Trending News
સ્થાનિક સમાચાર

આત્મારામ રિંગરોડ પર મોડી રાત્રે વેપારી પાસેથી બેગ છીનવવાનો પ્રયાસ

07 October

તહેવારના દિવસો નજીક છતાં ભુજમાં પોલીસ પેટ્રોલિંગ કાગળ પર 



વેપારીએ બેગ પકડી રાખતા બાઈક સ્લીપ થઈ ને અજાણ્યા શખ્સો ભાગી ગયા 


ભુજ : હાલમાં તહેવારના દિવસો નજીક છે અને જ્યાં ભૂતકાળમાં અનેક ચોરી, ચેન સ્નેચિંગ સહિતના ગુનાઓ બની ચૂક્યા છે તે વિસ્તારમાં ગઈકાલે રાત્રે વધુ એક બનાવ બનતા રહી ગયો હતો. હજુ પણ પશ્ચિમ કચ્છની પોલીસ અંધારામાં છે અને અધુરામાં પુરો નગરપાલીકાના વાંકે આ વિસ્તાર પણ રોડ લાઈટ વિહોણો હોવાથી અંધારામાં છે. આ બાબતે મળતી વિગતો મુજબ એપીએમસીમાં દુકાન ધરાવતા વેપારી છ તારીખે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી પોતાના ઘરે જતા હતા ત્યારે આત્મારામ સર્કલથી ભુજિયા જવાના કટ પર તેમની બાઈકની પાછળ બે જણા બાઈક લઈને આવ્યા અને વેપારીના હાથમાંથી બેગે છીનવાનો પ્રયાસ કરતા વેપારીએ બેગ પકડી સાચવી રાખી અને તેવામાં તેમની મોપેડ સ્લીપ થતા હાથ, પગ અને શરીરે ઈજાઓ થઈ હતી. તેઓ રોડ પર પટકાતા બેગ છીનવવા આવેલા બે શખ્સો ભાગી ગયા હતા. આત્મારામ સર્કલ પર ઘણા સમયથી રોડ લાઈટ બંધ છે. રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભુજ નગરપાલિકાના શાસકો માત્ર પોતાની કચેરી બનાવવામાં રસ દાખવે છે પરંતુ આ વિસ્તારમાં રોડ લાઈટનો અભાવ છે. આખા રસ્તા પર ગંદકી અને દબાણના કારણે અસામાજિક તત્ત્વો પડ્યા પાથર્યા રહે છે. 
એક પણ એવા ગોરખ ધંધા નથી જે આ વિસ્તારમાં ન થતા હોય છે. નગરપાલિકાએ જાણે મોકળું મેદાન આપ્યું હોય તેવો તાલ સર્જાયો હતો. ઉપરાંત આત્મારામ સર્કલ અને એપીએમસીને જોડતા રોડ પર મસમોટા ખાડા અને તેમાં મોટી મોટી કાંકરીઓ નાખવામાં આવતા તે અકસ્માત માટે નિમિત બની રહી છે. 
હાલમાં જ્યારે તહેવારોની સિઝન છે ત્યારે વેપારીઓ પાસે મોટી મત્તા હોય છે. ખરેખર આ વિસ્તારમાં રોડલાઈટ ચાલુ થવી જોઈએ, પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર છે. આ વિસ્તારમાં ધોળા દિવસે પણ નિકળવું મુશ્કેલ છે. કારણ કે, અસામાજીક તત્ત્વોનો એટલો ત્રાસ છે. બી-ડિવિઝન પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાને લાલબતી સમાન ગણી તંત્ર હવે પગલાં ભરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM