Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ એલસીબીનો સપાટો : ત્રગડીના લીસ્ટેડ  બુટલેગર યુવરાજના દારૂ પર પોલીસની ફરી તવાઈ

16 September

યુવરાજનો દારૂ ફરી ઝડપાયો...






પશ્ચિમ કચ્છ એલસીબીએ ધ્રબ સીમમાંથી ૧,ર૯,૧૦,૮૦૦ ના દારૂ-બિયરના મુદ્દામાલ સાથે પકડાયો



શ્રીરામ યાર્ડમાંથી કન્ટેનરમાંથી દારૂ નીચે ઉતારતો હતો અને એલસીબી ટુકડી પહોંચી  : આરોપીઓએ પોલીસને ફરી આપી હાથતાડી





ભુજ : ત્રગડીના યુવરાજસિંહનો દારૂ પકડાયો તેની શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક કરોડથી વધુનો દારૂ સાથે મુદ્દામાલને પશ્ચિમ કચ્છ એલસીબીએ મુન્દ્રા તાલુકાના ધ્રબ સીમ આવેલા શ્રીરામ યાર્ડમાંથી ઝડપી પાડ્યો છે. એલસીબીએ ઝડપેલા અંગ્રેજી દારૂનો ૧.ર૯ કરોડના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો છે. આ વખતે ફરી આરોપીઓ પોલીસના હાથે આવ્યા ન હતા. 
બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ પોલીસ વિકાસ સુંડાએ વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ધોંસ બોલાવવા ખાસ આદેશ આપ્યા છે. જે સંદર્ભે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીએ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પર વોચ ગોઠવવામાં આવી હતી. ઈન્ચાર્જ પીઆઈની મળેલી સૂચના મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.બી. યાદવ, એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિરૂદ્ધસિંહ રાઠોડ, નિલેશ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ રાવલ, મયૂરધ્વજસિંહ જાડેજા, મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ સહિતની ટીમ મુન્દ્રા નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે, ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા અબડાસા તાલુકા ખાનાયના જીતુભા મંગલસિંહ સોઢા અને તેના સાગરિતો જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ (નવાવાસ, ગળપાદર, તા.ગાંધીધામ) સાથે મળીને ગુનાહિત કાવતરૂ રચી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી નાની ખોંભડીના નવુભા ખેતુભા જાડેજાના ટ્રેઈલરમાં મંગાવવામાં આવી રહ્યું છે. આ મળેલી બાતમી બાદ એલસીબી ટીમે દરોડો પાડતા ૧.ર૯ કરોડના મુદ્દામાલ સહિતનો દારૂ કન્ટેનરમાંથી ઉતારતા હતા તે વેળાએ પહોંચીને ઝડપી લીધો હતો. 
પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ રાખી બાતમીના આધારે યુવરાજસિંહ વજુભા જાડેજા (ત્રગડી તા.માંડવી) તથા જીતુભા મંગલસિંહ સોઢા (રહે. ખાનાય તા.અબડાસા) તેમજ તેમના સાગરીત જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ (રહે. નવાવાસ ગળપાદર) દ્વારા આર્થિક લાભ સારું ગુનાહિત કાવતરું રચી પંજાબ રાજ્યમાં બેઠેલા તેમના સાગરીતો મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટો જથ્થો મંગાવી સંબંધિત દારૂ નવુભા ખેતુભા જાડેજા (રહે. નાની ખોંભડી)ના માલિકીના ટ્રેઈલર જેના નં.જીજે૧ર -સીટી-રર૩૦ ૪૦ ફૂટના કન્ટેનરમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટ વગર વિદેશી દારૂ ભરી કન્ટેનર 
શીલ મારી ગેરકાયદેસર કન્ટેનર મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ સીમમાં આવેલ શ્રીરામ યાર્ડમાં ચોરી છુપી રીતે લાવી કલ્મારની મદદથી ટ્રેઈલરમાંથી નીચે ઉતારી યાર્ડમાં રાખેલ કન્ટેનરયાર્ડમાં દારૂ ભરેલ હાલતમાં બાતમીના આધારે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી નાની-મોટી બોટલો નંગ ૩પ૦૪ જેની કિંમત રૂા.૩૮,૩૮,૮૦૦ અને અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નં.૪૩,ર૦૦ કિંમત રૂા.૯૦,૭ર,૦૦૦ તથા મુદ્દામાલની હેફેર માટે લીધેલ કન્ટેનર કિંમત રૂા.ર,૦૦,૦૦૦ કબજે કર્યો હતો. જ્યારે આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા, જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ તથા જીજે૧ર - સીટી - રર૩૦ ના ચાલક મળી આવ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલી મોટી કાર્યવાહીમાં આરોપી કોઈ હાથમાં ન આવતા ચર્ચાઓ ગરમી પકડી છે. 


............



યુવરાજ પર કયા ખાખીધારીઓના ૪ હાથ?
ઉપરાછાપરી મંગાવી રહ્યો છે દારૂની ખેપ!


ગાંધીધામ : માંડવીના ત્રગડી પટ્ટાનો બુટલેગર યુવરાજને જાણે કે ખાખીનો કોઈ ડર જ ન રહ્યો હોય તે રીતે ઉપરાછાપરી દારૂ મંગાવી અને સપ્લાય પણ કરાવી રહ્યો હોવાની સ્થિતી બનેલી છે. પાછલા ટુંકાગાળામાં આ યુવરાજના વિવિધ દારૂના મુદામાલ પકડાયા છે, તેમ છતા પણ તે અવિરત દારૂ મંગાવતો જ ફરી રહ્યો છે. ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, બુટલેગર આટઆટલો દારૂ પકડાયા બાદ પણ જથ્થા મંગાવવાની હિમંત  લાવે છે કયાંથી? તેની પાછળ ચોકકસથી કોઈ મોટી ઓથ-શેહ-સમર્થન કે ભાગબટાઈ રહેલી હોય તો જ આવી રીતે દારૂના જથ્થાઓ આવે? યુવરાજને કયા ભ્રષ્ટ ખાખીધારીઓ છાવરી રહ્યા છે? તેની તપાસ આ તબક્કે થવી જરૂરી બની રહી છે. 


..........


યુવરાજનો દારૂ ઝડપાય છે, તો વોન્ટેડ 
લીસ્ટેડ બુટલેગર કેમ છે હજુય ફરાર!


ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધી છે, કચ્છમાં પણ તેની અમવારીના પ્રયાસ થાય છે પરંતુ યુવરાજ જેવા બુટલેગરો તેના ધજાગરા જ ઉડાળી રહ્યા હોય તેમ દારૂ કરોડોનો જથ્થો મંગાવતા ફરી રહ્યા છે. હાલમાં પણ આ બુટલેગરોનો દારૂપ્ પકડાયો છે ત્યારે ટુંકાગાળામાં જ આ યુવરાજના દારૂની ખેપના આકડાઓ ચકાસવામા આવશે તો ખ્યાલ આવી જશે કે એસએમસી, એલસીબી જેવી એજન્સીઓ ક્રોસ રેઈડ કરે છે, સ્થાનિક પોલીસ પણ તે બાદમાં તેનો દારૂ પકડી રહી છે , પરંતુ યુવરાજ અને તેનો ભાગીદાર ખાનાયનો જીતીયો જેવા તત્વો હજુય વોન્ટેડ જ ફરી રહ્યા છે. તેઓની ધરપકડ હજુ થવા પામી નથી.


.......

Comments

COMMENT / REPLY FROM