેદસ્વિતાનું મુખ્ય કારણ છે. આહારની ટેવોઃ વધુ પડતું ખાવું, વારંવાર ગળ્યું કે તળેલું ખાવું, અને ફળો તથા શાકભાજીનો ઓછો સમાવેશ કરવો વજન વધારે છે. આનુવંશિક કારણોઃ કેટલાક લોકોમાં આનુવંશિક રીતે મેદસ્વિતાનું જોખમ વધારે હોઈ શકે છે.  હોર્મોનલ સમસ્યાઓઃ થાઇરોઇડ જેવી કેટલીક હોર્મોનલ સમસ્યાઓના કારણે પણ વજન વધી શકે છે. માનસિક તાણઃ તણાવ અને ચિંતાના કારણે ઘણા લોકો વધુ ખાવાનું શરૂ કરી દે છે, જે મેદસ્વિતા તરફ દોરી જાય છે.  દવાઓઃ કેટલીક દવાઓની આડઅસરથી પણ વજન વધી શકે છે.
મેદસ્વિતાના ગંભીર પરિણામો : મેદસ્વિતા શરીર માટે અનેક રીતે નુકસાનકારક છે. તેના કેટલાક ગંભીર પરિણામોમાં, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્‌સનું સ્તર વધારે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે. ડાયાબિટીસ (મધુપ્રમેહ) : મેદસ્વિતા ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે, જેના કારણે ટાઇપ ૨ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. સાંધાના દુખાવા : વધારે વજનના કારણે સાંધાઓ પર દબાણ આવે છે, જેનાથી ઘૂંટણ અને કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.  કેટલાક પ્રકારના કેન્સર : સંશોધનો દર્શાવે છે કે મેદસ્વિતા કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.  સ્લીપ એપનિયા : આ એક એવી સ્થિતિ છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ થોડીવાર માટે અટકી જાય છે, જે મેદસ્વી લોકોમાં સામાન્ય છે. માનસિક સ્વાસ્થ્ય પર અસર : મેદસ્વિતાના કારણે આત્મવિશ્વાસ ઘટી શકે છે અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
મેદસ્વિતાથી બચવાના ઉપાયો : મેદસ્વિતાને નિયંત્રિત કરવા અને તેનાથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર : ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. જંક ફૂડ, તળેલું અને ગળ્યું ખાવાનું ટાળો.  નિયમિત કસરત : દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે ચાલવું, દોડવું, સ્વિમિંગ અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. પૂરતી ઊંઘ : દરરોજ ૭ - ૮ કલાકની પૂરતી ઊંઘ લેવી શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટઃ યોગ, ધ્યાન અથવા અન્ય તણાવ ઘટાડવાની તકનીકોનો ઉપયોગ કરો. સમયસર ભોજન : નિયમિત સમયે ભોજન લેવું અને નાસ્તો કરવો. ડૉક્ટરની સલાહ : જો તમને વજન ઘટાડવામાં મુશ્કેલી આવી રહી હોય તો ડૉક્ટરની સલાહ લો. મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને તેનાથી બચી શકાય છે અને તેના નકારાત્મક પરિણામોને ટાળી શકાય છે. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી એ જ મેદસ્વિતા સામેનો સૌથી અસરકારક ઉપાય છે.
---------

Comments

COMMENT / REPLY FROM