કચ્છના સરહદી નરા પંથક સુધી પહોંચશે મા નર્મદાની કૃપા
આઈઆરડીએફ અંતર્ગત નાબાર્ડ દ્વારા મંજૂર પ્રોજેક્ટ થકી પશ્ચિમ કચ્છની મધ્યમ સિંચાઈની ચાર અને નાની સિંચાઈની નવ યોજનાઓ થશે લાભાન્વિત : રૂા.૯૦૦.૯૦ કરોડના ખર્ચે મકનપરથી નરા સુધી પાઈપલાઈન પાથરવાનું કામ પ્રગતિમાં : ૩ર હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાના નીરનો મળશે લાભ
પ્રથમ તબક્કામાં રૂા.૩ર૩પ કરોડ બાદ બીજા તબક્કામાં કુલ્લ રૂા.ર૦૦૬ કરોડના ઋણને નાબાર્ડ દ્વારા અપાઈ મંજૂરી : ઉત્તરી અને દક્ષિણ લીંકના કામો પૂર્ણ થયા બાદ ૧ર૭ ગામના ર લાખથી વધુ લોકોને મળશે લાભ : ૧.પ૭ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાના પાણી થશે ઉપલબ્ધ
બીજા તબક્કાના પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ નડતા કામગીરી શરૂ કરવામાં થયો વિલંબ
ભુજ : રણ, ડુંગર અને દરિયાથી ઘેરાયેલા સરહદી કચ્છ જિલ્લામાં કુદરતી પાણીના સ્ત્રોત અપુરતા હોવાથી પાણી એ કચ્છવાસીઓ માટે સોના સમાન કિંમતી ગણાય છે. એક સમયે સૂકા મુલક તરીકે પંકાતા કચ્છ જિલ્લામાં મા નર્મદાના અવતરણ બાદ પીવાના પાણીની અછત મહદઅંશે દૂર થઈ છે સાથે જ કચ્છના કિસાનોને ખેતી માટે પણ મા નર્મદાના નીર મળતા થયા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારને નંદનવન બનાવ્યા બાદ હવે માતા નર્મદાની કૃપા કચ્છના સરહદી લખપત તાલુકા પર વરસે તેવા દિવસો નજીક આવ્યા છે. નાબાર્ડ દ્વારા ગ્રામીણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) દ્વારા મંજૂર યોજનાના બીજા તબક્કામાં મકનપર મુખ્ય સ્ટેશનથી નરા સુધી પાઈપલાઈન પાથરવાનું કામ આગળ વધી રહ્યું છે. તેવું નોર્ધન લીંક કેનાલના પ્રોજેકટના અધિકારી એસ.કે. સિંઘે કચ્છ ઉદયની મુલાકાતમાં વિગતો આપતા જણાવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાઓના ખેડૂતોને પણ નર્મદના જળનો લાભ મળશે. રાજ્ય સરકારે કચ્છના ટપ્પર ડેમથી સરહદી ગામડાના રિઝરવોયર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાંં મૂકી છે અને નાબાર્ડે આ યોજના માટે કુલ્લ રૂા.ર૦૦૬ કરોડનું ઋણ મંજૂર કર્યું છે, જે પૈકી રૂા.૯૦૦.૯૦ કરોડનો ખર્ચ મકનપર વિલેજથી નરા સુધી પાઈપલાઈન પાથરવા થવાનો છે. આ પાઈપલાઈન મારફતે ૩ર૦૦૦ હેક્ટર વિસતારને નર્મદાની જળરાશિનો લાભ મળશે. હાલે આ કામગીરી ૩૬ ટકા પૂર્ણ થઈ છે તેવું નોર્ધન લીંક કેનાલના મકનપરથી નરા
સુધીની પાઈપલાઈન પ્રોજેકટની જવાબદારી સંભાળતા ક્ષાર અંકુશ વિભાગ ભુજના અધિકારી એસ.કે. સિંઘે જણાવ્યું હતું. બીજા તબક્કાની યોજનાને મંજૂરી મળી તે સમયગાળા દરમ્યાન જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હોવાથી કામ શરૂ થવામાં વિલંબ થયો હતો. હવે અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદ્દતમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ પશ્ચિમ કચ્છની ચાર મધ્યમ સિંચાઈની યોજના ભૂખી, મથલ, ગજણસર અને નરા તેમજ નાની સિંચાઈની નવ યોજના ઉલટ, ખારડિયા, ગડાપુઠા, દેવસર, ઉમરપર, વિગોડી, ઝાલુ, ખારશ અને ચાવડકાને નર્મદાના નીરથી ભરી શકાશે. આ યોજના સાકાર થયા બાદ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિના બીજ રોપાશે. ખેડૂતોને ખેતી માટે નર્મદાના નીરનો લાભ મળતા તેમના જીવનધોરણમાં સુધાર થશે. અત્રે નોંધનીય છે કે, કચ્છ એ દેશનો સૌથી મોટો જિલ્લો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અત્યાર સુધી સિંચાઈના પાણીની અછત રહી છે. ટપ્પર ડેમથી જિલ્લાના વિવિધ ગામો સુધી પાઈપલાઈનનું નેટવર્ક પથરાઈ જતાં આ યોજનાનો લાભ ૧ર૭ ગામડાના અંદાજીત ર લાખ લોકોને મળશે અને ૧.પ૭ લાખ હેક્ટર જમીનને સિંચાઈન માટે નર્મદાના પાણી ઉપલબ્ધ થશે. વર્ષ ર૦ર૩-ર૪માં અમલમાં મૂકાયેલ પ્રથમ તબક્કામાં નાબાર્ડ રૂા.૩ર૩પ કરોડનું ઋણ મંજૂર કર્યું હતું. હવે બીજા તબક્કા હેઠળ રૂા.ર૦૦૬ કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં પાઈપલાઈન મકનપરથી નરા સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત મુખ્ય પમ્પિંગ સ્ટેશનથી સાંધરો રિઝરવોયર (દક્ષિણ લિંક કેનાલ) સુધી નાખવામાં આવી રહી છ. નોર્ધન અને સાઉથ લિંક કેનાલ દ્વારા પાણીની ઉપલબ્ધતાથી કચ્છના છેવાડાના ગામડાઓના ખેડૂતો એકથી વધારે પાકોનું વાવેતર કરી શકશે.

Comments