Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પટ્ટામાં બોગસ દસ્તાવેજોથી જમીન કૌભાંડોનો સિલસિલો : સબરજિસ્ટ્રાર કચેરી-મહેસુલતંત્ર કેમ કોમામાં?

20 September

જિલ્લાભરમાં સૌથી વધુ આવા ઘોટાળા અહી જ કેમ?




ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં પાછલા ટુંકા ગાળામાં બોગસ દસ્તાવેજો-ડમી વારસદારો ઉભા કરી અને કરોડોની જમીનો ચાંઉ કરવાના કાવતરાઓની નોધાઈ ચુકી છે ફરીયાદ 

મામલતદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, મહેસુલી વિભાગ-ઈ-ધરા શાખાના અમુક તત્વો-કમર્ચારીઓની સામે ઉઠયા આક્ષેપો : ઉચ્ચસ્તરેથી તપાસની કરાઈ માંગ : પૈસા ફેંક તમાશા દેખની જ રીતી નીતીઓ અપનાવાતી હોવાની પણ ફેલાતી ગંધ

કલ્યાણપર અને છાડવારામાં થયેલા ડમી દસ્તાવેજોના કિસ્સાઓ ધ્યાને આવેલા છે, બાકીના અમારા ધ્યાને આવેલા નથી, અમે તમામ પ્રકારની ચોકકસાઈથી જ કામ કરીએ છીએ, પારદર્શિતા સાથે દસ્તાવેજાનુ કામ થાય છે, બાકીના આક્ષેપો પાયાવિહોણા છે : શ્રી પ્રજાપતિ (સબ રજિસ્ટ્રારશ્રી ભચાઉ)

સબ રજિસ્ટ્રાર કક્ષાએથી જ વેરીફીકેશનની કાર્યવાહી થાય છે, 
મામલતદાર કક્ષાએથી તો હવે નોંધ જ પાડવાની રહે છે, બાકીની ઈ ધરામાં અગાઉ કરવામાં આવતી વેરફીકેશનની કાર્યવાહી સરકારશ્રીના પરિપત્રથી બંધ જ કરવામાં આવેલ છે : શ્રી રાજપુત (મામલતદારશ્રી ભચાઉ)



ગાંધીધામ : ભચાઉ તાલુકામાં જમીનોના બોગસ દસ્તાવેજો તૈયાર કરી ગેરકાયદેસર હેરફેર અને લે-વેચના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. છાડવાળા, લાકડીયા, આધોઈ, ચોબારી, કડોલ અને કલ્યાણપર સહિતના ગામોમાં છેલ્લા ટૂંકા સમયમાં અનેક વિવાદાસ્પદ ટ્રાંઝેક્શન નોંધાયા હોવાનુ ચર્ચાય છે. સ્થાનિક સ્તરે લોકોમાં એવો આક્ષેપ છે કે મામલતદાર કચેરી અને મહેસૂલી તંત્રના અમુક કટકી ખાવ કર્મચારીઓની સીધી ભૂમિકા હોવાને કારણે આવા કૌભાંડો બનતા હોય છે. જાણકારોના જણાવ્યા અનુસાર, સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ “ગાંધી છાપ નોટ”ના દર્શન બાદ જ કામો સરળતાથી થઈ જાય છે એવી ચર્ચા ચાલી 
રહી છે.ચોંકાવનારી બાબત એ છે કે સામાન્ય નાગરિકોના આધાર કાર્ડની તો ૧૭ વખત ચકાસણી કરીને તેમને હેરાન કરવામાં આવે છે, 
પરંતુ કરોડોની જમીનોના દસ્તાવેજોની યોગ્ય ચકાસણીમાં ઉદાસીનતા દાખવવામાં આવતા હોય તેમ બોગસ દસ્તાવેજોના આધારે ડમી વારસદારો ઉભા થઈ જાય છે અને કરોડોની જમીનોના પરબારા જ વેપલા થઈ જવા પામી રહ્યા હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે.જમીન કો ભાંડાના આ વધતા કિસ્સાઓને લઈને સ્થાનિકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે કે તંત્રના ઉચ્ચ સ્તર સુધી આ કૌભાંડના તાણાં-બાણાં પહોંચેલા હોઈ શકે છે. લોકોમાં માગ ઉઠી રહી છે કે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ ટીમ ત્રાટકી અને આ ગેરરીતિઓનો પર્દાફાશ કરે, જેથી ભચાઉ તાલુકાની પ્રતિષ્ઠા પર વધુ કાળો ડાઘ ન પડે.
આ બાબતે ભચાઉ સબ રજિસટ્રાર કચેરીનાશ્રી પ્રજાપતિની સાથે ટેલીફોનિક વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, છાડવારા અને તે બાદ કલ્યાણપરમાં થયેલા બોગસ દસ્તાવેજોના કિસ્સાઓ ફરીયાદ થતા ધ્યાને આવેલા છે, આ ઉપરાંત અમારી કક્ષાએ અન્ય કોઈ કિસ્સાઓ ધ્યાને આવવા પામ્યા નથી, આધારકાર્ડ, પાન કાર્ડ, વીડીયો રેકોર્ડીંગ, સહીઓ, સાક્ષીઓની કબુલાત બધી જ ચકાસણીઓ અમારા તબક્કેથી કરવામા આવી જ રહી છે, ઉપરાંત પણ હવે ચોકકસાઈ વધારી દેવામા આવી છે, અને વધારે જ સજજતા સાથે વેરીફીકેશનની કામગીરી હાથ ધરવમા આવી રહી છે આ ઉપરાંતના તમામ આક્ષેપો ખોટા અને પાયાવીહોણા હોવાનુ શ્રી પ્રજાપતિએ જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ ભચાઉ મામલતદારશ્રી રાજપુતની જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, સબ રજિસ્ટ્રાર કક્ષાએ જ બધી વેરીફીકેશન સહિતની કામગીરીઓ હાથ ધરવામા આવતી હોય છે, મામલતદાર કચેરીએ તો નોંધ જ પાડવાનુ હોય છે, અગાઉ જે વેરીફીકેશન સહિતની કાર્યવાહી થતી હતી તે સરકારશ્રીના પરીપત્રના આધારે જ હવે બંધ થયેલ છે એટલે સબ રજિસટ્રારશ્રીની કચેરીથી જ તમામ વેરીફીકેશનની કાર્યવાહી કરવામા આવતી હોવાનુ  તેઓએ જણાવ્યુ હતુ.
બીજીતરફ આ બાબતો અંગે ભચાઉના પ્રાંત અધીકારી શ્રીમતી ગોહીલની સાથે તથા ડીવાયએસપીની સાથે વાતચીત કરવાનો પ્રયાસ તેઓના ફોનની ઘંટડીઓ રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો.
..................


દસ્તાવેજોના જમીન કૌભાંડોની સામે આ રહ્યા ઉઠતા અંગુલીનિર્દેશો..!

• મામલતદાર કચેરી અને મહેસૂલી તંત્રના અમુક કર્મચારીઓ ઉપર આક્ષેપ, ઊંચા સ્તરે તપાસની માગ • ભચાઉ તાલુકાના ગામો છાડવાળા, લાકડીયા, આધોઈ, ચોબારી, કડોલ અને કલ્યાણપર સહિત અનેક ગામોમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન હેરફેરના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાની ચર્ચા • તંત્રના કેટલાક કટકી ખાવ કર્મચારીઓ સીધો ફાયદો ઉઠાવતા હોવાની ચર્ચા.• સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગાંધી છાપ નોટ બતાવ્યા બાદ જ કામો સરળતાથી થવાની હકીકતો સામે. • સામાન્ય નાગરિકોના આધાર કાર્ડની વારંવાર ચકાસણી, પરંતુ કરોડોની જમીનના દસ્તાવેજોની તપાસમાં ઉદાસીનતા કેમ? • ભચાઉ મામલતદાર કચેરી “તમાશા દેખનાજ તાલ” પર ચાલી રહી હોવાની લોકચર્ચા- ઉચ્ચ સ્તરે તપાસ ટુકડી ત્રાટકવાની લોકોમાં તાત્કાલિક માગ.

.........

Comments

COMMENT / REPLY FROM