કચ્છમાં વાહન નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન : તંત્રની આંખે પાટા
સામાન્ય જનતાને દંડ પણ, વગદારોને છૂટ
‘એપ્લાય ફોર રજિસ્ટ્રેશન’ની નંબર પ્લેટ સાથે દોડતા વાહનો કાયદાના પાલન પર ઊભા કરી રહ્યા છે ગંભીર પ્રશ્નો : મોટર વાહન અધિનિયમ મુજબ રજિસ્ટ્રેશન વગર નવા વાહનોની ડિલિવરી આપી શકાય નહીં : વગદાર અને માલેતુજારોને કઈ રીતે મળે છે છૂટ ? : ગાડીમાં બ્લેક કાચ અને નંબર વગરના ગાડી સહિતના નિયમો નાની પ્રજાને લાગે પડે છે.... ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાની અમલવારી પર ઉઠી રહ્યા છે સવાલ
ભુજ : રાજ્યના મહાનગરોની જેમ કચ્છ જિલ્લામાં પણ વાહન ચાલકો દ્વારા સહકાર માન્ય નંબર પ્લેટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જિલ્લામથક ભુજ, ગાંધીધામ જેવા શહેરના માર્ગો પર માન્ય નંબર પ્લેટ વિના કે એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલ નંબર પ્લેટ સાથેના વાહનો દોડતા નજરે ચડી રહ્યા છે. રસ્તા પર આવા અનેક વાહનો બેરોકટોક ફરતા જોવા મળે છે. તેમ છતાં તેમની સામે આરટીઓ કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓના નિયમ મુજબ વાહનના શોરૂમ ગ્રાહકોને રજિસ્ટ્રેશન નંબર વગર વાહન આપી શકતા નથી. જે અંગે સ્પષ્ટ નિયમ બનેલો છે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ દરેક વાહન પર ધારાધોરણ મુજબ એમ્બોસ નંબર પ્લેટ પર માન્ય રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવવો જરૂરી છે. તેમ છતાં કેટલાક વાહનો પર રાજા, બોસ જેવા શબ્દો કે પોતાની જાતિ સૂચક શબ્દો દર્શાવેલ મોડિફાઈડ કરેલી નંબર પ્લેટ લાગેલી જોવા મળે છે. તો કેટલાક વાહનો નંબર પ્લેટ વિના કે એપ્લાય ફોર નંબર લખેલ પ્લેટ સાથે ફરતા જોવા મળે છે. નિયમ મુજબ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લાગ્યા વિના શોરૂમ પરથી વાહનો આપવામાં આવતા નથી પરંતુ વગદાર કે માલેતુજારો આ નિયમનના દાયરામાં આવતા ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય નાગરિકોને નાની-નજીવી બાબતો માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ કે આરટીઓને તે દેખાતું નથી. પોલીસના નેત્રમમાં પણ તે પકડાતા નથી. વગદારોને જાણી જોઈને નજર અંદાજ કરતા હોવાનું જાગૃત કચ્છીજનો જણાવી રહ્યા છે. નંબર પ્લેટ વિના વાહનોની ડિલિવરી અપાતી ન હોવા છતાં આ પ્રકારના વાહનો રસ્તા પર કેમ જોવા મળે છે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
મોટર વાહન કાયદાની કલમ ૩૯ મુજબ કોઈપણ વ્યક્તિ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવી શકતી નથી. આ નિયમ અનુસાર ડિલરોની જવાબદારી છે કે તેઓ વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જ ગ્રાહકોને વાહનની ડિલિવરી આપે. જો કોઈ વાહનના પરમેનન્ટ રજિસ્ટ્રેશનમાં સમય લાગે તેમ હોય તો ડીલર ટેમ્પરેરી રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકે છે. આ નંબર એક મહિના સુધી માન્ય રહે છે. ટેમ્પરરી નંબર હોવા છતાં આ નંબર વાહન પર લાગેલા હોવા ફરજિયાત છે. જો કોઈ ગ્રાહક રજિસ્ટ્રેશન વગરનું વાહન ચલાવતા પકડાય તો તેને દંડ સાથે વાહન પણ જપ્ત થઈ શકે છે પરંતુ આવી કોઈ કાર્યવાહી થતી ન હોવાનું જોવા મળી રહ્યું છે. જે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાના પાલન પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

Comments