Trending News
સ્થાનિક સમાચાર

૧૩ તારીખથી ગાંધીધામ-બાંદરા વચ્ચે વિકલી સુપરફાસ્ટ ટ્રેન દોડશે

11 October


ગાંધીધામથી દર સોમવારે અને બાંદરાથી મંગળવારે ટ્રીપ થશે : દિવાળી અને રણોત્સવમાં ભીડ ઘટાડવા આયોજન 

ભુજ : ભુજ-મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં સામાન્ય દિવસોમાં પણ જગ્યા મળતી નથી. તેવામાં દિવાળી વેકેશન તે બાદ રણોત્સવ સહિતના આયોજનોના કારણે પ્રવાસીઓનો ધસારો વધતા દર વર્ષની આ વર્ષે પણ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. આ માટે દિવાળી, નાતાલ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ ટ્રેન ભુજ નહીં પરંતુ ગાંધીધામને ફાળવાઈ છે. બાંદરાથી બપોરે ૧રઃ૩૦ કલાકે ઉપડી રાત્રે ૧ઃ૩૦ કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન દર મંગળવારે ઉપડશે જેમાં ઓક્ટોબર મહિનામાં ૧૪, ર૧, ર૮ અને નવેમ્બરમાં ૪ અને ૧૧ તારીખે ફેરા ઉપડશે જ્યારે ગાંધીધામથી રાત્રે ૮ઃર૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૯ઃ૪પ કલાકે બાંદરા પહોંચાડશે. જેમાં આ ટ્રેન દર સોમવારે ઉપડશે. ઓક્ટોબરમાં ૧૩, ર૦ અને ર૭ તથા નવેમ્બરમાં ૩ અને ૧૦ તારીખે ફેરા ઉપડશે. કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું કે, સંસ્થા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જે ફળી છે. સ્પેશિયલ ટ્રેન હોવાથી ભાડા વધારે હોવાની શક્યતા છે. પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે આ ટ્રેનના ૧૦ ફેરા થશે. બન્ને દિશાઓમાં સામખિયાળી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પણ ટ્રેન ઊભી રહેશે. ૧ર તારીખથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. ટ્રેનમાં જનરલની સાથે સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ, થર્ડ એસી, સેકન્ડ એસીના કોચ રહેશે.  

Comments

COMMENT / REPLY FROM