કચ્છનું ધોરડો બન્યું સોલાર વિલેજ : વડાપ્રધાનના વરદહસ્તે ઈ-લોકાર્પણ સંપન્ન
૧૦૦ ટકા સોલારની કામગીરી પૂર્ણ થતાં કચ્છનું ધોરડો બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ : ધોરડો ગામના ૮૦થી વધુ રહેણાકમાં કુલ ૧૭૭ કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાયા : સોલારથી દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ.૧૬ હજારથી વધુનો આર્થિક લાભ થવાનો અંદાજ : સરપંચ મિયાં હુસેન સહિત ગ્રામજનોએ ખુશીની લાગણી સાથે વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
ભુજ : યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦૦% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. ધોરડો ગામ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને સર્વ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દીઘર્દ્રષ્ટિથી ધોરડોનું સફેદ રણ વિશ્વ વિખ્યાત બન્યું છે. પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે પણ વિકાસ થઈ શકે એના ઉદાહરણ ખાવડાનો રિન્યૂએબલ એનર્જી પાર્ક અને ધોરડો ગામનું ૧૦૦ ટકા સોલરાઈઝેશન છે. પર્યટનના વિકાસથી ધોરડો સહિત બન્ની વિસ્તારના ગામોમાં આવેલા આર્થિક પરિવર્તન વિશે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આજે અહીંના ગામડાઓના ટૂરિઝમ સર્વિસ સેક્ટરથી માતબર રોજગારી મળી રહ્યી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ કચ્છ જિલ્લાના તમામ નાગરિકો લેવો જોઈએ તેમ ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગામડાઓ આત્મનિર્ભર બને તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન રહ્યું છે. ૧૦૦ ટકા સોલરાઈઝેશનથી ધોરડો ગામ આત્મનિર્ભર બનશે અને ટકાઉ વિકાસમાં સહભાગી બનશે. દરેક નાગરિકે કચ્છના વિકાસમાં ભાગીદાર બનવા અને તમામ જરૂરી સહયોગ આપવા ધારાસભ્યો અપીલ કરી હતી. ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, ધોરડો છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી નોંધપાત્ર વિકાસ થયો છે. ધોરડો ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઇ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના ૧૦૦% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના ૮૧ રહેણાંક ઘર માટે ૧૭૭ કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટથી ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ. ૧૬,૦૬૪ નો આર્થિક લાભ થવાનો અંદાજ છે અને વાર્ષિક ૨ લાખ ૯૫ હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ રૂ.૧૩ લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે. ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય ફકીરમામદ, ધોરડો સરપંચ મિયાં હુશેન, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પોલીસ અધિક્ષક અંશુલ જૈન, પીજીવીસીએલ ભુજના અધિક્ષક ઈજનેર તપન વોરા, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસના અધિક્ષક ઈજનેર કિરણ પટેલ, કાર્યપાલક ઈજનેર જે.એમ.કાવડિયા, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.આર.પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા, એગ્રોસેલ કંપનીના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર ચેતનભાઈ શ્રૌફ, ડીરેક્ટર રાજેશભાઈ શાહ સહિત
પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments