Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં પવનચક્કીના પાર્ટ લઈ જતા ભારે વાહને શ્રમજીવીને હડફેટે લેતા મોત

29 September

કચ્છ કલેકટરના આદેશનો ઉલાળિયો...!




મામલતદાર કચેરી સામે મોડી રાત્રે કંપનીનું વાહન મોપેડ પર ફરી વળતા બની ઘટના : ભારે વાહનો પર બે તારીખ સુધી પ્રતિબંધ હોવા છતાં પોલીસની બેદરકારીના કારણે પવનચક્કી અને નમકના વાહનો સતત દોડતા રહ્યા : ગતરોજ સાંજે ભારે ટ્રાફિકજામ અને અકસ્માતથી લોકોમાં ફેલાયો આક્રોશ


નખત્રાણા : નખત્રાણામાં જાહેરનામું હોવા છતાં ૫વનચક્કીના પાર્ટ લઈ જતા ભારે વાહનો બેફામ હોવાથી શ્રમજીવીનું મોત થયું હતું. શુક્રવારે મોડી રાત્રે મામલતદાર કચેરી પવનચક્કીના પાર્ટ લઈ જતા કંપનીના તોતિંગ વાહને સ્કુટી ચાલકને કચડી નાખતા આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. 
આ બાબતે મળતી વિગતો મુજબ હાલ માતાનામઢ તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ ઓછો થયો છે પરંતુ વાહનોનો પ્રવાહ વધુ છે. દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ભાવિકોને પરેશાન ન થવું પડે અને માતાનામઢ જતા નાના વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા બે તારીખ સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ નખત્રાણામાં જાહેરનામું હોવા છતાં કંપનીના તોેતિંગ વાહનો બેફામ દોડી રહ્યા છે. ગત રોજ પ૮ વર્ષિય સ્કુટી ચાલક ભીમજી જખુ શેખાને ટક્કર મારી કચડી નાખતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું તેમની સાથે અન્ય યુવાન પણ ઘવાયો હતો જેને સારવાર માટે ભુજ લઈ જવામાં આવ્યો છે. કલેકટર જાહેરનામુ બહાર પાડે તેની અમલવારી થતી નથી. જાહેરનામુ માત્ર કાગળ પર હોય તેવું જણાઈ આવે છે. આ માર્ગ પર પવનચક્કી તેમજ કંપનીઓના વાહનો દોડતા હોવાથી રવિવારે ભારે ટ્રાફિકજામ પણ થયો હતો. કચ્છ કલેકટર જિલ્લાના સમાહર્તા કહેવાય. જો તેમના જ જાહેરનામાની તાબાની પોલીસ અમલવારી કરી શકવામાં નિષ્ફળ હોય તો લોકોને સુરક્ષા કયારે મળશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે. આ અંગે નખત્રાણા પી.આઈ એ. એમ. મકવાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મરણ જનાર સાથે અન્ય એક યુવાન પણ ઘવાતા તેની સારવાર ચાલી રહી છે જેની સારવાર પૂર્ણ થયા બાદ તેમની ફરિયાદ લઈ વિવિધ કલમો તળેે ગુનો દાખલ થશે. હાલ જાહેરનામાં ભંગની પણ કલમ ઉમેરવામાં આવશેે.

 

Comments

COMMENT / REPLY FROM