Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની લાખો એકર ગૌચર પર ભૂમાફિયાઓની પેશકદમી

18 September

ગૌમાતાને ન મળે સુકું તણખલું ને લીલાછમ ગૌચર ‘આખલા’ ચરી જાય છે



કચ્છમાં કેટલાક ગામોમાં ગૌચર નીમ નથી કરાતી અને ગૌચર જમીન ઉપર ફેન્સીગ લગાવવામાં આવે તો દબાણ કંઈક અંશે અટકે


ભુજ : કચ્છ જિલ્લામાં અંદાજીત પાંચ લાખ એકર જેટલી ગૌચર માટે નીમ કરાયેલી જમીન ભુમાફિયાઓ ચરી ગયા છે. છેલ્લા અઢી દાયકામાં કચ્છ જિલ્લામાં થયેલા વિકાસના પગલે જિલ્લાની જમીનોના ભાવ આસમાને પહોચ્યા છે. દેશના સૌથી વિશાળ જિલ્લામાં આવેલ સરકારી પડતર જમીન અને ગૌચર માટે અનામત રાખવામાં આવેલી જમીન ભુમાફિયાઓએ દબાવી લીધાની ફરિયાદ સમયાંતરે ઉઠતી રહે છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના મોટા ભાગના ગામોમાં ગૌચર જમની પર દબાણો થઈ ગયા છે. અમુક ગામડાઓમાં તો સમ ખાવા પુરતી ગૌચર જમીન બચી નથી. બીજીતરફ કચ્છમાંં કેટલાક ગામડાઓ એવા પણ છે જેમાં ગૌચરની એક ઈંચ જમીન પર પેશકદમી થવા દેવામાં આવી નથી. ભૂતકાળમાં અંજાર તાલુકાના ભીમાસર ગામમાં પંચાયતે લાખોનો ખર્ચ કરી ૩૦૦ એકર ગૌચર જમીનને આરસીસીના પીલર બાંધી સુરક્ષિત કરી હતી. જાગૃત નાગરીકોના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં જુદા જુદા પ્રકારે ગૌચર જમીનમાં પેશકદમી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળોએ ગૌચર જમીન આસપાસના ખેડૂતોએ ખેડ કરીને ગૌચર હડપ કરી લીધી છે. કયાંક રહેણાંક માટેના મકાનો બનાવી કમ્પાઉન્ડ વાળી લેવાયા છે. કોઈ સ્થળે ઢોર બાંધવાના વાડા બનાવી દેવાયા છે. તો કેટલીક જમીન આસપાસના ઉદ્યોગોએ પચાવી લીધી છે. કચ્છમાં પશુધનની સંખ્યાના આધારે જેટલી ગૌચર જમીન હોવી જોઈએ તેટલી ઉપલબ્ધ નથી અને જે જમીન ગૌચર થઈ છે તેના પર મોટા પ્રમાણમાં દબાણ થયા છે. જાણકારોના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં અંદાજીત ત્રણ લાખથી વધુ એકર ગૌચર જમીનમાં દબાણો થયા છે. આ દબાણના કારણે કચ્છમાં માંડ એકાદ લાખ એકર ગૌચર બચ્યું છે.



................
જાગૃત નાગરિકની અરજીનો નિકાલ કરવાના બદલે પ્રાંત અધિકારીએ શા માટે કરી રદ્‌ ?

ગૌચર વિકાસ સમિતિના અધ્યક્ષ હોવાના નાતે અપીલ ગુણદોષ પર મેરીટ નજરે ન્યાયિક નિકાલ શા માટે ન કર્યો ? : જિલ્લા વહીવટી તંત્ર લે પુછાણુું



અંજાર : અંજારની ગૌચર નીમ જમીન ઉપર અન્ય સર્વે નંબર બેસાડવાનો કારસો રચી અને ગૌચર જમીનમં ખાનગી માલિકોના નામ દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાને આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે જાગૃત નાગરીક તરીકે ગૌચર બચાવી લેવા પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. આ નીમ થયેલ ગૌચર જમીનની જાળવણી અને વિકાસ કરવાની જવાબદારી પ્રાંત અધિકારીની હોવા છતાં આ ગૌચર જમીન પર ખાનગી માલિકોએ અન્ય જમીન બેસાડવાની કોશિષ કરતા જમીન રક્ષણ માટે એક જાગૃત નાગરીક તરીકે શ્રી હુંબલે વ્હિસલ બ્લોઅર તરીકે અપીલ કરી ત્યારે તેનો ન્યાયીક નિકાલ કરવાના બદલે પ્રાંત અધિકારીએ તેમને ત્રાહિત પક્ષકાર ગણાવી અરજી રદ્‌ કરી હતી. પ્રાંત અધિકારીએ પોતાની જવાબદારી નિભાવવાના બદલે અરજી રદ્‌ કરી દેતા ન્યાય માટે જિલ્લા વહીવટી તંત્રનું શરણ લેવું પડયું હતું. અંજાર પ્રાંત અધિકારીએ કયા ધોરણસર અરજી રદ્‌ કરી તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તેમનુૃં પુછાણું લે તેવું જાગૃત નાગરીક વિ.કે.હુબલ જણાવે છે.


.................


ગૌચરની જાળવણી અને નિભાવવાની જવાબદારી તંત્ર વિસરી ગયું


અંજાર : કોઈપણ જમીન ગૌચર તરીકે નીમ થયા બાદ ગૌચરની જાળવણી અને નિભાવવાની તમામ જવાબદારી મુખ્યત્વે સબંધીત પંચાયત તથા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ ગૌચર વિકાસ સમિતિની રહે છે. મહેસુલ વિભાગ પરીપત્ર અનુસાર તાલુકા ગૌચર વિકાસ સમિતિના અધ્યક્ષ ખુદ પ્રાંત અધિકારી હોય છે. સભ્ય તરીકે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, મદદનીશ ખેતી નિયામક વગેરે હોય છે. તેમ છતાં જવાબદાર તંત્ર વાહનો પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા ન હોવાથી ગૌચર જમીન ભૂમાફિયાઓ ચરી જાય છે.


............

અંજારની રપ૦૦ એકરથી વધુ ગૌચર પર હજુય દબાણ


અંજાર : અંજારની વાદગ્રસ્ત જમીન માટે જાગૃત નાગરીક તરીકે લડત આપનાર વી.કે. હુંબલે જણાવ્યું હતું કે અંજાર પંથકમાં હજુય રપ૦૦ એકરથી વધુ ગૌચર જમીન દબાણકારોના ભરડામાં છે. આ તમામ ગૌચર પરથી દબાણો દુર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં તમામ પુરાવાઓ સાથે તંત્રને અરજી કરી દબાણો દુર કરાવવા લડત ચલાવવામાં આવશે. અંજાર ઉપરાંત કચ્છભરમાં થયેલ ગૌચર પરના દબાણો દુર કરવા તંત્રને ઢંઢોળવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.


...........

અંજારની વાદગ્રસ્ત ગૌચરમાં મેઘપર કુંભારડીની જમીન બેસાડી દેવાઈ


અંજાર : અંજારમાં ગૌચર નીમ થયેલ રે.સર્વે નં. ૧૦૦૪ વાળી ર૬ એકર જમીનમાં જિલ્લા કલેકટર દ્વારા યથાવત પરિસ્થિતિ જાળવવાનો હુકમ થયો છે. આ જમીન માટે જાગૃત નાગરીક તરીકે લડત ચલાવનાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૭૧ માં ગૌચર નીમ થયેલ ર૬ એકર જમીન રે.સ.નં. ૧૦૦૪ વાળીમાં મેઘપર કુંભારડીની સર્વે નં. ૧૬૦ની કેટલીક જમીન ભેળવી દેવામાં આવી છે. અંદાજીત ર૦૦ કરોડની કિંમતની ગૌચર જમીન બચાવી લેવા તેમણે લડત ચલાવી હતી.


...............





 

Comments

COMMENT / REPLY FROM