Trending News
સ્થાનિક સમાચાર

ભુજ નગર સેવા સદનનું નવનિર્મિત અટલ ભવન ભુજવાસીઓની સુખાકારીનું માધ્યમ બનશે : વિનોદ ચાવડા 

28 September





લોકાર્પણ પૂર્વ નવા સંકુલમાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન કરાયું : ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓનું પ્રસંગોચિત કરાયું સન્માન : લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ શ્રેણીના એપિસોડનું કરાયું સામૂહિક શ્રવણ 


કચ્છના સાંસદના હસ્તે રૂા.પ.રપ કરોડના ખર્ચે નવનિર્મિત નગર પાલિકા ભવનનું કરાયું લોકાર્પિત : અત્યાધુનિક સુવિધા સજ્જ અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટી, સીસીટીવી, બોરવેલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ


ભુજ : લોક સુખાકારી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વર્ષ ર૦રપને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજના શહેરીજનોને સુવિધાજનક નગર સેવા સદનની અટલ ભવન તરીકે ભેટ મળી છે. નવરાત્રિને પાવન પર્વ, સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે ત્યારે નવા નગરપાલિકા ભજનની દશેરા ભેટ શહેરીજનોને મળી છે તેનો સવિશેષ આનંદ છે તેવું ભુજ નગરપાલિકાના નવનિર્મિત અટલ ભવનને લોકાર્પિત કરતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લામાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે. લોકોની સુખાકારી માટે બુનિયાદી સુવિધાઓનો વધારો એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા રહી છે. ભૂકંપ બાદ નવસર્જન પામેલા જિલ્લામથક ભુજનો વિસ્તાર અને વસતી વધ્યા છે ત્યારે લોકોને આધુનિક માળખાગત સુવિધાઓ મળી રહે તે દિશામાં અનેકવિધ કામો થઈ રહ્યા છે અને ભવિષ્યને ધ્યાને લઈ અનેક કામો થવાના છે ત્યારે આજે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાસજ્જ નગર સેવા સદનમાં શહેરીજનોની સુખાકારીના કાર્યો અવિરત થતા રહેશે તેવી લાગણી સાથે નગરજનોને નવરાત્રિ અને દશેરાના પર્વની સાથે અટલ ભવનના ઉદ્દઘાટનની શુભકામનાઓ પાઠવી હતી. 
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભુજ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી. આ ઉપરાંત ભુજ શહેરને ભારે વાહનોની ટ્રાફિક સમસયામાંથી કાયમી મુક્તિ અપાવવા રાજ્ય સરકારે શેખપીરથી સુખપર સુધીના બાયપાસ રોડને મંજૂરી આપી છે તે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય તરીકેની ગ્રાંટમાંથી શહેરમાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ કરવા તેમણે ખાતરી આપી હતી. આવનાર દિવસોમાં ભુજ શહેરના તમામ મુખ્યમાર્ગોના રિસરફેસિંગ સહિતના કામો અંગે લોકોને માહિતગાર કર્યા હતા. 
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ભુજવાસીઓને નવા નગરપાલિકા ભવનની સાથે આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રિ અને દશેરાની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ પોતાના ઉદ્દબોધનમાં શહેરી વિસકા વર્ષ અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોટ ઝોનની સાત અ વર્ગની નગરપાલિકાઓમાં થઈ રહેલા કાર્યોની વાત કરી હતી. ભુજમાં પ.રપ કરોડના ખર્ચે ટુંકા ગાળામાં જ નગરપાલીકાના નવા ભવનનું બાંધકામ થયું છે. આવનાર દિવસોમાં ભુજના કૃષ્ણાજી પુલનું પણ નવનિર્મિત થવાનું છે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા માત્ર જાહેરાત જ કરી નથી પરંતુ શહેરી વિસ્તારો માટેની ગ્રાંટમાં ૪પ ટકા વધારો કર્યો છે. આ વર્ષે સરકારશ્રીએ શહેરી વિકાસ વિભાગને ૩૦.૩રપ કરોડની માતબર ગ્રાંટ ફાળવી છે. શહેરી વિકાસના આયોજનોની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. ભુજ નગરપાલિકાના નવા ભવનમાં મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે. આધુનિક ફાયર સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા સાથે રપ રૂમો, દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. 
ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આવકાર આપ્યો હતો અને ભુજવાસીઓને અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉદ્દઘાટન પૂર્વે નગરપાલિકાના નવનિર્મિત ભવન ખાતે શાસ્ત્રોક્તવિધિથી હોમ-હવન કરાયા હતા. 
રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરી અટલ ભવનને લોક સેવા માટે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. લોકાર્પણ સમારોહના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના ર૬ મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરાયું હતું. તમામ મહાનુભાવોએ નવા ભવનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા પુરક વિગતો આપી સાથે રહ્યા હતા. લોકાર્પણ સમારોહમાં ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખોનું પ્રસંગોચિત બહુમાન કરાયું હતું. 
૩૦ હજાર સ્ક્વેર ફીટ બાંધકામ સાથે નવા અટલ ભવનમાં બે બોરવેલ, વિશાળ પાર્કિંગ, ૩૦ અલગ અલગ ચેમ્બર, સામાન્ય સભા માટે હોલ, દરેક માળ પર શૌચાલય, લિફટ, સ્ટેટકેસ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. 
અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે ઈન્ચાર્જ ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી અનિલ જાદવ, નગરપાલિકાના ઉપપ્રમુખ ધનશ્યામ સી. ઠક્કર, સતાપક્ષના નેતા કમલ ગઢવી, રાજેશ ગોર, દિવ્યરાજસિંહ જાડેજા, મીતભાઈ ઠક્કર, બાપાલાલ જાડેજા, દિલીપભાઈ ત્રિવેદી, અરૂણ વચ્છરાજાની, મહેશ ઠક્કર, અશોક હાથી, કિરીટ સોમપુરા, પરાક્રમસિંહ જાડેજા, દિલીપ શાહ, અનિલ ગોર, શિતલ શાહ, સંદીપ શાહ, બાલકૃષ્ણ મોતા, હિરેન રાઠોડ, બિંદિયાબેન ઠક્કર, સાવિત્રીબેન જાટ વગેરે ઉપરાંત નગર સેવકો, વિવિધ સમાજના આગેવાનો, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરે કર્યું હતું.

Comments

COMMENT / REPLY FROM