રાપર-ભચાઉ હાઇવેની કેટલીક હોટલમાં ગેરપ્રવૃતિઓનો ગ્રાફ ઊંચકાયો
કેટલીક હોટલોના સંચાલકો નિયમોને નેવે મૂકી હોટલમાં રૂમ અસામાજિક તત્વોને ભાડે આપતા હોવાની ચકચાર : ડ્રગ્સ અને દારૂના દૂષણ ઉપરાંત ચોરી જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ સામે જવાબદાર તંત્ર વાહકોના આંખમીંચામણાં : જવાબદાર તંત્ર વાહકો અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓની રહેમ દ્રષ્ટિ હેઠળ અસામાજિક તત્વોને મળ્યું મોકળું મેદાન
ગાંધીધામ : કચ્છના ભચાઉથી લઈને રાપર સુધીના હાઈવે વિસ્તારમાં આવેલી હોટલો અને ઢાબાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાપર અને ભચાઉ
ઉપરાંત લાકડીયા, સામખીયાળી નેશનલ હાઇવે પર આવેલ કેટલીક હોટલોમાં ગેર પ્રવૃતિઓ વધી હોવાનું સામે આવી રહ્યું છે. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ વિસ્તારની કેટલીક હોટલોના સંચાલકો નિયમોને નેવે મૂકી હોટલમાં રૂમ અસામાજિક તત્વોને ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે. હાઇવે પરની હોટલોમાં ગેર
પ્રવૃતિઓનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હાઈવે નહિ હોટલ ઉપર ડ્રગ્સ અને દારૂના દૂષણ ઉપરાંત ચોરી જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જવાબદાર તંત્ર વાહકો અને કેટલાક ભ્રષ્ટ
પોલીસ કર્મીઓની રહેમ દ્રષ્ટિ હેઠળ અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભચાઉ અને રાપર પત્રકમાં કેટલીક હાઇવે હોટલોમાં રાત્રી રોકાણ માટે આવતા ગ્રાહકો પાસેથી ઓળખના પુરાવા લેવામાં આવતા નથી, જેના કારણે શંકાસ્પદ તત્વોને આશરો મળતો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. માત્ર એટલું જ નહીં, હાઈવે પર આવેલી અનેક હોટલો અને ધાબાઓમાં દારૂબંધીના કાયદાની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવાઈ રહ્યા છે. અહીં દારૂ તથા ડ્રગ્સનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આ હોટલો પર સહેલાઈથી દારૂ ઉપલબ્ધ થતો હોવાને કારણે યુવાનોમાં વ્યસન તરફ વળવાનો ખતરો વધી રહ્યો છે.
આ ઉપરાંત વાહનચાલકો અને મુસાફરો માટે ચિંતાજનક પરિસ્થિતિ પણ ઉભી થઈ છે. હોટલની બહાર ઊભી રાખેલી ટ્રકો અને અન્ય વાહનોમાંથી ડીઝલની ચોરી થતી હોવાના બનાવો સામે આવ્યા છે. ઘણીવાર ગાડીઓમાંથી કિંમતી સામાનની ચોરી તથા મુસાફરોની વસ્તુઓ ગુમ થવાની ઘટનાઓ પણ બની છે. પરિણામે હાઈવે પર મુસાફરી કરતા લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને ભયના માહોલમાં પોતાની મુસાફરી કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેકવાર ચર્ચાઓ, રજૂઆતો અને ફરિયાદો થવા છતાં પોલીસે તથા સરકારના જવાબદાર વિભાગોના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે. સ્થળ પર દેખરેખ અને ચેકિંગની કોઈ કડક વ્યવસ્થા ન હોવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જાણે પ્રોત્સાહન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો એ માંગણી કરી છે કે તાત્કાલિક પોલીસ અને પ્રશાસન દ્વારા હાઈવે વિસ્તારની હોટલો તથા ધાબાઓમાં ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે અને દારૂ-ડ્રગ્સના વેચાણ, ડીઝલ ચોરી તથા સામાનની ચોરી જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવામાં આવે. જો ત્વરિત અને કડક
પગલાં નહીં લેવાય તો કચ્છના હાઈવે વિસ્તારમાં ગુનાખોરીના બનાવોમાં ચોંકાવનારો વધારો થવાની સંભાવના છે.

Comments