કંડલા-મુન્દ્રા બંદરો પર ૭૭૦ કરોડ ના હવાલા કૌભાંડનો પર્દાફાશ
ગાંધીધામ : દેશના સૌથી મોટા વેપાર કેન્દ્રોમાં ગણાતા કંડલા અને મુન્દ્રા બંદરો ફરી એકવાર મોટા કૌભાંડના કારણે ચર્ચામાં આવ્યા છે. ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI ) એ તાજેતરમાં એક વિશાળ આયાત-નિકાસ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે, જેમાં શેલ કંપનીઓ મારફતે ૭૭૦ કરોડથી વધુની કસ્ટમ ડ્યુટી ચોરી અને હવાલા દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ડિજિટલ ફોરેન્સિક તપાસમાં ખુલ્યું કે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સુનિલે આકાશ કુમારને નકલી કંપનીઓ સંબંધિત દસ્તાવેજો મોકલ્યા હતા. આયાત દસ્તાવેજોમાં ખોટી માહિતી દાખલ કરાઈ હતી. હૉંગકોંગમાંથી આયાત કરાયેલ માલ મુન્દ્રાના SEZમાં આવેલા કેરી ઈન્ડો લોજિસ્ટિક્સના વેરહાઉસમાં રાખવામાં આવતો. ત્યાંથી તે સિંગાપોર અને અમેરિકામાં નિકાસ કરાતો હતો, પરંતુ પૈસા પરત ભારતમાં આવતા નહોતા. આ પુરાવાના આધારે DRI એ મુખ્ય આરોપી કૃષ્ણન જયશંકર ઐયરને ઝડપ્યો.કંડલા અને મુન્દ્રા બંદરો મારફતે થયેલું આ ૭૭૦ કરોડનું કસ્ટમ ડ્યુટી ચોરી અને હવાલા કૌભાંડ દેશ માટે ગંભીર ચેતવણીરૂપ છે. ભારતના મોટા બંદરોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેની સ્પષ્ટ ઝાંખી આ કેસે આપી છે. DRIની કાર્યવાહીથી ઘણા આંતરરાષ્ટ્રીય નેટવર્ક તૂટી શકે છે, પરંતુ હજુ પણ અનેક
પરદાની પાછળના ખેલાડીઓને બહાર લાવવાનું બાકી છે.
................
કૌભાંડની વ્યાપક અસર
• દેશની આર્થિક સુરક્ષાને મોટો ફટકો.
• કસ્ટમ ડ્યુટીમાં સરકારે ગુમાવ્યા ૭૭૦ કરોડથી વધુ.
• આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની વિશ્વસનીયતા પર પ્રશ્નચિન્હ.
• હવાલા નેટવર્ક મારફતે બ્લેક મનીને સફેદ બનાવવાનો પ્રયાસ.
..................
તપાસમાં મળેલા પુરાવા
DRI એ સુનિલ જોઈસરની ગાંધીગ્રામ ઓફિસમાંથી લેપટોપ, ત્રણ મોબાઈલ અને હાર્ડ ડિસ્ક જપ્ત કર્યા.
.......................
મુખ્ય આરોપીઓ
૧. કૃષ્ણન જયશંકર ઐયર - આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર, જેને હાલ જેલમાં મોકલવામાં આવ્યો છે. ૨.સુનિલ જોઈસર - માલિક, કેરી ઈન્ડો લોજિસ્ટિક્સ પ્રા. લિ. અગાઉ જ તેની ધરપકડ થઈ ચૂકી છે.તેની ઓફિસમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા. ૩. અન્ય બે આરોપીઓ - જેમની ધરપકડ અગાઉ થઈ હતી, તેઓ પણ આ નેટવર્ક સાથે સીધા જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
....................
કૌભાંડ કેવી રીતે થયું?
ગાંધીધામ : DRI ની તપાસમાં જાણવા મળ્યું છે કે ૪૯ શેલ
કંપનીઓ બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર વ્યવહાર કરવામાં આવ્યા હતા. ૨૬,૪૮૬ કરોડનો આયાત વ્યવહાર અને ૨૭,૧૩૮.૩૯ કરોડનો નિકાસ વ્યવહાર માત્ર કાગળ ઉપર કરવામાં આવ્યો હતો.આયાત કરાયેલ માલનું મૂલ્ય હકીકતમાં કરતા વધારે બતાવવામાં આવ્યું. નિકાસ બાદ જે રકમ પરત આવવાની હતી, તે ભારતમાં લાવવામાં આવી જ નહોતી. આ રીતે હવાલા નેટવર્ક દ્વારા રૂપિયા સીધા દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં મોકલવામાં આવ્યા.
..................
હાલની સ્થિતિ
• DRI એ અત્યાર સુધી ચાર આરોપીઓને જેલમાં મોકલ્યા છે. • વિદેશી હવાલા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ છે.• કસ્ટમ, ઇન્કમ ટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ આ કેસની વધુ ઊંડી તપાસમાં જોડાયા છે.

Comments