સસ્તામાં ડોલરના નામે રાપરના યુવક સાથે પ.પ૦ લાખની ઠગાઈ
સાંતાક્રુઝમાં રહેતા કાપડના વેપારીને ૮રના બદલે ૩પ રૂપીયામાં ડોલર આપવાની અપાઈ હતી લાલચ : મુંદરા પોર્ટથી ડોલર મળ્યા હોઈ સસ્તામાં વેચતા હોવાનું કહી કેળવ્યો હતો વિશ્વાસ : ર૦ હજાર ડોલર લેવા ચોટીલા ગયા પણ ઉપર - નીચે સાચી અને વચ્ચે નકલી ડોલર ધાબડી દેવાયા
ભુજ : મુળ રાપરના અને હાલે મુંબઈમાં રહેતા કાપડના ધંધાર્થી રૂપીયા ૫.૫૦ લાખમાં ૨૦ હજાર ડોલર લેવા ચોટીલા આવ્યા હતા. જેમાં પૈસા લઈ બદલામાં ૨ જ સાચી હોય તેવી ૧૦૦ નોટનું બંડલ આપીને છેતરપિંડી આચર્યાની ૩ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગતો મુજબ રાપરના ૨૨ વર્ષીય મહેશભાઈ કુંભાભાઈ પરમાર હાલ મુંબઈના શાંતાક્રુઝમાં રહે છે. અને કાપડ ફીનીશીંગનો ધંધો કરે છે. અઢી માસ પહેલા તેઓ ભોળાદ, સાળંગપુર થઈને ચોટીલા દર્શને આવ્યા હતા. જેમાં તેઓની મુલાકાત વીંછીયા તાલુકાના થોરીયાળી ગામના અમૃત દેવજીભાઈ રાજપરા સાથે થઈ હતી. તેઓએ તેમના ભત્રીજા જામીનભાઈ પાસે ૩૫ હજાર ડોલર હોવાનું તથા તે હાલ ચાલતા ૮૨ના ભાવના બદલે ૩૫ના ભાવે આપનાર હોવાનું જણાવ્યું હતુ. આથી મહેશભાઈએ કેમ આટલા ઓછા ભાવે આપે છે તેમ પુછતા અમૃતે કહ્યુ કે, તે મુંદ્રા પોર્ટમાં કામ કરતો હતો ત્યારે જહાજમાંથી ડોલર મળ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી.મુંબઈ ગયા બાદ થોડા દિવસો પછી જામીનભાઈનો મહેશભાઈ ઉપર ફોન ગયો હતો અને ડોલરની વાત કરતા મહેશભાઈએ સેમ્પલ બતાવવાનું કહ્યુ હતુ. આ સેમ્પલ લેવા મહેશભાઈ ચોટીલા આવ્યા હતા. અને જામીનના ભત્રીજાએ ડોલરની નોટનું સેમ્પલ આપ્યુ હતુ. જે મુંબઈ જઈને મહેશભાઈએ તપાસ કરતા સાચી હોવાનું જણાવ્યુ હતુ.
બાદમાં તા. ૧-૭-૨૫ના રોજ મહેશભાઈ રૂપીયા ૫.૫૦ લાખના ૨૦ હજાર ડોલર લેવા ચોટીલા આવ્યા હતા. જેમાં ચોટીલા ડુંગર પાસે અમૃતે થેલીમાં ડોલરની નોટના ૨ બંડલ આપ્યા હતા અને રૂપીયા લઈ બીડી લઈને આવુ છુ તેમ કહી ફરાર થઈ ગયો હતો. જયારે મહેશભાઈએ નોટ ચકાસતા પ્રથમ અને છેલ્લી નોટ જ સાચી હતી જયારે વચ્ચેની તમામ નોટો પ્રીન્ટેડ કરેલી બોગસ નોટ હતી. આ અંગે તપાસ કરતા ત્રણેય મળી આવ્યા ન હતા. આથી તા. ૭-૧૦ના રોજ રાત્રે ચોટીલા પોલીસ મથકે મહેશભાઈએ થોરીયાળીના અમૃત રાજપરા, જામીનભાઈ અને અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Comments