એક રાત્રિ તો પધારો સરહદી બન્ની પચ્છમની નવરાત્રિમાં
વાઢા, કોલી અને મારવાડા સહિતની સાવ નાનકડી વસ્તીનાં ગામોની નવરાત્રિમાં ઝાકઝમાળ નહીં દેખાય પણ શ્રદ્ધા ઠાંસી ઠાંસીને ભરી છે
ભુજ : ભારત પાકિસ્તાન સરહદના સીમાડાના ગામડાઓ જ્યાં છુટાછવાયા હિંદુ પરિવારો વસવાટ કરે છે. વ્યવસાયના નામે કાળી મજૂરી સાથેની સિમિત રોજગારી, નગણ્ય સુવિધાઓ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ સ્થાનિક લોકોમાં સનાતન સંસ્કાર સાથે ધાર્મિક શ્રદ્ધા જળવાઈ રહે તે હેતુથી સેવા સાધના-કચ્છ અને સીમા જાગરણ મંચના માધ્યમથી થતા અવિરત પ્રયાસો સફળ થઈ રહ્યા છે.
એક સમયે જ્યારે ખાવડા જેવાં ગામની આજુબાજુ માત્ર પાંચ-સાત નવરાત્રીઓ ઉજવાતી ત્યાં આજે તેત્રીસ જેટલી જગ્યાએ આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી ઉજવાય છે. પેટીયું રડવામાં વ્યસ્ત અહીના અમુક સ્થાનિક સમાજને તો ખબર પણ નથી હોતી કે કયો હિંદુ તહેવાર આવ્યો અને ગયો. એવા સમયે ભુજથી સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા તહેવાર આવી રહ્યાની આગોતરી જાણ થતાં જ આ લોકો આનંદમાં આવીને મંદિર અને ચોક સફાઈ સાથે પોતાનાથી થતી યથાસંભવ વસ્તુઓ એકઠી કરવા લાગી જાય. ખુટતી સામગ્રીઓમાં માતાજીની છબી, ગરબા, તેલ, દિવેટ, પૂજા સામગ્રી, પ્રસાદ જેવી વસ્તુઓ કાર્યકર્તાઓ પહોંચાડે. આવશ્યકતા પ્રમાણે ઢોલ, મંજીરા, તંબુરો અને ખંજરી જેવાં સાધનોની પણ ખરીદી થાય. અને વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી અત્યાર સુધી અલગ અલગ વિસ્તારોમાં દસ સાઉન્ડ સિસ્ટમ પણ પહોંચાડવામાં આવી છે.
અત્યારે હાજીપીર, લુણા, ભીટારા, ચામુંડાવાસ, ગોરેવલી, પન્નાવારી, માધવનગર, દદ્ધર, સાધારા, વાઢાવાસ, મીસરીયાડો અને ભીરંડીયારા સહિતના ગામોમાં આ સહયોગ કરાય છે. એક સમયે સાવ નિરૂત્સાહી બની ગયેલાં આ લોકોને રાષ્ટ્રને સમર્પિત સંસ્થાઓના માધ્યમે સંપન્ન હિદુ સમાજનો સહયોગ મળતાં હવે ઉત્સાહ વધે છે. તેમ ધંધાર્થે બહાર ગયેલા યુવાનો નવરાત્રિ સમયે ઘરે આવી જાય છે અને વેશભૂષા સાથે પરંપરાગત પાત્રોના નાટકો પણ ભજવતા થયા છે. પચ્છમના કુરન, ધ્રોબાણા, ખાવડા, ખારી, જામકુનરીયા, ભીરંડીયારા જેવાં સ્થાનો ઉપરાંત બન્ની થી છેક હાજીપીર સુધીના વિસ્તારના ગામોથી આ શ્રધ્ધાળુઓ હવે માતાના મઢની પદયાત્રા પણ કરે છે. અને નિરોણાના ગ્રામજનો દ્વારા તેમનાં માટે ભોજન અને આરામ સહિતની વ્યવસ્થા કરાય છે.
નવરાત્રિની પુર્ણાહુતી સાથે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન થાય અને કાર્યકર્તાઓ તેનો હેતુ પણ સમજાવે. વર્ષોથી એકદમ સાતત્ય સાથે નિયમિત પ્રવાસ કરતા સંસ્થાના કાર્યકર્તાઓના સંનિષ્ઠ પ્રયાસોથી સાધુ સંતો, હિંદુ સમાજની વિવિધ જ્ઞાતિના આગેવોનો, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા મંડળો વગેરેને સરહદી નવરાત્રિના દર્શન કરાવવા લઈ જવાય છે. અને આ વર્ગના સ્ત્રી પૂરૂષો જ્યારે દુરદુરથી રાત્રીનો અંધકાર ચીરી પોતાના આંગણે નવરાત્રિ ઊજવવા અને સામાજિક સમરસતાના ભાવથી પોતાની સાથે ગરબે રમવા આવે ત્યારે જાણે દશે દિશાઓથી પ્રકાશ પથરાઈ જવા સાથે આ સમાજનો જુસ્સો અને ભાવ બમણો થઈ જાય છે એવું બંને સંસ્થાના મુખ્ય કાર્યકતા માવજીભાઈ સોરઠિયા અને હિમતસિંહ વસણની યાદી જણાવે છે.
-------

Comments