નવી શરતની જમીનોમાં પ્રીમીયમ પાત્ર શબ્દો દૂર કરવાના પરિપત્રોનો પણ અધિકારીઓ અમલ કરતા નથી : વી.કે. હુંબલ
કચ્છમાં અનેક ગામોમાં નવી શરતની સાંથણીની જમીનોના હુકમ બાકી છે તેની રજૂઆત કરી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન અપાયું
ભુજ : ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી સાંથણીઓમાં મળેલ નવી શરતની જમીનોમાં પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં અને આવી જમીનો કચ્છના અનેક ગામોમાં આવેલ છે તેવી જમીનો મામલતદારે સુઓમોટો કરી અને પ્રીમિયમ પાત્ર શબ્દો રેકર્ડમાંથી કાઢવા માટેના હુકમો કરવાના હતા, પરંતુ નવાઈની વાત એવી છે કે પાંચ માસ જેટલો સમય નીકળી ગયો હોવા છતાં કચ્છના અનેક ગામોમાં હજુ હુકમો થયેલ નથી. આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ અને કિસાન કોંગ્રેસના પ્રમુખ યોગેશ પોકાર, રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા સહિતનાઓના પ્રતિનિ મંડળ કચ્છ કલેકટરને આવેદનપત્ર આપેલ અને આધાર પુરાવાઓ, ૭/૧૨ની નકલો આપીને જણાવેલ કે, સરકાર તરફથી પરિપત્ર બહાર પાડેલ હોવા છતાં તેનો અમલ પણ સરકારી અધિકારીઓ કરતા નથી. મામલતદારોની જવાબદારી અને ફરજ બને છે કે તેના તાબાના દરેક ગામોમાં જેટલી પણ નવી શરતની જમીનો આવેલી છે તેની વિગતો મેળવી સમય મર્યાદામાં હુકમો કરવા જોઈએ, પરંતુ કોઈ અગમ્ય કારણોસર દરેક ગામોના ગામોમાં અધૂરા હુકમો કરેલ છે, જેમાં ખાસ કરીને ભીમાસર ગામોના અધુરા હુકમોમાં ગામના ૫૦ ખેડૂતોની નવી શરતની જમીન આવેલ છે, જેની સામે માત્ર પાંચ ખેડૂતોની જમીનો માટે હુકમો કરેલ છે. આ તો માત્ર પુરાવા રજૂ રાખેલ છે બાકી તો પશુડા, વરસાણા તેમજ કચ્છના અનેક ગામોના હુકમો કરવાના બાકી છે. આ બાબતે કલેક્ટર આનંદ પટેલે તમામ મામલદારોને સુચના આપવાની વાત સ્વીકારી હતી અને આ મુદ્દે જરા પણ કચાસ રખાશે નહીં એવી ખાતરી જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને આપી હતી.
ઉપરાંત વિશેષમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ દ્વારા હાલમાં વાંઢીયામાં ખેડૂતોની વીજ લાઈન પસાર કરવા માટે થઈ રહેલ કનડગત બાબતે ખરેખર જમીનોનું વળતર પૂરેપૂરું મળી રહે તે માટે નવસારી કલેકટરના પત્રનો આધાર રજૂ કરી જો કલેકટર નવસારી આવી જમીનોનું વાણિજ્ય હેતુ ગણી અને વળતર આપતા હોય તો ખરેખર કચ્છમાં પણ ખેડૂતોને પણ વાણીજય હેતુ માની પૂરતું વળતર મળવું જોઈએ તેવી પણ રજૂઆત કરી હતી.
----------

Comments