ચોપડવા પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત
ટ્રેઈલરે રીક્ષાને ટક્કર મારતા છાડવારાના માતા-પુત્ર ભોગ બન્યાઃ અકસ્માતથી પંથકમાં ફેલાઈ અરેરાટી
ભચાઉ : વાગડ વિસ્તારમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. જેમાં ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉ-ગાંધીધામ હાઈવે પર રાત્રિના આ બનાવ બન્યો હતો. ટ્રેઈલરે રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં સવાર બે લોકોના ગંભીર ઈજાઓના કારણે મોત થયા હતા. બનાવને પગલે પોલીસ સ્થળ પર પહોંચી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવમાં છાડવારા ગામના પપ વર્ષિય મંગુબેન રણછોડભાઈ કોલી અને ૩૬ વર્ષિય બાબુભાઈ રણછોડભાઈ કોલીના મોત થયા હતા. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ છકડો રિક્ષા નંબર જીજે ૧ર ડીયુ ૪૭૧૭માં હતભાગી જતા હતા. ટ્રેઈલર નંબર જીજે ૩૯ ટીએ ૧૧૯૮ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી છકડાને ટક્કર મારતા છકડો પલ્ટી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. છકડામાં રહેલો સામાન પણ રોડ પર ફંગોળાયો હતો. હાઈવે પેટ્રોલીંગની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી. અત્રે મહત્ત્વનું છે કે, ભચાઉ - ગાંધીધામ અને ભચાઉ - સામખિયાળી હાઈવે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયા છે. દરરોજ બનતા બનાવોથી અરેરાટી ફેલાઈ છે. માર્ગ સલામતી માટે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Comments