Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મગફળીનું વાવેતર કરનાર ધરતીપુત્રોની મુસીબત વધી

27 September

ખેડૂતોને ટેકો માત્ર કહેવા પુરતો...!


રાજય સરકાર કુલ્લ ઉત્પાદન પૈકી માત્ર ૧૯ ટકા મગફળીની કરશે ખરીદી : ખેડૂત દીઠ માત્ર ૭૦ મણની ટેકાના ભાવે ખરીદી : કચ્છમાં ૧.૩૦ લાખ હેકટરમાં મગફળીનુ વિક્રમી વાવેતર : ૧ર હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે કરાવ્યું છે રજીસ્ટ્રેશન

માર્કેટયાર્ડમાં હાલે મગફળીના ભાવ સરેરાશ ૧૧૦૦ રૂપિયાની આસપાસ સ્થિર : સરકાર રૂા. ૧૪પ૩ પ્રતિમણ ટેકાના ભાવે કરશે ખરીદી : સરકારે ખરીદીના જથ્થામાં કાપ મુકતા સંગ્રહ ન કરી શકતા નાના ખેડૂતોને ફટકો : કિસાનોને નાછૂટકે ઓપન માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચવાની પડશે ફરજ : સરકારના નિર્ણય સામે રાજયવ્યાપી વિરોધનો વંટોળ ઉઠવાની સંભાવના



ભુજ : કચ્છ સહિત રાજયભરમાં ચોમાસાની સીઝનમાં સોળ આની વરસાાદ થતા મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. કચ્છમાં ૧.૩૦ લાખ હેકટર વિસ્તારમાં જિલ્લાના ખેડૂતોએ મગફળીનો પાક લીધો છે. રાજયમાં અંદાજીત રર લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. રાજય સરકારે આ વર્ષે મગફળીનું ૬૬ લાખ ટન વિક્રમી ઉત્પાદન થાય તેવો અંદાજ જાહેર કર્યો છે. જયાં એક તરફ કચ્છમાં મગફળીનો સારો પાક આવે તેવી સંભાવના છે ત્યાં બીજીતરફ. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની મર્યાદામં ઘટાડો કર્યો છે જેથી ખેડૂતોમાં ભારે ઉચાટ ફેલાયો છે.
તાજેતરમાં કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે યોજેલી બેઠકમાં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે માત્ર ૧ર,૬ર,૧૬૩ ટન મગફળીની ખરીદી કરવા મંજુરી આપતા કચ્છફ સહિત રાજયના ખેડુતોને મગફળીમાં માત્ર કહેવા પુરતો જ ટેકો મળશે.
કચ્છ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાતા ૧૧ હજાર કરતા વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. ઓપન માર્કેટમાં મગફળીના સરેરાશ ભાવ રૂા. ૧૧૦૦ ચાલી રહ્યા છે. જયારે સરકારે રૂા. ૧૪પ૩ પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માર્કેટ યાર્ડમાં બોલાતા ભાવની સરખામણીએ રૂા.૩૦૦ જેટલા ઉંચા છે. 
સરકારે કુલ્લ ઉત્પાદનના રપ ટકા ધોરણને જાળવી રાખવાના બદલે માત્ર ૧૯ ટકા મગફળી ખરીદવાનો ઈરાદો જાહેર કર્યો છે, જેથી નાછુટકે ખેડૂતોને પોતાના ઉત્પાદનના વેચાણ માટે બજાર પર આધાર રાખવો પડશે. કચ્છના નાના ખેડૂતો કે જેઓ મગફળીનો સંગ્રહ કરી શકે તેટલી આર્થિમ ક્ષમતા ધરાવતા નથી તેમની હાલત કફોડી બનશે. આવા ખેડૂતોને નીચા ભાવે માર્કેટમાં પોતાના ઉત્પાદન વેચવાની ફરજ પડશે. ખેડુત દીઠ સરેરાશ માત્ર ૭૦ મણ જેટલી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. આ વર્ષે જિલ્લામાં મગફળીનું સારૂં ઉત્પાદન થયું હોવાથી સરકારના નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉઠશે તેવી સંભાવના છે.

 

Comments

COMMENT / REPLY FROM