કુકમા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ
પાકા દબાણ તોડી પાડવામાં આવશે કે પછી નાના ધંધાર્થીઓને હટાવી સંતોષ માનવામાં આવશે તેવો ગ્રામજનોમાં કચવાટ
ભુજ : તાલુકાના કુકમા ગામે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં પધ્ધર પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ભુજ તાલુકાના કુકમા ગામે લાંબા સમય બાદ આજે દબાણ હટાવ ઝુંબેશ ચલાવીને નાના ધંધાર્થીઓના દબાણ દુર કર્યા હતા. જયારે મોટા માથાઓના દબાણોને દૂર ન કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવવાની ઝુંબેશની વાત કરવામાં આવે તો મોટા દબાણને નજર અંદાજ કરી કુકમા ગામે માત્ર કાચા અને નાના દબાણ હટાવવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મોટા માથાઓ દ્વારા મસમોટા પાકા દબાણો થઈ ગયા છે પરંતુ તંત્રની મીઠી નજર હોય તેમ આ દબાણોને દુર કરવામાં લાજ શરમ આવતી હોય છે. અથવા તો કોર્ટમાં જઈને સ્ટે ઓર્ડર લાવવામાં આવતો હોય છે, જેના કારણે દબાણ તોડી શકાતું નથી. જયારે માત્રને માત્ર નાના રેકડી ધારક તેમજ કેબિન ધારકના દબાણ દૂર કરી તંત્રે સંતોષ માની લે છે ત્યારે તંત્ર સામે સવાલો ઉભા થતા હોય છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, કુકમા ગામે શરૂ કરાયેલ દબાણ હટાવવાની કામગીરી પાકા દબાણો કરનારા સામે કામગીરી કરે છે કે પછી લાજનો ઘુઘટો તાણે છે તે તો આવનાર સમય જ બતાવશે.

Comments