માતાનામઢે હજારો ભાવિકો વચ્ચે હનુવંતસિંહે પતરી પ્રસાદ ઝીલ્યો
જય ભવાની જય અંબે, આશાપુરા માતાકી જયના નાદ વચ્ચે
ઝરમર વરસાદ વચ્ચે પિતા - પુત્રે પતરી માટે ખોબો પાથર્યો : ચાચરાકુંડથી ચામરયાત્રા નિકળી : હજારો નર- નારી જોડાયા : ટ્રસ્ટીઓ તથા રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નખત્રાણા : કચ્છની આસ્થા સાથે જોડાયેલા દેશ દેવ આશાપુરા મંદિરે સમસ્ત કચ્છની સુખાકારી માટે રાજ પરિવારના હાથે લેવાતી પતરી પરંપરાના અનેક ચડાવ ઉતાર બાદ રાજ્યની વડી અદાલતે હનુવંતસિંહના પક્ષને સમર્થન આપતાં આજે આઠમના વહેલી સવારે ૮ઃ૩૦ વાગ્યે ચાચરાકુંડ ખાતે પતરી પ્રસાદની ધાર્મિકવિધિ યોજાઈ હતી. બાદમાં ચચરા ભવાની માતાજીને પગે લાગી ચામરયાત્રા ચાચરકુંડથી માતાનામઢ મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું. રજવાડી ડ્રેસમાં ખુલ્લા પગે હનુવંતસિંહજીની સવારી નિકળી હતી. જય ભવાની જય અંબે, આશાપુરાજી માતા કીના જય ઘોષ સાથે ઢોલ શરણાઈ અને ડાકલિયાના ઘેરા ડાકના નાદ સાથે નિકળેલી ચામરયાત્રામાં હજારો નરનારી જોડાયા હતા. આશાપુરાજી મંદિરે પતરી, પૂજા, આરતી બાદ પતરી - પ્રસાદ ઝીલ્યો હતો. પતરી ઝીલવામાં થોડોક વિલંબ થયો હતો. પતરી પ્રસાદ ઝીલતા અવસરે ઉપસ્થિત હજારો માઈ ભક્તોની આંખો ભીની થઈ હતી. પતરીવિધિ ટાંકણે હનુવંતસિંહજી તથા તેમના પરિવાર અને પ્રતાપસિંહજી જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, જાડેજા નારાણજી, કલુભા, કનૈયાલાલ કટારિયા, ચત્રભુજ ભાનુશાલી, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ગિરીશ જોષી સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પતરી - પ્રસાદ ઝીલ્યા બાદ હનુવંતસિંહજીએ રાજ પરંપરા મુજબ રાજાબાવા યોગેન્દ્રસિંહના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં ગુરૂગાદીના દર્શન કર્યા હતા. અને ત્યારબાદ રાજાબાવા યોગેન્દ્રસિંહજી પણ પરંપરા અનુસાર રાજવી પરિવારના નિવાસસ્થાને જઈ ત્યાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગત રાત્રે મંદિરમાં આવેલા યજ્ઞ શાળા ખાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે હોમહવન વિધિ આદરાઈ હતી. આચાર્ય દેવકૃષ્ણ વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ હવનની વિધિ કરાઈ હતી. આ ટાંકણે મ.ક. હનુમંતસિંહજી બાવા, ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી, ચત્રભુજભાઈ, કનૈયાલાલ કટારિયા, સુરેન્દ્રસિંહજી જાડેજા, મયુરસિંહ જાડેજા, મંદિરના પૂજારી તિલા પરિવાર ઉપરાંત કચ્છ રાજ પરિવાર સહિત લાખ જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. માતાનામઢે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આમ
માતાનામઢે આસો નવરાત્રી પર્વ રંગેચંગે ઉમંગ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
ગ્રામ પંચાયત દ્વારા પણ સફાઈ, પાણી, લાઈટ સહિત સુવિધા ઉભી કરાઈ હતી. સરપંચ કાસમભાઈ કુંભાર, હિતેશ મહેશ્વરી, રામજી બ્રાભણિયા, પ્રવીણદાન ગઢવી સહિત ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ સ્વયંસેવકો જહેમત ઉઠાવી હતી. આજે પતરીવિધિ બાદ ઝરમર ઝરમર વરસાદ પણ પડી
રહ્યો હતો.
..............
શું... છે માતાનામઢે ચામર અને પતરીવિધિનો મહિમા.. !
નખત્રાણા : માતાનામઢ ખાતે આઠમના યોજાતી ચામર અને પતરીવિધિના ઈતિહાસ પર ડોકિયું કરીએ તો કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નિમેલા પરિવારના પ્રતિનિધિ હવન પૂર્ણ થયા બાદ આઠમ નોતરે ચામરકુંડમાં સ્નાન કરે છે અને સ્નાન બાદ ચાચર ભવાની અને ગણેશની વિશેષ પૂજા કરે છે. પૂજા બાદ ચામર લઈ અને પગપાળા વાજતે ગાજતે નીજ મંદિરમાં પ્રવેશ કરે છે, તેઓ સોનલચારથી માની પૂજાવિધિ કરે છે. ત્યારબાદ પૂજારી માના જમણા ખંભા ઉપર પતરી મુકે છે અને આ પતરી નામની વનસ્પતિ માતાજીના ફુલ માનવામાં આવે છે. આ વનસ્પતિ ૧ર મહિનામા માત્ર એક જ વાર માતાનામઢની સીમમાં થાય છે. પતરી માતાના ખંભે મુકયા બાદ મંદિરના પૂજારી ઝાઝર, પખવાજ, ડાકલા વગાડવાની આજ્ઞા આપે છે અને કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નિમેલા પ્રતિનિધિ જમણા પગે ઉભા રહી અને પતરી ઝીલે છે. માતાજી રાજી હોય તો તત્કાલ પતરી મળી જાય છે અથવા ૧૦થી ૧પ મિનિટનો સમય લાગે છે અને પતરી પહેલા માના ખમ્ભા પરથી રથી ૩ ઈંચ ઉપર જાય છે અને ત્યારબાદ કચ્છ મહારાવ પતરી ધારણ કરે છે. અહીં રાજવી પરિવાર અથવા તેમને નિમેલા તેમના પ્રતિનિધિ સિવાય કોઈ પતરી ઝીલી શકતું નથી તેવી શ્રદ્ધા - આસ્થા આજે પણ અકબંધ છે. ત્યારબાદ પતરી ઝીલનાર જાગીર અધ્યક્ષના નિવાસસ્થાને મુલાકાત લેવા જાય છે તે પૂર્વે છેલ્લા લગભગ સાડા ચારસો વર્ષ કરતાં પણ વધારે સમયથી ભુજથી માતાનામઢ સુધી પરંપરાગત ચામરયાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિમાં માતાનામઢ ખાતે ચામર અને પતરીવિધિનો ઈતિહાસ અને મહિમા છે.
..............
ભુજ આશાપુરા મંદિરે ગણતરીની સેકન્ડમાં ઝીલાયો પતરી પ્રસાદ
તેરા ઠાકોર મયુરધ્વજસિંહના હસ્તે પતરીવિધિ કરાઈ : બહોળી સંખ્યામાં માઈભક્તો રહ્યા ઉપસ્થિત : સૌ કચ્છીજનોની સુખાકારી માટે કરાઈ પ્રાર્થના
ભુજ : આસો સુદ આઠમના આજે ભુજના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પતરીવિધિ કરવામાં આવી હતી. તેરા ઠાકોર મયુરધ્વજસિંહે પતરી પ્રસાદ ઝીલ્યો હતો. ગણતરીના પળોમાં જ માતાજીએ પતરી પ્રસાદદરૂપી આશીર્વાદ આપતા મંદિર પરિસર આશાપુરા માતાજીના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. મંદિરમાં ઉપસ્થિત ભાવિક માઈભક્તો ભાવવિભોર બન્યા હતા. આજથી અંદાજીત ૪૭પ વર્ષ પહેલાં ભુજ શહેરની સ્થાપના થઈ ત્યારથી કચ્છ રાજ પરિવારના દરબારગઢમાં ટીલામેડીમાં બનેલા મહામાયા મંદિરે ચામર પૂજા યોજવામાં આવતી હતી.
ત્યારબાદ આઠમના દિવસે ભુજ આશાપુરા માતાજી મંદિર અને માતાનામઢ ખાતે પતરી વિધિ કરવામાં આવે છે. તેરા ઠાકોર મયુરધ્વજસિંહે જણાવ્યું હતું કે, મહારાવ પ્રાગમલજી ત્રીજાના સૂચવેલા પથ પર ચાલી કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર પાંચમના ચામર પૂજા બાદ આજે પતરીવિધિ પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવી છે. મા આશાપુરાએ કચ્છ પર અમીદ્રષ્ટિ રાખી ગણતરીની સેકન્ડોમાં જ આશીર્વાદ આપ્યા છે. માતાજીની કૃપા કચ્છ પર અને ભાવિક ભક્તો પર હંમેશા બની રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી છે. તેમણે સર્વે કચ્છીજનોને અશ્વિન નોરતાની શુભકામનાઓ પાઠવી હતી. મંદિરના પૂજારી જનાર્દનભાઈએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે હવનવિધિ સંપન્ન થયા બાદ આજે પરંપરા અનુસાર પતરીવિધિ કરવામાં આવી હતી. માતાજીએ કચ્છને આશીર્વાદ આપ્યા છે. આ પ્રસંગે કચ્છ રાજવી પરિવારના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં માતાજીના ભક્તો હાજર રહ્યા હતા. વ્યવસ્થા આરતી ગ્રુપના સભ્યોએ સંભાળી હતી.
........

Comments