કચ્છના ભુજથી રક્ષામંત્રીનો નાપાક મુલકને લલકાર
સિરક્રીક મુદ્દે પાક.સખણું રહે : રાજનાથનો હુંકાર
ભારતીય રક્ષામંત્રીએ ભુજમાં વિજયાદશમીના દિને શસ્ત્રપુજન કરી અને ઉદબોધનમાં ઓપરેશન સીંદુરની સફળતા, ભારતીય સૈન્યની સજજતા અને નાપાક મુલકને લલકાર સહિતના મુદાઓ પર કરી છણાવટ
ભુજ : કેન્દ્રીય સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ ગતરોજથી સરહદી કચ્છના પ્રવાસે આવી પહોચ્યા છે તેઓએ ગઈકાલે ભુજ આર્મી કેન્ટોન્ટમેન્ટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજ રોજ તેઓનો નિર્ધારીત ક્રીક વિસ્તારમાં સરહદે જઈને વિજયાદશમીનો કાર્યક્રમ વરસાદી વાતાવરણના લીધે ભુજમાં જ યોજવામા આવ્યો હતો. ભુજમાં રક્ષામંત્રીશ્રીએ વિજયદશમીના દિને શસ્ત્રપુજન કર્યા બાદ સંબોધન કર્યુ હતુ અને તેમાં નાપાક મુલકની ચોખખી સ્પષ્ટ શબ્દોમાં કડક લલકાર જ આપી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર રાજનાથસિંહ દ્વારા આજ રોજ પાકીસ્તાનને કચ્છ ભુજના મંચથી ખુલ્લો લકાર આપીને કહ્યુ હતુ કે સિરક્રીક મુદે પાક સખણું રહે. નહી તો તેના ઈતિહાસ અને ભુગાળ પણ બદલાઈ જતા વાર નહી લાગે. ભારતીય સેના તમામ મોરચે સજજ રહેલી છે. સરક્ષંણમત્રીએ કહ્યુ કે,પાક. કોઈ પણ પ્રકારનુ દુઃ સાહસ કરશે તો તેને ભારે પડશે એટલુ જ નહી તેની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ ભારત આપશે તેવો પડકાર પણ રાજનાથસિંહે ફેકયો હતો. તેઓએ ઓપરેશન સિંદુરની સફળતાની પણ આ તબક્કે વાત કરી હતી. તેઓએ કહ્યુ કે પાકીસ્તાનની સામે જવાબી કાર્યવાહીમાં ભારત તેની જ ભાષામાં જવાબ આપશે.
હથિયારો એ માત્ર હિંસાનું સાધન કે શક્તિ પ્રદર્શન માટે નથી પરંતુ શસ્ત્રો એ ધર્મની સ્થાપનાનું સાધન છે. ભગવાન શ્રીરામે ધનુષથી રાવણનો વધ કર્યો, મા દુર્ગાએ શસ્ત્રથી અસૂરોનો સંહાર કર્યો અને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી અધર્મીઓનો નાશ કર્યો હતો. આપણા શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે, ધર્મની સ્થાપના અને રક્ષા માટે શાસ્ત્રો સાથે શસ્ત્ર પણ અનિવાર્ય છે તેવું ભુજના લશ્કરી મથકમાં વિજયાદશમીના પાવન પ્રસંગે શસ્ત્રપૂજન કરતા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. કચ્છના બે દિવસીય પ્રવાસે આવેલા દેશના રક્ષા મંત્રીનો લક્કીનાળા ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ખરાબ આબોહવાના કારણે રદ્દ થતા તેમણે ભુજના લશ્કરી મથક ખાતે શસ્ત્રપૂજન કર્યું હતું. આ અવસરે સેનાના જવાનોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે રીતે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકોને મસ્તક પર અડાળે છે તે રીતે સૈનિકો પોતાના શસ્ત્રને સન્માન આપે છે. શસ્ત્રોની પૂજા એ માત્ર શસ્ત્રોનું જ નહીં પરંતુ તેને ધારણ કરનાર સૈનિકનું પણ સન્માન છે. ધર્મ અને ન્યાયની રક્ષા માટે માત્ર શાસ્ત્રો પુરતા નથી પરંતુ તેના રક્ષણ માટે શસ્ત્ર અને શક્તિ પણ જરૂરી છે.
રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રોના મામલે ભારત આદિકાળથી સમૃદ્ધ છે હવે શસ્ત્ર મામલે પણ સમૃદ્ધ થયું છે. ભારત હવે માત્ર શસ્ત્રોનો ઉપભોક્તા જ નહીં, નિર્માતા અને નિકાસકાર પણ બન્યું છે. શસ્ત્રો મુદ્દે ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારત જેવા વિશાળ અને વિવિધતા પૂર્ણ રાષ્ટ્ર માટે શસ્ત્રોનું સવિશેષ મહત્ત્વ છે.
આ વેળાએ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સધર્ન આર્મી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફટનન્ટ જનરલ ધીરજ શેઠ, ૧રમી કોટર્સના કોર કમાન્ડર લેફટનન્ટ જનરલ આદિત્ય વિક્રમસિંહ રાઠી, ભારતીય આર્મી, નૌસેના, વાયુદળ, બીએસએફના અધિકારીઓ, વિવિધ પાંખના જવાનો હાજર રહ્યા હતા.

Comments