ભુજ ખાતે ૯ આરોગ્ય એમ્બ્યુલન્સ નાગરિકોની સેવામાં કરાઈ અર્પણ
ભુજ : શહેર ખાતે ૯ આરોગ્ય એમ્બ્યુલન્સ નાગરિકોની સેવામાં અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, ઘેલાભાઈ ચાવડા, વિરમભાઇ વી. ગઢવી, પુરષોતમ એમ મારવાડા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના હસ્તે ભુજ ખાતે કુલ ૯ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી અપાઈ હતી.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી જિલ્લાની ગ્રાન્ટમાંથી ૮ અને તાલુકાની ગ્રાન્ટમાંથી ૧ આમ કુલ ૯ એમ્બ્યુલન્સ રૂા.૧,૬૧,૯૯,૧૦૯ના અને કચ્છ જિલ્લાના છ તાલુકા, ૨૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૨૨ ફોગીંગ મશીન રૂા.૬,૧૬,૦૦૦ના મળી કુલ રૂા. ૧.૬૮ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત અને તાલુકા દ્વારા ખરીદવામાં આવેલ છે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી વિશાળ જિલ્લો છે તો સાથે જ ભૌગોલિક દ્રષ્ટીએ કઠિન અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે ત્યારે અંતરિયાળ વિસ્તારવાળા વિશાળ કચ્છમાં બેઝીક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. દર્દીઓને પાયાની સા૨વા૨ સમયસર મળી રહે અને તેનો જીવ જોખમાય નહી મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે અને લોકોને સમયસર સારવાર મળી રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વણવીરસિંહ રાજપૂત, સામાજિક ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ કેશવજી રોશિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેશ ભંડેરી, ઈએમઓ ડૉ. કેશવકુમાર સહિતના મહાનુભાવો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments