Trending News
સ્થાનિક સમાચાર

લોકાભિમુખ શાસન વિકાસનું પ્રતિબિંબ : ડો. આનંદ પટેલ

15 October



ભુજમાં વિકાસ સપ્તાહ-ર૦રપની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા નીકળી : કચ્છના જુદાજુદા વિસ્તારોમાં ૭પ કરોડથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા : જનસુખાકારીના કામો અવિરત રાખવા વ્યક્ત કરાઈ નેમ : જન પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને શહેરીજનો રહ્યા ઉપસ્થિત 



ભુજ : લોક સુખાકારીના કામો રાજ્ય અને કેન્દ્ર સરકારી પ્રાથમિકતા રહી છે. લોકોના જીવનધોરણમાં સુધાર થાય અને છેવાડાના લોકો સુખી માળખાગત સુવિધાઓ અને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ રહે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધૂરા સંભળ્યાના ર૪ વર્ષ પૂર્ણ થતા ૭મી ઓક્ટોબરથી કચ્છ સહિત રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તેવું ભુજના ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ અંતર્ગત આજે જિલ્લા મથક ભુજમાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી ટાઉન હોલ સુધી વિકાસ પદયાત્રામાં વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. વિકાસ પદયાત્રા બાદ ભુજના ટાઉન હોલ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કચ્છમાં ૭પ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તા.૭ ઓક્ટોબરથી જિલ્લા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. સપ્તાહ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં કૃષિ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ, સખી મંડળો, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના જુદાજુદા વિભાગો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકોની પણ નોંધનીય સહભાગીતા રહી હતી. 
આ પ્રસંગે ગાંધીધામ મનપાના કમિશનર મનિષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, પશુપાલન અધિકારી ડો. રાજેશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી, ડીઆરડીએ નિયામક નિકુંજ પારીખ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો, શહેરીજનો હાજર રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM