Trending News
સ્થાનિક સમાચાર

માંડવી તાલુકા પંચાયતમાં અધિકારી અને  જનપ્રતિનિધિ વચ્ચે સર્જાયેલ મડાગાંઠ યથાવત

10 October



ગઈકાલે જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ બન્ને પક્ષોની ઉપસ્થિતિમાં ઘટનાક્રમ અંગે થઈ ચર્ચા : ટકરાવ ન શમતા મામલો ઉચ્ચકક્ષાએ લઈ જવાનો નિર્ધાર 

બન્ને પક્ષે ગેર સમજના કારણે સર્જાઈ મડાગાંઠ : જનકસિંહ જાડેજા (જિ.પં. પ્રમુખ)


ભુજ : ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાયાના કિસ્સાઓ અનેક વખત ઉજાગર થતા રહે છે ત્યારે કચ્છના બંદરીય શહેર માંડવીમાં વહીવટી અધિકારી અને જનતાના પ્રતિનિધિઓ વચ્ચે થયેલ બબાલ કચ્છમાં લોકચર્ચાનું કેન્દ્ર બની છે. માંડવી તાલુકામાં વિકાસકામોની સમીક્ષા માટે પહોંચેલા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને તાલુકા પંચાયતના હોદ્દેદારો વચ્ચે મોટી બબાલ સર્જાઈ હતી. સમીક્ષા બેઠકમાં અપેક્ષીતો સિવાયનાને બહાર બેસવાનું કહેવાતા હોદ્દેદારોએ અધિકારી દ્વારા અપમાન કરાયાના મુદ્દે પ્રારંભિક તબક્કે તાલુકા પંચાયતના વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આ મુદ્દો ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સુધી પહોંચ્યો હતો. 
ગઈકાલે માંડવી તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને સભ્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને મળવા ભુજ પહોંચ્યા હતા. આ વેળાએ માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે પણ સાથે હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ડીડીઓશ્રીને પણ બોલાવાયા હતા અને બન્ને પક્ષે માંડવી તાલુકા પંચાયતમાં થયેલ ઘટનાક્રમ પર ચર્ચા સાથે સમજાવટના પ્રયાસ થયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બન્ને પક્ષે ગેરસમજ સર્જાઈ છે. ડીડીઓશ્રી માંડવી તાલુકામાં ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા માટે માંડવી ગયા હતા. જે-તે સમયે તાલુકા પંચાયતના હોદ્દેદારો અને અન્ય લોકો પણ વિકાસ કામો અંગે રજૂઆત માટે જ ગયા હતા. બન્ને પક્ષનો હેતુ એકમાત્ર લોક સુવિધાના કામોને વધુ વેગવાન કરવાનો અને કોઈપણ કારણોસર અટકી પડેલા કામોને પાટે ચડાવવાનો અને લોકહિતના કાર્યોમાં બાધાને દૂર કરવાનો જ હતો પરંતુ કોઈ કારણસર બન્ને પક્ષો વચ્ચે થયેલ ગેરસમજના કારણે મડાગાંઠ સર્જાઈ છે તેવું શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું. 
તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, કચ્છ પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સમક્ષ આ મામલે વાત કરતા તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત ગુરુવારે તાલુકા પંચાયત અને સંગઠનના હોદ્દેદારો, સરપંચો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને મળવા પહોંચ્યા હતા. માંડવીના ધારાસભ્યશ્રી પણ સાથે રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. 
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનો સંપર્ક કરતા તેમનો ફોન નો-રિપ્લાય થયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સમક્ષ રજૂઆત વખતે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, અમુલભાઈ દેઢિયા, જિલ્લા સરપંચ સંગઠના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, તાલુકા સંગઠન પ્રમુખ જીવરાજ ગઢવી સહિત વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM