ભુજ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો
મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત : આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યાગો સાથે એમઓયુ કરાયા
ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસગાથાને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબર થી તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભુજ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે ભારત નવી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. કચ્છમાં ૧૨ હજારથી વધુ રોજગારીનો લાભ મળ્યો છે. સાંસદે તાલીમાર્થી ભાઈઓ-બહેનોને નિમણુંકપત્ર મળ્યાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ ઉમેર્યું હતું કે, ભૂકંપ બાદ બેઠા થયેલા કચ્છને નવી દિશા સાથે નવી ગતિ આપનાર તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાનના કારણે કચ્છમાં ઉદ્યોગીકરણનો વિસ્તાર થયો છે. રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. રોજગારીના સર્જન માટે સરકારે અવસરો પારખીને સગવડ, સવલતો સાથે નવી તકો ઉભી કરી છે, જેથી ગુજરાતમાં રોજગારીનો દર વધ્યો છે.માંડવીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, યુવાનો ભવિષ્યનું ભારત છે. રોજગારી માટે માત્ર નોકરીનો પરંપરાગત ખ્યાલ જ નહીં પરંતુ આજના સમય મુજબ યુવાનોએ સ્કીલને ડેવલપ કરીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમનો ભાગ બનવું પડશે. તેમણે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વર્ચ્યુંઅલી જોડાઇને રાજ્યમાં થયેલા વિકાસની છણાવટ કરીને વેરાન કચ્છના રણમાં રીન્યુએબલ એનર્જી પાર્ક ઉભો કરી તેને રાજ્યનું ગ્રોથ એન્જિન બનાવનાર વડાપ્રધાનશ્રીના દષ્ટિવંત નેતૃત્વ તથા રોજગારીની તકોના સર્જન વિશે યુવાનોને માહિતગાર કર્યા હતા. ભુજ આઈટીઆઈના આચાર્ય બી.એમ.પરસાણીયા આભારવિધી કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટર આનંદ પટેલ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, વિવિધ કંપનીઓના નોકરી દાતાઓ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગારના તાલીમાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
--------------

Comments