સ્વાગત ઓનલાઈન એપ્લિકેશન, હવે ફરિયાદ નિવારણ આંગળીના ટેરવે
૨૪ વર્ષથી જનસામાન્યમાં સંતોષની લાગણી પ્રસરાવતો સ્વાગત કાર્યક્રમ બન્યો છે, શાસનનું ઉત્તમ ઉદાહરણ
ભુજ : ગુજરાત સરકાર દ્વારા "ઇઝ ઓફ લિવિંગ"ના લક્ષ્યને સાકાર કરવા અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું અસરકારક, પારદર્શક અને જવાબદેહીપૂર્વક નિવારણ લાવવા માટે ’સ્વાગત’ કાર્યક્રમ એક ક્રાંતિકારી પગલું સાબિત થયો છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના શરૂ કરેલો કાર્યક્રમ આજે પણ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. પ્લેટફોર્મને વધુ સુલભ બનાવવા માટે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા સ્વાગત ઓનલાઈન મોબાઇલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જેના થકી લાખો નાગરિકો હવે ઘરે બેઠા આંગળીના ટેરવે તેમની ફરિયાદો અને રજૂઆતો સચોટ રીતે નોંધાવી શકે છે.
‘સ્વાગત ઓનલાઈન’ મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા એટલે કે મુખ્યમંત્રી સુધી તેમની ફરિયાદ સીધી રજૂ કરવાની તક પૂરી પાડે છે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં નાગરિકો પોતાના મોબાઇલ દ્વારા ગમે તે સ્થળેથી નવી ફરિયાદ સરળતાથી નોંધાવી શકે છે, જેનાથી કચેરી સુધી જવાની જરૂરિયાત દૂર થાય છે. કોઈ પણ એન્ડ્રોઈડ યુઝર્સ ગુગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. અરજી દાખલ કર્યા પછી નાગરિકોને એક ટ્રેકિંગ નંબર મળે છે, જેના દ્વારા તેઓ પોતાની અરજીની વર્તમાન સ્થિતિ ઓનલાઈન ગમે ત્યારે ટ્રેક કરી શકે છે. અધિકારીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં અરજીનો જવાબ આપવો ફરજિયાત છે, જેનાથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદેહી જળવાય છે.
ફરિયાદોનું નિવારણ આ ચાર સ્તરે થાય છે, જે એપ્લિકેશન દ્વારા પસંદ કરી શકાય છે, જેમાં ગ્રામ સ્વાગત ગ્રામ પંચાયત કક્ષાએ, તાલુકા સ્વાગત તાલુકા કક્ષાની સમસ્યાઓ માટે, જિલ્લા સ્વાગત જિલ્લા કલેકટર કચેરી કક્ષાએ અને રાજ્ય સ્વાગત મુખ્યમંત્રીશ્રી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી સીધું નિવારણ કરવામાં આવશે. ફરિયાદના નિવારણ પછી અરજદાર પોતાની સંતોષની માત્રા (૧ થી ૧૦ રેટિંગ) આપીને ફીડબેક આપી શકે છે, જે સરકારી કામગીરીના સતત સુધારામાં મદદરૂપ થાય છે.
---
’સ્વાગત ઓનલાઈન’ દ્વારા ફરિયાદ નોંધાવવાની સરળ પ્રક્રિયા
ભુજ : નાગરિકો સરળ સ્ટેપ્સ દ્વારા તેમની ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં એપ્લિકેશન પર અરજદાર તરીકે મોબાઈલ નંબર ઉમેરી નોંધણી કરાવીને લોગ-ઇન કરવું, લોગ-ઇન કર્યા પછી, "ફરિયાદ દાખલ કરો" વિકલ્પ પસંદ કરવા, ફરિયાદનું સ્તર (તાલુકા /જિલ્લા /રાજ્ય) અને સંબંધિત વિભાગ પસંદ કરવો. સમસ્યાનું નિવેદન ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય સ્વરૂપમાં ભરવુ, ફરિયાદને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવી, અરજી સબમિટ કરીને ટ્રેકિંગ નંબર મેળવવો અને સ્ટેટસ ટ્રેક કરવું આમ ગુજરાત સરકારની ’સ્વાગત ઓનલાઈન’ એપ્લિકેશન એ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના સચોટ નિરાકરણ માટેનું એક મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ છે. આનાથી સરકારી તંત્ર અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર દૂર થયું છે, જે ગુજરાતમાં સુશાસનના લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે. સમસ્યા હોય ત્યાં સમાધાન અને તેનો ઉકેલ હોય જ છે આ ભાવના સાથે શરૂ કરાયેલા ’સ્વાગત’ કાર્યક્રમની ફળશ્રુતિરૂપે ગુજરાતના સામાન્ય નાગરિકોમાં આત્મસંતોષની લાગણી પ્રસરી રહી છે.
-------

Comments