વાપી સ્થિત કચ્છી ભાનુશાલી યુવાનના અંગદાનથી ૭ને મળ્યું નવજીવન
મૂળ કચ્છના જખૌના સુધીરભાઈ ભાનુશાલીના બ્રેઈન ટ્યૂમરના ઓપરેશન બાદ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારજનોનો અંગદાનનો પ્રેરણારૂપ નિર્ણય
ભુજ : મૂળ કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામના અને હાલે વાપીના હરિયા પાર્કમાં રહેતા ભાનુશાલી યુવક સુધીરભાઈ માવજીભાઈ માવ ભાનુશાલીના અંગદાન થકી ૭ લોકોને નવજીવન મળ્યું છે. સુધીરભાઈને બ્રેઈન ટ્યૂમર થતા મુંબઈ સ્થિત ફોરટીસ હોસ્પિટલના તબીબોએ ગત તા.ર૬/૯ ના ઓપરેશન કર્યું હતું. બ્રેઈન સર્જરી બાદ સુધીરભાઈની તબિયત બગડતા તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોએ ત્વરીત પ્રેરણાદાયક નિર્ણય લઈ કોઈના જીવનમાં અજવાળું થશે તેવો વિચાર કર્યો હતો અને સંપૂર્ણ અવયવ દાનની ઈચ્છા દર્શાવી હતી. ડોક્ટરોએ જરૂરી પરમીશન મેળવી સુધીરભાઈના બે કિડની, લીવર, ફેફસા, હૃદય તથા બે આંખોના દાન લીધા હતા. આ પ્રેરક અંગદાનથી સાત લોકોને નવી જિંદગી મળશે. પરિવારજનોએ સુધીરભાઈની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી તેમના જીવનને અમર બનાવી દીધું છે.
સુધીરભાઈએ પ૩ વર્ષની વયે વિદાય લીધી હતી. તેઓ વાપીની ચણોદ કોલોનીમાં સાબુ-પાવડરની દુકાન ચલાવતા હતા. તેમને સંતાનોમાં બે દીકરીઓ છે. જેમાં એક પરણિત છે અને એક વાપીના કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. સુધીરભાઈનો પરિવાર વર્ષો અગાઉ જખૌથી વાપી આવી સ્થાયી થયો હતો. થોડા સમય પહેલા તેમને બ્રેઈન ટ્યૂમર થયું હોવાનું જાણ થતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. ઓપરેશન બાદ તેમના શરીરના અવયવો ધીમેધીમે કામ કરતા બંધ થતા બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સુધીરભાઈની અંતિમ ઈચ્છા તેમાના મૃત્યુ બાદ અંગદાન કરવાની વ્યક્ત કરી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક નિર્ણય લઈ અંગોનું દાન કર્યું હતું. તેમના અંગદાન થકી સાત લોકોને નવી જિંદગી મળી છે. સુધીરભાઈના પત્ની અને બન્ને દીકરીઓએ આ નિર્ણય લઈ સમાજ તથા લોકોને અંગદાન અંગે નવી રાહ ચિંધી છે. સદ્દગત સુધીરભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી વાપી જીઆઈડીસીના મુક્તિધામ પહોંતી હતી. જ્યાં બન્ને પુત્રીઓએ અગ્નિદાહ
આપ્યો હતો.

Comments