Trending News
સ્થાનિક સમાચાર

નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં મેઘો ભંગ પાડશે! : કચ્છમાં ત્રણ દિવસ યેલો એલર્ટ 

28 September




ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી : કચ્છમાં મગ, તલ સહિતના રામમોલના તૈયાર પાક અને કાપણી વચ્ચે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા


ભુજ : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવલા નોરતાની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છમાં વરસાદની આગાહીથી નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં મેઘો ભંગ પાડે તેવી ભીતિ વ્યકત કરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સોમવારે અને મંગળવારે અને બુધવારે કચ્છમાં વરસાદનું યેલો એલર્ટ અપાયું છે. જયારે રાજયના અન્ય જિલ્લાઓમાં કયાંક રેડ તો અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 
 ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે.  આજે રાજયના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરહસી રહ્યો છે. નવરાત્રિમાં વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો, ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં આગામી ર૯, ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓકટોબરના વરસાદનું યેલો એલર્ટ અપાયું છે. વરસાદ પૂર્વે કચ્છમાં હાલ ભારે બફારાનો લોકો અહેસાસ કરી રહ્યા છે. દિવસે ભારે ગરમીના લીધે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. 
દરમ્યાન ૨૯ સપ્ટેમ્બરના કચ્છ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, બાટોદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહીતના જિલ્લાઓમાં યેલો એલર્ટ અપાયું છે.  તો ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના ૭ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સારા ચોમાસાના પગલે હાલ રામ મોલનો પાક લણણીની અણીએ છે. જિલ્લાના અમુક વિસ્તારોમાં મગ, તલ સહિતની ખેતપેદાશોની કાપણી શરૂ કરાઈ છે. તો અમુક વિસ્તારોમાં પાક તૈયાર થઈ ગયો છે. દરમ્યાન હવામાન વિભાગની આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યુંં છે. 

 

Comments

COMMENT / REPLY FROM