Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં બીએસએફ દ્વારા હથિયાર પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

04 October





ગાંધીધામ : બીએસએફ ભુજના પ્રાદેશિક મુખ્યાલય અને ફ્રન્ટિયર ગુજરાત હેઠળની ૮૫મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ  દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ ગાંધીધામ ખાતે હથિયાર પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ યુવાઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રદર્શનમાં આસપાસના સરકારી તેમજ ખાનગી શાળાઓના આશરે ૫૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બીએસએફ દ્વારા મોર્ટાર અને સીજીઆરએલ સહિતના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચાલિત ગ્રેનેડ લૉન્ચર અને અન્ય ભારે હથિયારો પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનમાં બીએસએફ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કારકિર્દી બનાવવાની તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી યુવાનોને રક્ષણ સેવાઓમાં જોડાવા પ્રેરણા મળે. આ અવસર પર વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી સ્વતંત્રતા દોડમાં ભાગ લીધો હતો. ૮૫મી બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમારે વિદ્યાર્થીઓને પોતાના દૈનિક જીવનમાં શિસ્ત અને ઈમાનદારી અપનાવવાની સાથે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફની ભૂમિકા વિષે માહિતગાર કરવો અને તેમને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો હતો. આવા કાર્યક્રમો યુવાઓમાં જવાબદારી અને દેશભક્તિની ભાવનાનો સંચાર કરતા હોવા સાથે બીએસએફની ક્ષમતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ પ્રદર્શિત કરે છે.
----

 

Comments

COMMENT / REPLY FROM