ભુજમાં વ્યાજખોરીના ધંધામાં હવે મહિલાઓ પણ જોડાઈ, બહેનપણીને જ બનાવી શિકાર
કિટી પાર્ટીમાં ઓળખાણ થઈ અને ટુકડે ટુકડે ૧૭ લાખ લીધા સામે ર૭.૬૧ લાખ ચૂકવવા છતા ઉઘરાણી યથાવત રખાઈ : જુલાઈ મહિનામાં મહિલાએ આપઘાતનો કર્યો હતો પ્રયાસ
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ એટલી હદે વધી રહ્યું છે કે, નાના માણસો સાવ પિસાઈ ગયા છે. અગાઉ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી હતા ત્યારે વ્યાજખોરો સામે કડક પગલાં ભરવામાં આવતા વ્યાજખોરો ઘુંટણીએ આવી ગયા હતા પરંતુ તે બાદ નક્કર કાર્યવાહી થઈ નથી. જેના કારણે વ્યાજખોરો બેફામ બન્યા છે. તેવામાં હવે ભુજમાં વ્યાજખોરીના ધંધામાં મહિલાઓ પણ જોડાઈ હોવાનું અને બહેનપણીને જ વ્યાજખોરીનો શિકાર બનાવી ૧૭ લાખની સામે ર૭.૬૧ લાખ પડાવી ઉઘરાણી યથાવત રાખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી પ્રમુખસ્વામી નગરમાં રહેતા કોમલબેન હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, તેના ભાઈને અગરબતીના હોલસેલના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી ર૦ર૩ મા બહેનપણી મિરજાપરમાં રહેતા યોગેશ્વરીબેન ઉર્ફે ટીનાબેન કિશોરભાઈ જણસારી પાસેથી પ૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. દર મહિને રપ૦૦ વ્યાજ થશે તેમ કહેવામાં આવ્યું હતું.
બાદમાં ટુકડે ટુકડે આ યોગેશ્વરીબેન પાસેથી પ.પ૦ લાખ લીધા હતા. જેની સામે ૯,૪૬,૩૦૦ ચૂકવ્યા છે. તેમજ આરોપીએ સોનાની ચેઈન અને કાનની બુટી પડાવી લીધી છે. આવી જ રીતે પ્રમુખસ્વામીનગરમાં રહેતા જિજ્ઞાબેન રાજેશભાઈ ઠક્કર પાસેથી ૧૦ લાખ લીધા હતા. જેની સામે ૧પ.૬પ લાખ ચૂકવ્યા છે. જ્યારે નીતાબેન ગૌતમભાઈ ગજરા પાસેથી દોઢ લાખ લીધા છે. જેની સામે અઢી લાખ આપ્યા છે.
ત્રણેયજણા દ્વારા હજુ પણ વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરવામાં આવે છે. જેથી કંટાળીને ર૩ જુલાઈના મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે ભુજ એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો.

Comments