Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા પંચાયત દ્વારા ‘સુપોષિત કચ્છ’  મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ

15 September



જિલ્લા અને તાલુકાકક્ષાના મોનિટરિંગ સેલ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરશે

ભુજ : કચ્છ જિલ્લાને સુપોષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા એક નવી મોનિટરિંગ સિસ્ટમ ‘સુપોષિત કચ્છ’ અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ માતા, બાળકો અને કિશોરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભો નિયમિતપણે અને યોગ્ય ગુણવત્તા સાથે છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે.
કચ્છ ક્ષેત્રફળની દ્વષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. તેની વિશાળ ભૌગોલિક વિવિધતાને કારણે કુલ ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રોનું અસરકારક મોનિટરિંગ કરવું એક પડકારરૂપ કાર્ય છે અને દુર્ગમ વિસ્તારોમાં વાહન વ્યવસ્થાના અભાવ જેવા પડકારને પહોંચી વળવા અને યોજનાઓના લાભો તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે ભૌતિક નિરીક્ષણ સાથે ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ હેઠળ, જિલ્લા અને તાલુકા કક્ષાએ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે. આ સેલ દ્વારા  વોટસએપ, વીડિયોકોલ અને લાઈવ લોકેશન શેરિંગ જેવા માધ્યમો દ્વારા ઓછા સમયમાં વધુ આંગણવાડી કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં આવશે. મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો દ્વારા દૈનિક પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ નિયત વોટસએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. આ માહિતીના આધારે, તાલુકા અને જિલ્લાકક્ષાએ અહેવાલો તૈયાર કરવામાં આવશે
જિલ્લા કક્ષાએથી મુખ્ય સેવિકાને અને તાલુકા કક્ષાએથી આંગણવાડી કાર્યકરોને વીડિયોકોલ કરીને તેમની કામગીરી, કેન્દ્રમાં ચાલતી પ્રવૃત્તિઓ અને ભૌતિક સુવિધાઓની માહિતી મેળવવામાં આવશે. દર મંગળવાર અને બુધવારે તાલુકા કક્ષાની ટીમ દ્વારા રેન્ડમલી પસંદ થયેલા લાભાર્થીઓને કોલ કરીને તેમને મળતી સેવાઓ અંગે અભિપ્રાય લેવામાં આવશે. માસના અંતે તૈયાર થયેલા પ્રગતિ અહેવાલ પર પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં ઓનલાઈન મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે. આ મોનિટરિંગ સિસ્ટમનો અમલ કરવાથી આઈસીડીએસ યોજનાઓનું સુપરવિઝન અને મોનિટરિંગ વધુ મજબૂત બનશે અને યોજનાઓનું અમલીકરણ વધુ સુદ્રઢ બનશે. આ નવીન ડિજિટલ પ્લેટફોર્મ અને અભિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું  છે.
--------

Comments

COMMENT / REPLY FROM