ભુજ સહિત કચ્છભરમાં ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ધમધમ્યા
અનધિકૃત વેચાણ સામે તંત્રના આંખ મિચામણાં : અનેક ખાખીધારીઓ અને સરકારી બાબુઓએ પણ સ્ટોલ શરૂ કર્યાની ચર્ચા : મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં કોઈ અપ્રિય દુઘર્ટના બને તે પહેલા તંત્ર જાગશે ? જાગૃત નાગરિકોનો વેધક સવાલ
ભુજ : વર્ષના સૌથી મોટા એવા દિપોત્સવીના તહેવારને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. દિવાળીના તહેવારોની ઉજવણીમાં ફટાકડાનું સવિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને નાના બાળકો નવરાત્રીના તહેવારથી જ નાના ફટાકડાઓ ખરીદી આપવા વાલીઓ પાસે જીદ કરતા હોય છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીના પ્રારંભ સાથે જ ફટાકડાઓનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. સામાન્ય રીતે ફટાકડાના વેચાણ કરવા માટે વેપારીઓએ તંત્ર પાસેથી હંગામી લાયસન્સ મેળવવું પડતું હોય છે. આ ઉપરાંત સ્ટોલ પર ફાયર સેફટીના ઉપકરણો રાખવા અનિવાર્ય હોય છે પરંતુ કચ્છમાં ભુજ સહિત જિલ્લાભરમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લારી, કેબીન કે દુકાનોમાં પરવાનગી વગર જ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ થતું હોય છે. જિલ્લા મથક ભુજના છેવાડાના વિસ્તારો, જાહેર માર્ગો પર લારી ગલ્લા અને નાની દુકાનોનું ફટાકડાનું વેચાણ શરૂ થયું છે. ગામડાઓમાં પણ કરિયાણા, રમકડાની દુકાનો પર બનિ અધિકૃત ફટાકડાનું વેચાણ શરૂ થયું છે. પણ તંત્ર અંધારામાં હોય તેમ ગેરકાયદેસર વેચાણ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જાગૃત નાગરીકોના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોએ અમુક ખાખીધારીઓ કે સરકારી બાબુઓએ ફટાકડાના છુટક વેચાણમાં સારૂં વળતર મળતું હોવાથી અનેક લોકો આ સિઝની ધંધામાં ઝંપલાવતા હોય છે. જાહેર સ્થળો ગીચતાવાળા વિસ્તારોમાં ગેરકાયદેસર ધમધમતા ફટાકડાના હાટડાઓથી કોઈ જીવલેણ દુઘર્ટના સર્જાય તે પહેલા તંત્ર આવવા અનધિકૃત વેચાણ સ્થળો પર કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે તેવું જાગૃત નાગરીકો વધુમાં જણાવી રહ્યા છે.
......................
અંજારમાં અનધિકૃત ફટાકડા વેચાણ સામે વેપારીઓનો વિરોધ
અંજાર : શહેર તથા તાલુકાના ફટાકડાના વ્યાવસાયિકોએ શહેરમાં ચાલી રહેલા અનધિકૃત ફટાકડા વેચાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અંજારના લાયસન્સ ધારક વેપારીઓએ એસ.ડી.એમ., તાલુકા વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ તથા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી કે શહેરમાં ગેરકાયદેસર સ્થળોએ ફટાકડાની દુકાનો ચાલી રહી છે. આ સ્થળો નગરપાલિકાના ફટાકડા વેચાણના મંજૂર ક્ષેત્રમાં આવતા નથી અને સુરક્ષાના નિયમોનો ભંગ કરે છે. વેપારીઓએ જણાવ્યું કે આ પ્રકારના અનધિકૃત વેપારથી આગ તથા અકસ્માતોનો ગંભીર ખતરો ઉભો થાય છે. ઉપરાંત, લાયસન્સ ધરાવતા વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. રજુઆતમાં જણાવાયું છે કે આ પ્રવૃત્તિઓ વહીવટી આદેશો અને નિયમોની સ્પષ્ટ અવગણના છે. વેપારીઓએ માંગ કરી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી આવા અનધિકૃત વેપાર બંધ કરાવે અને માત્ર લાયસન્સ ધરાવતા ફટાકડા વેચાણકારોને જ કાર્ય કરવાની મંજૂરી આપે. આ રજૂઆતમાં અંજાર શહેરના લાયસન્સ ધારક ફટાકડાના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Comments