કચ્છમાં મતદાર યાદી સુધારણાની તૈયારી શરૂ કરાઇ
બિહારમાંં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝનની ચર્ચાઓ વચ્ચે..
ગત લોકસભાની જિલ્લાની છ વિધાનસભામાં નોંધાયેલા ૧૬.પર લાખ મતદારોની ૧૮૪૮ બીએલઓ મતદારોની ખરાઇ કરશે : આ વખતે મતદારોની ખરાઈ સાથે વધારો નોંધાશે : ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કર્યા બાદ કામગીરી ચાલું કરાશે
કચ્છમાં એસઆઈઆરની પ્રક્રિયાથી કેટલાક રાજકારણીઓની ઉંઘ હરામ : કોંગ્રેસના બોગસ મતદારોના ઘટસ્ફોટ પછી આ વખતે મતદાર યાદી સુધારણા અંતર્ગત જિલ્લામાં મતદારો વધે છે કે ઘટે છે તે જોવું રહ્યું...!
ભુજ : બિહારમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની તાજેતરની ચાલી રહેલી મતદાર યાદીનોે જોરશોરથી વિરોધ નોંધાઈ રહ્યો છે. તે સાથે ચૂંટણી પંચે હાલમાં જ ચૂંટણી ઉમેદવારનો ફોટો ઈવીએમમાં દેખાય તેવી તજવીજ હાથ ધરી છે. તે વચ્ચે ગુજરાત સહિત દેશમાં આગામી સમયમાં મતદાર યાદી સુધારણાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. જોવાનું એ છે કે, હાલમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીનો ટુંકો સમય બાકી છે. તે વચ્ચે કચ્છ સહિત રાજયમાં ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (એસઆઈઆર) ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો બીજીતરફ તાજેતરમાં જ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં એક લાખથી વધુ બોગસ મતદારો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે આગામી સમયમાં મતદાર યાદી સુધારણાનો ધમધમાટ નજરે પડે તો નવાઈ પામવા જેવું નહીં કહેવાય. કચ્છમાં ગત લોકસભાની સાત વિધાનસભામાં ૧૯,૪૩,૧૩૬ મતદારો નોધાયેલા હતા. જેમાં કચ્છની છ વિધાનસભામાં ૧૬,પર,૩૪૯ મતદારો ચોપડે બોલતા હતા. જેથી હવે આગામી સમયમાં આ મતદારોની ૧૮૪૮ બીએલઓ દ્વારા ખરાઈની કામગીરી હાથ ધરાશે. આ વખતે મતદારોનો વધારો નોંધાશે જેનાથી બીએલઓની સંખ્યામાં પણ ૧પ૦ જેટલો વધારો નોંધાઈ શકે છે. સમગ્ર દેશમાં હાલ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન-એસઆઈઆર સૌથી વધુ ચર્ચામાં છે અને આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રક્રિયા હાથ ધરવાના ચૂંટણી પંચના નિર્ણયના પગલે કચ્છ સહિત રાજયમાં પણ મતદાર યાદી સુધારણા- એસઆઈઆરની કામગીરી માટે તંત્ર દ્વારા કવાયત
શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ ચૂંટણી પંચ દ્વારા આ માટેનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી જેથી તંત્રએ સત્તાવાર કામગીરી શરૂ કરી નથી પરંતુ બીએલઓનો સંપર્ક કરીને તેમને પ્રાથમિક તૈયાર કરવાની તેમજ સમજ આપવાની હિલચાલ શરૂ થઇ ગઇ છે. કચ્છ જિલ્લામાં હાલની સ્થિતિએ ૧૬.પર લાખ જેટલા મતદારો નોંધાયેલા છે ત્યારે ૧૮૪૮ જેટલા બીએલઓ ઘરે ઘરે જઇને મતદાર યાદીની ચકાસણી કરશે અને મતદારોની ખરાઇ પણ કરશે.
કચ્છ જિલ્લાની ગત લોકસભાની છ વિધાનસભા વિસ્તાર પ્રમાણે મતદારોની ખરાઇની કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ છએ છ વિધાનસભામાં ૧૮૪૮ જેટલા બુથ છે. વિધાનસભા બેઠક વાઈઝ મતદારોની વાત કરીએ તો અબડાસામાં ર,પ૬,૮પ૬, માંડવીમાં ર,૬૦,૬૬૧, ભુજમાં ર,૯૭,૦૬૮, અંજારમાં ર,૭પ,૦પ૦, ગાંધીધામમાં ૩,૧ર,ર૯૭ અને રાપરમાં ર,પ૦,૪૧૭ મતદારો નોંધાયેલા છે. જેમાં થોડો વધારો પણ સંભવ છે જેથી બુથ વાઇઝ મતદારોની ખરાઇ માટે બીએલઓની નિમણૂંક કરવામાં આવશે. હાલ રીટર્નીંગ ઓફિસરો દ્વારા બીએલઓનો સંપર્ક કરીને તેમને એસઆઈઆરની કામગીરી માટે પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
એક બે દિવસમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવનાર છે. જોકે, એસઆઈઆરની કામગીરી દિવાળી બાદ થાય તેવી શક્યતા વધારે છે પરંતુ કાર્યક્રમ વહેલો જાહેર કરવામાં આવશે અને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ બીએલઓને તાલિમ પણ આપવામાં આવશે. ૨૦૦૨ની મતદાર યાદીને આધાર સૂત્રોએ કહ્યું કે ચૂંટણી પંચની બિહાર માટેની જે ગાઇડલાઇન છે તે મુજબ જ જો આ કામગીરી થશે તો વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીને આધાર તરીકે લેવામાં આવશે એટલે કે જે મતદારોનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં હશે તેમને નાગરિક તરીકેના પુરાવા આપવા નહીં પડે. પરંતુ જો તેમાં નામ નહીં મળે તો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા ૧૧ પૈકી કોઇપણ એક ઓળખનો પુરાવો આપવો પડશે. સંસ્થાઓની મદદ પણ લેવી પડશે મતદારોની ખરાઇની કામગીરી વ્યાપક ઉપરાંત મતદારોને સમજાવવાની જરૂર પડે તેવી છે. જેથી આ કામગીરીમાં સ્વૈચ્છિક- સામાજિક સંસ્થાઓની મદદ લેવી પડે તેવી પણ સ્થિતિ છે. બિહારમાં રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે, ગુજરાતમાં કઇ રીતે કામગીરી કરવાની છે તે બાબત ચૂંટણી પંચની ગાઇડલાઇન આવે પછી ખ્યાલ આવશે.

Comments