-તો ગાંધીધામ માટે સોનાનો સૂરજ ઉગશે
મિલકતધારકો માટે બનશે ઐતિહાસિક પહેલ
શું ગાંધીધામ પ્રજાની પરિસ્થિતિ દ્રોપદી જેવી હતી, હવે આઝાદી મળશે ખરી ?
સર્વે ઓફ ઈન્ડિયા વિભાગના ‘નકશા’ પાયલોટ પ્રોજેકટમાં ગાંધીધામનો સમાવેશ : ડ્રોન ઉડાન વડે સર્વે હાથ ધરાશે, જે બાદ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બનાવાશે
ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા ગાંધીધામ-આદિપુર શહેર માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયની શરૂઆત થઈ છે. શહેરમાં ૪૫ હજારથી વધુ મિલકતધારકો વર્ષોથી પોતાની કરોડો રૂપિયાની મિલકતો હોવા છતાં ડીપીટી અને એસ.આર.સી.ની લીઝમાં બંધાયેલા છે. મિલકતનું વાસ્તવિક માલિકી હક્ક ન હોવાને કારણે શહેરના નાગરિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. હવે ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયા વિભાગે એક પાઈલટ પ્રોજેક્ટ હાથ ધરતા સમસ્યાનો ઉકેલ થવાની આશા બળવત્તર બની છે.
ગુજરાતની પાંચ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં ગાંધીધામનો સમાવેશ કરીને “નકશા પ્રોજેક્ટ” અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રત્યેક મિલકતોનો સર્વે ડ્રોન ઉડાન વડે કરવામાં આવશે. સર્વે બાદ શહેરની તમામ મિલકતો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાશે. આ પ્રોપર્ટી કાર્ડ શહેરવાસીઓ માટે કાયદેસર માલિકી હક્ક તરફનો પ્રથમ પગથિયો સાબિત થઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટના નોડલ અધિકારી તરીકે મહેસૂલ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર એ.જે. નડાની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે કચ્છના કલેક્ટર આનંદ પટેલને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. કલેક્ટર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગ્રામ્ય કક્ષાની “સ્વામિત્વ યોજના” જેવી જ પ્રક્રિયા પર આધારિત છે. તાલીમ પૂર્ણ થયા બાદ જ પ્રોપર્ટી કાર્ડ દ્વારા માલિકી હક્ક મળશે કે નહીં તે નક્કી થશે, પરંતુ આ પહેલ ગાંધીધામના ભવિષ્ય માટે માઇલસ્ટોન સાબિત થશે.
ગાંધીધામ સિટી સર્વે કચેરીના અધિકારી એચ.વી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં અંદાજે ૪૫ હજાર મિલકતો છે. આ ઉપરાંત કિડાણા, અંતરજાળ, શિણાય, મેઘપર (કું), ગળપાદર સહિત મહાનગરપાલિકામાં સામેલ ગામોમાં પણ ડ્રોન સર્વે હાથ ધરાશે. પ્રોપર્ટી કાર્ડમાં પ્રથમ હક્ક લીઝધારકનો દર્શાવવામાં આવશે જ્યારે બીજા હક્કમાં માલિકીના દસ્તાવેજનો ઉલ્લેખ થશે.
મહાનગરપાલિકા કમિશનર મનીષ ગુરવાણીએ પણ જણાવ્યું કે, આ સર્વે ઓફ ઇન્ડિયાનો પાઈલટ પ્રોજેક્ટ છે અને તેનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે. મિટિંગ યોજીને આગળની કાર્યવાહી માટે માળખું તૈયાર કરવામાં આવશે.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, જો પ્રોપર્ટી કાર્ડ દ્વારા લીઝ મુક્તિ મળી જાય તો ગાંધીધામ માટે સોનાનો સૂરજ ઊગશે. શહેરની મહાનગરપાલિકા બની હોવા છતાં તેની પોતાની એક ઇંચ જમીન પર માલિકી નથી, જે એક વિસંગતિરૂપ સ્થિતિ હતી. આ પ્રોજેક્ટથી લાંબા ગાળાની આ મુશ્કેલી દૂર થવાની સંભાવના છે.
ગાંધીધામ - આદિપુરની અઢી લાખથી વધુ વસતી ધરાવતી મહાનગરપાલિકાના નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક આશાનો કિરણ છે. દાયકાઓથી નાગરિકો પોતાની મિલકતોની ખરીદી-વેચાણ માટે કેપીટી અને એસ.આર.સી.ની મંજૂરી લેતા હતા. અનેકવાર આ પ્રક્રિયા લાંબી અને અઘરી બનતી હતી, જેના કારણે રોકાણ અટકતું અને વિકાસ ધીમો પડતો. હવે પ્રોપર્ટી કાર્ડ અમલમાં આવ્યા બાદ આ અડચણ દૂર થશે અને શહેરના વિકાસને નવા પંખા મળશે એવી અપેક્ષા છે.

Comments