Trending News
સ્થાનિક સમાચાર

ચકારની જુગાર કલબમાંથી મળેલી ડાયરી  અનેક ખાખીધારીઓના તપેલા ચડાવશે ?

05 October



ત્રણ લોકો દ્વારા ભાગીદારીમાં જુગાર કલબ ચલાવાતી જો કે એસએમસીને ચકમો આપી સંચાલકો જ ભાગી ગયા : એક બાજી દીઠ રૂપિયા પ૦૦ ની ઉઘરાવાતી હતી નાલ : પોલીસ પક્કડથી બચવા ખેલીઓના વાહનો ત્રણ કી.મી. દૂર પાર્ક કરાવી બાવળોની ઝાડીમાં હંગામી તંબુ તાણી રમાતો હતો જુગાર : એસએમસીએ ગુનો દાખલ કરાવતા ક્રોસ તપાસ માધાપર પોલીસને સોંપાઈ : ગણનાપાત્ર કેસમાં બેજવાબદાર ખાખીધારી સામે પગલા લેવાશે કે નહીં ? ચર્ચાઓ તેજ

ભુજ : તાલુકાના ચકાર ગામની સીમમાં ભલોટ ગામ તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં બાવળની ઝાડીમાં બનાવાયેલા લાકડાના શેડ નીચે રમાતી જુગાર પર એસએમસીએ દરોડો પાડયો હતો. દરોડાની આ કાર્યવાહી ત્રણ તારીખે સાંજે ૬.૩૦ કલાકે શરૂ થઈ હતી. જે બીજા દિવસે સવારે ૭.૩૦ કલાક સુધી ચાલી હતી. આ કાર્યવાહીમાં ૧ર ખેલી પકડાયા હતા. જયારે ૧૮ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા ખેલીઓની પુછપરછમાં નવા ખુલાસા થયા છે.
એસએમસીને ચકમો આપીને ભાગી ગયેલા આરોપીઓમાં જ સંચાલકનો સમાવેશ થાય છે. મોટા રેહાના ગુલાબસિંહ ખેતુભા જાડેજા, ચકારના પપુ જાડેજા, ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા સલમાબેન સુલેમાનભાઈ ગંઢ સંચાલક હોવાનું સામે આવ્યું છે. સલમાબેન હાલે સિનુગ્રા ગામના ઉપસરપંચ છે અને અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાવા સહિતના વિવાદમાં આવી ચુકયા છે. ત્રણેય જણાએ કાચા રસ્તા પર બાવળની ઝાડીમાં લાકડા અને વાંસનો શેડ ઉભો કરી ઉપર તાલપત્રી લગાવી જુગાર રમવા માટે વ્યવસ્થા ઉભી કરી હતી. વાહનો ત્રણ કિ.મી. દૂર રઘુભાની વાડીમાં પાર્ક કરવામાં આવતા  અને ત્યારબાદ ખેલીઓને સ્કોર્પીયો કારમાં કલબ પર લાવવામાં આવતા હતા. સ્કોર્પીયોમાં ખેલીને રમવા મુકવા અને બાજી દીઠ રૂપિયા પ૦૦ નાલ ઉઘરાવાતી હતી. આ માટે મોટા રેહાના ડાયાલાલ ગોવિંદ મહેશ્વરીને કામ પર રાખવામાં આવ્યો હતો. જે ઝડપાઈ જતા પુછપરછમાં હકીકતો ખુલી હતી. બાજીદીઠ જે રૂપિયા ઉઘરાવાતા તે સ્ટીલના ડબ્બામાં રાખવામાં આવતા. જેમાંથી એક લાખ રૂપિયા મળ્યા હતા. જુગારીઓ રમતા ત્યાં હીસાબ કિતાબની ત્રણ નોટબુક પણ મળી છે. જેની તપાસમાં અનેક ખાખીધારીના નામ ખુલે તો નવાઈ નહીં કહેવાય. આ જુગારમાં કુલ્લ ૩૦ લોકો સામે પધ્ધર પોલીસમાં જુગારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ૧ર ખેલી પકડાયા હતા. અને ૧૮ ભાગી ગયા હતા. ક્રોસ તપાસ માધાપર પોલીસને સોંપવામાં આવી હતી. લાંબા સમયથી આ વિસ્તારમાં જુગાર કલબ ચાલતી હોવાનું સુત્રો કહે છે. જો કે પધ્ધર પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ વિસ્તારમાં એલસીબી સહિતની એજન્સીઓ પણ કેમ અંધારામાં રહી ગઈ તે તપાસનો વિષય છે. 

 

Comments

COMMENT / REPLY FROM