જરૂના બ્રિજ પાસે ડમ્પરે બાઈકને ઉડાવતાં બે યુવાનના ચગડાઈ જવાથી મોત
મેઘપર કુંભારડીના રેલવે પુલિયા નજીક ડમ્પર ટ્રેઈલરમાં ઘુસી જતાં ચાલકનો જીવ ગયો
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. વધુ બે ઘટનામાં ૩ લોકોના મોત થયા છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સત્તાપર - સાપેડા બાયપાસ રોડ પર જરૂ ગામની સીમમાં રેલવે બ્રિજ પર બનાવ બન્યો હતો. ફરિયાદી યુપીના આશિષ ઉર્ફે ગોલુ અમરીશભાઈ રાજપૂતના જણાવ્યા પ્રમાણે તે અને તેના મિત્રો પપ્પુ અને શ્રીકાંત બાઈક લઈને ગાંધીધામથી માતાનામઢ આવવા માટે નિકળ્યા હતા. ફરિયાદી બાઈક ચલાવતા હતા, તેની પાછળ પપ્પુ બેઠો હતો. અને શ્રીકાંતની બાઈક પાછળ વિનોદ બેઠો હતો. જરૂના રેલવે બ્રિજ પર પહોંચ્યા ત્યારે પાછળથી એક ડમ્પરના ચાલકે પુરપાટ આવી બંને બાઈકને ટક્કર મારી હતી. કોઈએ ૧૦૮ને ફોન કર્યો, જેથી તમામને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી અને શ્રીકાંતને ઈજાઓ થઈ હતી. જયારે પપ્પુનું સારવાર દરમિયાન અને વિનોદનું ઘટના સ્થળે મોત થયું હતું, જેથી અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ તરફ ગાંધીધામથી મુંદરા જતા હાઈવે રોડ પર મેઘપર કુંભારડી રેલવે પાટા પુલિયા નજીક બીજો બનાવ બન્યો હતો. ફરિયાદી સાવનભાઈ કુંવરજીભાઈ વાઘમશીના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીના ડ્રાઈવર એમપીના અજયસિંહ ધનસિંહ કનેસ બાઈક નંબર જી.જે ૧ર બીવાય ર૪૪૮ લઈને જતા હતા, ત્યારે હાઈવે પર બંધ પડેલા ટ્રેઈલર નંબર જી.જે. ૧ર એ ડબલ્યુ ૧પ૩પમાં વાહન ભટકાવતા ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ
કરાયો છે.

Comments