Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા પટ્ટામાં ખનીજ-બેન્ટોઈન્ટના બ્લોકના નામે કરોડોના જમીન કૌભાંડની ગંધ : ગૌચર જમીનોના આડેધડ વેપલાની વકી?

05 October

જમીન ખરીદવાનો સોદો કરનારા સાવધાન રહે, નહીં તો ભેસના શીંગડામાં માથું ભરાયા જેવો તાલ થશે



ખીરસરા વિંઝાણ ગામે દોઢ કરોડમાં ગૌચરની જમીન બેન્ટોનાઈટ ઉદ્યોગપતિ પકડાવી દેવાઇ...? કચ્છ બહાર વસતા વતનપ્રેમી કઈક લોકો આવા કારનામામાં ફસાયાની ચર્ચા


રેવન્યુ રેકોર્ડમાં પણ ઉપર છલ્લા ગોટાળા હોવાની પણ આશંકા : સત્તાવાર રીતે સંપૂર્ણ તપાસ કરી અને જમીન ખરીદવામાં નહીં આવે તો “ભરોસાની ભેંસ પાડો જણે” જેવો તાલ દલાલો ઉપર રાખેલા અંધવિશ્વાસને કારણે થઈ શકે : કેટલાક રેવન્યુ કર્મચારી અને દલાલોને ગોળ અને જમીન ખરીદવા કરોડો રૂપિયા રોકતા લોકોને ખોળ જેવો તાલ થવાની આશંકા સેવતા ગામના અગ્રણીઓ : લગ્ન પછી ઘણા પતિઓની થતી કફોડી હાલત જેવી હાલત જમીન ખરીદ્યા પછી ઉદ્યોગપતિઓની થાય નહીં તે માટે સાવધાની જરૂરી


ભુજ : અબડાસા તાલુકામાં અને કોઈપણ તાલુકામાં જમીન ખરીદવા અને રોકાણ કરવા માટે કચ્છ બહાર વસતા વતનપ્રેમી કચ્છીઓ અને કચ્છનો ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અન્ય ઉદ્યોગપતિઓ પણ કચ્છમાં જમીન ખરીદવા માટે બહુ જ ઉત્સુક હોય છે. જમીન ખરીદવા પહેલા તેની મૂળભૂત રીતે સંપૂર્ણ તપાસ કરી અને પછી જ જમીન ખરીદે નહીં તો તેમના કરોડો રૂપિયા ફસાઈ જવાની સંભાવના રહે છે તેવું જાણકારોએ ચેતવતા જણાવ્યું હતું. તાજેતરમાં અબડાસા તાલુકામાં ખીરસરા વિંઝાણ ગામમાં અંદાજે રૂપિયા દોઢ કરોડની આજુબાજુનો એક જમીનનો સોદો થઈ ગયો હોવાનું અથવા તો તે માટે સંપૂર્ણ ગોઠવણ દલાલો દ્વારા થઈ ગઈ હોવાનું ચર્ચાતું હોવાનું કહેવાય છે, પરંતુ આ જમીન મૂળભૂત રીતે ગૌચર જમીન છે. ફક્ત પાંચ એકર ગામતળ પ્રકારની જમીન છે પણ તેમાં તો બેન્ટોનાઈટ છે જ નહીં અને બેન્ટોનાઈટ નીકળશે તેવું ભરમાવી અને જમીન પકડાવી દેવાનો કારસો રચાયો હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં મહેસુલ તંત્ર દ્વારા જમીનની નોંધણીમાં ભૂલથી કે કોઈ પણ કારણોસર ગરબડ થવાથી જમીનોના પાકા દસ્તાવેજ પણ નિયમ પ્રમાણે બની જાય છે પરંતુ એ જમીન વાસ્તવમાં ગામતળની છે. ખેતીવાડીની કે ગૌચરની કેવા પ્રકારની છે તેની સત્તાવાર રીતે રેવન્યુ ખાતા પાસે તપાસ કરાવી અને પછી જ જમીનના સોદા કરાય તે ઇચ્છનીય છે. નહીં તો જે જમીનમાં બેન્ટોનાઈટ છે જ નહીં તેવી જમીન બેન્ટોનાઈટના બહાને અને બેન્ટોનાઈટ છે તેવી જમીન ગૌચરની હોવા છતાં ગામતળની છે તેવું જણાવી અને સીસામાં ઉતારવાની કેટલાક દલાલોની ચાલમાં જમીન વિશે ઊંડાઈપૂર્વકનુ જાણકારી નહીં ધરાવનાર નિર્દોષ લોકો ફસાઈ જવાની સંભાવના છે. 
ચોકાવનારી વાતએ ચર્ચાય છે કે સરકારી રેકર્ડમાં પણ ૧૯૭૨ની આજુબાજુ જમીનની નોંધ અંગે ગોટાળા થઈ ગયા છે એવું મનાય છે. ગોટાળાના આધારે ખરેખર ગૌચરની જમીન છે તેવી જમીન ગામમળમાં ભૂલથી નોંધાઈ ગઈ છે એવું કહેવાય છે અને તેનો ગેરફાયદો ઉઠાવી અને આવી જમીન અજાણ્યા ખરીદદારોને પરણાવી દેવામાં દલાલો ઉસ્તાદ મનાય છે. મીઠી મીઠી વાત કરી અને રેવન્યુ ખાતા દ્વારા દસ્તાવેજો પણ બનાવડાવી અને બેન્ટોનાઈટના ખનીજનો ઉદ્યોગ શરૂ કરવાના સપનાઓ બતાવી જમીનના સોદા કરાવી નખાતા હોવાની વાતની જાણકારી રજૂ કરી અને જમીન ખરીદનારાઓને જ ખૂબ જ સાવધાન રહેવા કેટલાક લોકોએ ચેતવણી આપી છે. ખીરસરાની વાત કરીએ તો તેમાં પાંચ એકરની જગ્યાએ ૨૦૫ એકર જમીનના પ્રકારની આકારણીમાં ૧૯૭૨ની સાલમાં લોચા મરાયા હોવાનું કહેવાય છે, તેના કારણે ગૌચરની જમીન ગામતળની જમીન તરીકે બતાવી દેવાઈ હોવાનું કહેવાય છે. બેન્ટોનાઈટના ખનીજના હેતુ માટે ખરીદવા માંગતા લોકોને ભવિષ્યમાં મોટી તકલીફ થાય તેવી રીતે ફસાવી દેવાનો કારસો ગોઠવાઈ રહ્યો છે. સંબંધી ખરીદદારોએ તો એ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. જો ભૂલથી ગૌચરની જમીનમાંથી બેન્ટોનાઈટ નીકળે તો પણ કાયદેસર રીતે તેનું ઉત્ખન્ન કરી શકાતું નથી. જમીનનો જ્યારે સોદો થાય છે ત્યારે તેની માલિકીના હકકો બરોબર ટ્રાન્સફર થઈ જાય છે એટલે ખરીદનારને નિરાંત હોય છે. પણ તે જમીન કઈ કેટેગરીમાં ખરેખર રહેલી છે તે અંગેના અજ્ઞાનને કારણે અથવા તો તેના ખોટા દસ્તાવેજ કે લખાણને કારણે શીશામાં ઉતરી જવાની પૂરી સંભાવના થઈ છે. ભવિષ્યમાં ગામ લોકો સુપ્રીમ કોર્ટ સુધી જમીનના મામલે લડી લેવાના મૂડમાં હોય છે, ત્યારે આવી ખોટી ૫ડોજણમાં પડી ન જવાય તે માટે જે કોઈ જમીન ખરીદવામાં આવે તેની પૂરેપૂરી તપાસ આરટીઆઇ દ્વારા સત્તાવાર રીતે કરી લેવાય તે ખૂબ જ જરૂરી મનાય છે. ભવિષ્યમાં લાંબી ઉપાધીમાં પડી અને ભેંસના શિંગડામાં માથું ભરાઈ ગયું હોય તેવી હાલત ન થાય તેવુ જાગૃત વર્ગ ટકોર કરી 
રહ્યો છે.


....................


સબંધિત જમીનનું પ્રમોલગેશન હજુય પેન્ડિંગ 

ભુજ : અબડાસા   તાલુકાના ખીરસરા- વિંઝાણ ગામની સંબધિત જમીન અંગે ગ્રામ પંચાયતના ઉપસરપંચ આદમભાઈ હિંગોરાએ જણાવ્યું હતું કે, સર્વે નં. ૧૩૯ વાળી જમીન ૮ એકર હતી. ૧૯૬૬-૬૭માં વધુ ર૧૬ એકર ફાળવવામાં આવી હતી. જે તે સમયે જમીનના કોઈને કોઈ કબ્જેદાર હતા   તેમણે વાવણી કરી હતી. જે કબ્જેદાર ન હતા તેમના ૭/૧ર હતા. આ જમીનનું અંતિમ પ્રમોલગેશન પેન્ડીંગ છે. વર્ષ ર૦૧૪માં પ્રમોલગેશન હાથ ધરાયું હતું.પરંતુ  કોઈપણ અસમજંસતાના કારણે તે બાકી રહી ગયું હતું.  જમીનના ૭/૧ર ધરાવનાર વ્યક્તિ જંત્રી ભરી કોઈને પણ વેંચાણ કરવા સ્વતંત્ર હોય છે. ગ્રામ પંચાયત લેવલે જમીનની માપણી થઈ શકે નહી. તેથી પ્રાંત અધિકારી સમક્ષ ગ્રામ પંચાયતે જમીનની માપણી કરી  પ્રમોલગેશન સત્વરે કરી આપવા રજુઆત કરવામાં આવી છે. હદનિશાન અને પ્રમોલગેશન રેવન્યુ મેટર હોવાથી ગ્રામ પંચાયતની તેમાં કોઈ ભૂમિકા રહેતી નથી. તેવું તેમણે જણાવ્યું હતું. ગામની ગૌચર અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, વર્ષ ૧૯૮૧માં સીર્વે નં. ૩૦૭માં ગૌચરની નોંધ પડી હતી. જો કે ત્યારબાદ ની પ્રાંતના હુકમ સહિતની પ્રક્રિયા હજુ પેડિંગ રહી છે.



.................



ઉત્ખન્ન પહેલા નિયમોની જાણકારી જરૂરી

કચ્છની જમીન ખનીજનો ભંડાર મનાય છે અને માટીના ખનન દરમિયાન આવા જે સફેદ પથ્થર નીકળે છે તે બેન્ટોનાઈટના જ મનાય છે, એટલે કચ્છ પ્રત્યે બેન્ટોનાઇટ સાથે સંકળાયેલા લોકોનું ખૂબ જ આકર્ષણ છે પણ તેની જમીન ખરીદવા અને ઉત્ખન્ન કરવા પહેલાં બધા જ નિયમો જાણી લેવા હિતાવહ કહી શકાય તેમ છે.


.....................


જમીન ખરીદતા પહેલા સાવધાની જરૂરી 


કચ્છમાંથી નીકળતા ખનીજ બેન્ટોનાઈટની દેશ-વિદેશમાં નિકાસ આવી રીતે પેકિંગ થાય છે અને તે સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા કમાઈ દે છે પરંતુ બેન્ટોનાઈટ ઉત્ખન્ન માટે જો તપાસ કર્યા વગર ઉતાવળે લોચાવાળી જમીન ખરીદાઈ જાય તો વર્ષો સુધી સુપ્રીમ કોર્ટના ચક્કર કાપી અને ખર્ચના ખાડામાં ઉતરી ન જવાય તે માટે ખૂબ જ સાવધાની જરૂરી છે.



.............


માત્ર પાંચ એકર જમીન હોવા છતાં ર૦પ એકર ફાળવાઈ

ભુજ : ખીરસરા વિંઝાણના જાગૃત અગ્રણી રજાકભાઈ હિંગોરજાએ જણાવ્યું હતું કે ગામની સર્વે નં.૧૩૯ વાળી જમીન માત્ર પાંચ એકર જેટલી      છે પરંતુ તે જમીન ૧૭ લોકોને ર૦પ એકર ફાળવી દેવામાં આવી છે. વર્ષ ૧૯૭ર પહેલા ર૦પ એકર જમીન  ફાળવી દેવાયાનું સાડા પાંચ દાયકા બાદ તંત્રને ધ્યાને આવ્યું છે. જે જમીન ફાળવવામાં આવી છે. તેમાં કેટલીક જમીન ગૌચર હોવાની આશંકા છે. આ વિસ્તારમાં મળી આવતા બેન્ટોનાઈટના કારણે રોકાણકારો અહીં જમીન ખરીદવા તત્પર રહે છે. ત્યારે તંત્ર દ્વારા જમીન માપણી સહિતની કામગીરી કરી હદ નિશાન કરવામાં આવે તે જરૂરી છે.



................


વહીવટી તંત્ર પાસેથી પૂરક વિગતોનો ઈંતજાર 


ભુજ : ખીરસરા વિંઝાણની ગામની સંબધિત જમીન અંગે અબડાસા મામલતદારનો સંપર્ક કરતાં તેઓ હાલે રજા પર હોઈ રેકર્ડ ચકાસ્યા બાદ પ્રવર્તમાન વિગત આપવાનું જણાવ્યું હતું. અબડાસા પ્રાંત અધિકારીઓ પણ સબંધિત જમીન અંગે મામલતદારશ્રી પાસેથી વિગત મેળવવા જણાવ્યુ હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે અબડાસાના ખીરસરા વિંઝાણ સહિતના કેટલાક ગામોમાં પ્રમોલગેશન, માપણી અને સાંથણીની જમીન સહિત અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે તેનો કયારે નિવેડો આવશે.



 

Comments

COMMENT / REPLY FROM