ગોવાથી ભુજ આવતો ર૬.૮૮ લાખનો દારૂ રાજકોટમાં પકડાયો
ટ્રકમાં પતરાના બેરલમાં શરાબની કરાતી હતી હેરાફેરી : ડ્રાઈવરને ઝડપી લેવાયો
ગાંધીધામ : રાજયમાં દારૂ બંધી માત્ર નામની છે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં અંદાજે પાંચ કરોડથી વધુનો દારૂ પકડાયો છે તેવામાં ભુજ આવતો શરાબ રાજકોટમાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહીથી બચવા માટે સીલબંધ બેરલમાં દારૂના કવાટરીયા ભરવામાં આવ્યા હતા. જો કે બાતમીના આધારે આ દારૂ પણ પકડાઈ ગયો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ ગોવાથી ભુજ આવતા ર૬.૮૮ લાખના દારૂનો જથ્થો પકડાયો હતો. મૂળ સુરતનો અને રાજકોટમાં રહી શ્રીજી રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો ૨૯ વર્ષીય ભાવીન પ્રકાશભાઇ અગ્રાવત સ્વાતિ પાર્ક મેઇન રોડ પર ટ્રક સાથે ઊભો હતો ત્યારે એલસીબી ઝોન - ૧ ની ટીમે બાતમીના આધારે રેડ પડી હતી અને તપાસ કરતા ટ્રકમાં પતરાના બેરલની આડમાં છૂપાવેલો રૂ.૨૬.૮૮ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૩૭,૦૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સ આજીડેમ પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો હોવાથી આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ દારૂ ભુજ તરફ આવવાનો હતો. જો કે દિવાળીના તહેવારોના અનુસંધાને પેટ્રોલીંગમાં રહેલી એલસીબી ઝોન - ૧ ની ટીમે શરાબ ઝડપી પાડયો હતો. પોલીસ કાર્યવાહીથી બચવા માટે બેરલમાં દારૂ ભરવામાં આવ્યો હતો. ચાલક ટ્રાન્સપોર્ટમાં માલ ભરી ગોવા ગયો હતો. ૧૧ર જેટલા બેરલમાંથી મોલ્ટ વ્હીસ્કીના ૧૩૪૪૦ કવાટરીયા મળી આવ્યા હતા. દારૂ ભરેલા તમામ બેરલ સીલબંધ હતા. ચાલકે જણાવ્યું કે, આ બેરલમાં દારૂ હોવાની તેને કોઈ જાણ ન હતી. ગોવાની ટ્રાન્સપોર્ટ પેઢીને આ બેરલમાં દારૂ હતો કે કેમ ? તેની જાણ હતી કે નહીં તે તપાસનો વિષય છે. ડ્રાઈવર ભાવીનને તેના શેઠે ગોવાથી માલ ભરી આવવાનું કહ્યું હતું. જેથી પોલીસે હવે આગળની તપાસ હાથ
ધરી છે.

Comments