સ્વદેશીના સંકલ્પથી વિકસીત ભારતનું થશે નિર્માણ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભુજના સ્મૃતિવન ખાતે સરપંચ સંમેલન યોજાયું : ‘મારૂં ગામ સ્વદેશી ગામ’નો લેવાયો સંકલ્પ
ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૪૭ સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન દેશને આપ્યું છે. વિકસીત રાષ્ટ્રની પરિકલ્પના ત્યારે જ સાકાર થશે જયારે દેશના તમામ ગામડાઓ અને છેવાડાના વિસ્તારો વિકસીત થશે. આત્મ નીર્ભર ભારત અને સ્વદેશી અભિયાન થકી વીકસીત ભારતની પરિકલ્પના સાકાર થશે તેવી લાગણી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજીત સરપંચ સંમેલનમાં મુખ્યવકતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ વ્યકત કરી હતી. સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ ઘર ઘર સુધી થશે તો દેશના નાના ઉદ્યોગકારો અને વ્યવસાયકારોને લાભ થશેે.
ભારતમાં દૈનિક જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયા છે ત્યારે સર્વે દેશવાસીઓ વિદેશી ચીજ વસ્તુઓનો મોહ ત્યાગ કરી સ્વદેશી બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરશે તો તેનો લાભ લઘુ અને સુક્ષમ ઉદ્યોગકારો,
ગૃહ ઉદ્યોગને થશે. સરહદી કચ્છ જિલ્લાના અંરતીયાળ ગામોમાં સ્વદેશીનો સંદેશ પહોંચાડવા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત ગ્રામ્ય સુકાનીઓને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપ્યું હતું. ગામડાઓની સમૃદ્ધિ થકી ભારત વિકસીત રાષ્ટ્ર બનશે ત્યારે સૌ કચ્છવાસીઓ સ્વદેશી ઉત્પાદનોને અપનાવીએ તેવો સંકલ્પ લેવા મંચસ્થ મહાનુભાવોએ અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજના સ્મૃતિવન ખાતે આજે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, કચ્છ સરપંચ સંગઠન દ્વારા ‘મારૂં ગામ સ્વદેશી ગામ’ના સંકલ્પ સાથે સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સ્વદેશી અપનાવવા અપીલ કરી છે. રાષ્ટ્રને સશક્ત અને વિકસીત બનાવવામાં સ્વદેશી અભિયાન મહત્વનું પાસું બની રહેશે ત્યારે કચ્છના છેવાડાના ગામો સુધી સ્વદેશીનો સંદેશ પહોંચાડવા સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પ્રેરક માર્ગદર્શન કચ્છના ગ્રામ્ય સુકાનીઓને મળ્યું છે. ભારતમાં બનતા સ્વદેશી ઉત્પાદનો કચ્છના ઘર ઘર સુધી પહોંચે અને સ્થાનીક નાના વ્યવસાયકારો, ઉદ્યોગગૃહોને મહતમ લાભ મળે તે માટે સ્વદેશીનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા તેમણે ઉપસ્થિત સરપંચશ્રીઓને અપીલ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન મોદીએ દેશના લાલ કિલ્લા પરથી દેશને વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે ત્યારે સરપંચોના માધ્યમથી કચ્છના ગામે ગામ સુધી સ્વદેશીનો સંદેશ પહોંચતો કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદીના આહવાનને ઝીલી લઈ સંભવતઃ રાજયમાં પ્રથમ આ પ્રકારનું આયોજન કચ્છમાં થયું હોવાનો રાજીપો તેમણે વ્યકત કર્યો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંંદે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં આકરા ટેરિફ હુમલા વચ્ચે પણ દેશ અડીખમ રહ્યું છે. દેશવાસીઓને કોઈ આંચ આવી નથી, ત્યારે વિકસીત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સ્વદેશી મંત્રને અપનાવવા તેમણે આહવાન કર્યું હતું.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભારતીય બનાવટની તમામ પ્રોડકટનો મહતમ ઉપયોગ કરવા, રોજબરોજના જીવનમાં ઠંડા પીણા કે અન્ય વિદેશી ઉત્પાદનોનો થતો ઉપયોગ અટકાવી સ્વદેશી ઉત્પાદનોને આગળ વધારવા સૌ યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ જણાવ્યું કે, સ્વદેશી એ ભારતની પૌરાણીક સંસ્કૃતિ છે. આપણા પુરાણોમાં ભગવાન શંકરના કાળથી સ્વદેશીની વાતનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ભગવાન રામ અને કૃષ્ણના જીવન ચરિત્રમાં પણ સ્વદેશીનો મહિમા વર્ણવાયો છે, ત્યારે સાંપ્રત સમયમાં વડાપ્રધાન મોદીએ કરેલા આહવાનને ઝીલી લઈ સ્વદેશી અપનાવવા
અનુરોધ કર્યો હતો. ગામના સરપંચો જે રીતે વિકાસ કામોમાં રસ લેતા હોય છે તે રીતે જ સ્વદેશી અભિયાનમાં રસ દાખવે તેવો અનુરોધ કર્યો હતો. અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના વકતાઓએ સ્વદેશી અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, રાહુલ ગોર, ધવલભાઈ આચાર્ય, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments