ભુજની ફેક્ટરીમાં બનેલા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો
તહેવારો પૂર્વે તંત્રનો સપાટો
કલાપૂર્ણ ઘીની ફેક્ટરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ ત્રાટકી : કલાપૂર્ણ ગાયનું ઘી, પ્રિમિયમ કાઉ ઘી સહિત ૧ર.૩૬ લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો
ભુજ : દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જન આરોગય સાથે ચેડાં કરતા નકલખોર તત્ત્વો સક્રિય થઈ ગયા છે. તહેવારોના દિવસોમાં મિલાવટી ખાદ્ય પદાર્થોની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે તહેવારો પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આળસ ખંખેરી છે. ભુજ નજીક આવેલ ઘીની ફેક્ટરીમાં આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ જણાતા ઘીના જથ્થાને સીઝ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે બપોરે પૂર્વ બાતમીના આધારે ફુડ વિભાગની ટીમે ભુજના નાગોર રેલવે ક્રોસિંગ પાસે આવેલ મે. કલાપૂર્ણ ઘીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર મળી આવેલ રાયમા ઈરફાન અસગરઅલી અને મૂળ માલિક નિલેશ રસિકલાલ ત્રેવડિયા પૈકી ઈરફાન શંકાસ્પદદ ઘી બનાવતા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જણાઈ આવી હતી. તપાસ અધિકારીઓએ ઘી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ નમૂના લઈ બાકીનો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કર્યો હતો. ફુડ સેફટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલ દ્વારા ગાયનું ઘી ૩પ કિલો કેનમાંથી લૂઝ, ૪૯૯ લીટર, કલાપૂર્ણ ગાયનું ઘી ૧પ લીટર બકેટ પેક ૪૯૪ લીટર, કલાપૂર્ણ પ્રિમિયમ કાઉ ઘી ૧ લીટર બોટલ ૪૬૯ લીટર, કલાપૂર્ણ પ્રિમિયમ કાઉ ઘી પાઉચ ૭૮૭ લીટર સહિત કુલ્લ રૂા.૧ર,૩૬,૩૭૦નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
------

Comments