રાષ્ટ્ર પ્રથમ જ દરેક દેશવાસીનો બને જીવનમંત્ર
કચ્છના જિલ્લા સેવા સદન ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓએ વિકાસના લીધા શપથ
ભુજ : દેશના વડાપ્રધાન મોદીએ વર્ષ ર૦૪૭ સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા આહ્વાન કર્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી આજ સુધી ર૪ વર્ષો દરમ્યાન ગરીબો - વંચિતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બની છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહિવટી તંત્ર દ્વારા આ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે અને ક્યાંય ત્રુટી કે અધુરાશ રહી હોય તો તે સહિયારા પ્રયાસોથી દૂર થાય તે અભિગમ સાથે રાષ્ટ્ર પ્રથમને જીવનમંત્ર બનાવી દરેક જનપ્રતિનિધિ અને વહિવટી તંત્રના અધિકારી - કર્મચારીઓ સેવારત થાય તો ભારત અચૂક વિકસીત રાષ્ટ્ર બનશે તેવી લાગણી આજે કચ્છ જિલ્લા સેવા સદન ખાતે સેવા સપ્તાહની ઉજવણીના પ્રારંભે ભારત વિકાસ પ્રતિજ્ઞા સમારોહ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વ્યક્ત કરી હતી.આજે ભુજના જિલ્લા સેવા સદન ખાતે ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવા સાથે સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંંભ કરાયો હતો, જેમાં જનપ્રતિનિધિઓ ઉપરાંંત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ - કર્મચારીઓએ રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ર૦૦૧ના વડાપ્રધાન મોદીએ ગવુજરાતના ૧૪મા મુખ્યપ્રધાન મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. છેલ્લા ૧૧ વર્ષથી તેઓ દેશનું સુકાન સંભાળી રહ્યા છે. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે ર૦૪૭માં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા આહ્વાન કર્યું છે ત્યારે સેવા અને રાષ્ટ્રપ્રેમના અભિગમ સાથે સૌ સહિયારા પ્રયાસો કરે અને માત્ર સેવા સપ્તાહ સુધી જ નહીં, વર્ષભર લોકાભિમુખ કાર્યો થાય તેવો અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર આનંદભાઈ પટેલે સેવા સપ્તાહની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સપ્તાહ દરમ્યાન યુવાલક્ષી, કૃષિલક્ષી, રોજગાર લક્ષી અને કુપોષણ નિવારણના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વિવિધ હરિફાઈઓના આયોજનો થકી લોકોની સહભાગીતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આજે સેવા સપ્તાહના પ્રારંભે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. વિકસીત રાષ્ટ્ર માટે સૌ પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Comments