મહાત્મા ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા વડીલ વંદના કરાઈ
ભુજ : પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને ગાંધીવાદી વડીલોની વંદના કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજાની આગેવાનીમાં શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, ભુજ તાલુકા પ્રમુખ લાખાજી સોઢા, હેમાંગભાઈ જોષી, મીતભાઈ જોષીએ ગાંધીવાદી વડીલ ચંદ્રવદન ગુલાબરાય મહેતાના ઘરે જઈ તેમનું સન્માન કરી અને શેષ જીવન નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. શ્રી મહેતાએ કૉંગ્રેસની આ પહેલને બિરદાવી આઝાદી સમયના સંભારણા વાગોળ્યા હતા અને તે સમયના ગાંધીજી, નહેરુજી, સરદાર પટેલ, શાસ્ત્રીજીના સંઘર્ષને અને દેશ પ્રત્યે તેમને નિષ્ઠાને બિરદાવી હતી. આજના સતાધીશો તેમની સામે વામણા પુરવાર થયા છે. આજે વૈશ્વિક સ્તરે દેશ મજબૂતાઈથી ઊભો છે તેમાં ત્યારના સતાધીશોનું ખૂબ જ મોટું યોગદાન છે જે ક્યારેય વિસરાય એમ નથી. ત્યારબાદ વરિષ્ઠ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરનું સન્માન કરી અને તેમના ખબર અંતર જાણી તેમને પણ ભવિષ્યમાં હજી સમાજઉપયોગી કાર્ય કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. શિવજીભાઈએ પણ હવે રાજકીય કોઈ મહત્વકાંક્ષા નથી, પણ કોંગ્રેસ પક્ષ માટે હરહંમેશ જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થશે તેવી બાહેંધરી આપી હતી. ત્યારબાદ સિનિયર એડવોકેટ અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરભાઈ સચદેને મળી તેમનું સન્માન કરેલ હતું. શંકરભાઈએ પ્રદેશ કોંગ્રેસના આ વિચારને બિરદાવી આવા પ્રયાસો થકી કોંગ્રેસ પોતાના જાજરમાન ભૂતકાળની જેમ પુનઃ સત્તાના શિખરો સર કરશે એવી આશા વ્યક્ત કરી હતી. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કરને મળી તેમનું સન્માન કરી કચ્છ જિલ્લાના વિકાસ માટે તેમણે કરેલા નિષ્ઠાવાન પ્રયાસો અને તેમના પ્રયાસોથી થયેલા કાર્યો યાદ કરી હજી ભવિષ્યમાં પણ નિરોગી રહી અને કચ્છના પ્રશ્નો માટે ચિંતા સેવતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. મહેશભાઈએ પણ પોતે ઉંમરના લીધે જાહેરમાં ઓછા આવે છે, પરંતુ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો તેઓ કરતા જ રહે છે અને ભવિષ્યમાં કૉંગ્રેસની સરકાર બને અને પ્રજાનો આ અન્યાયી શાસનથી છુટકારો થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી તેવું ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું હતું.
------------

Comments