કચ્છમાં શિક્ષકોની ઘટ સામે જોરદાર વિરોધ પ્રદર્શન
મુન્દ્રાના મોખા ટોલ નાકા પર આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચક્કાજામ : કોંગ્રેસે લડતને આપ્યું સમર્થન : પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત
ભુજ : કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની ઘટ સામે આજે ફરી એકવાર આક્રોશ જોવા મળ્યો હતો. મુન્દ્રાના મોખા ટોલનાકા પર આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ચક્કાજામ કરીને રાજ્ય સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.આ લડતને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.વિરોધીઓએ હાથમાં બેનરો લઈ સરકાર વિરુદ્ધ સુત્રોચારો કર્યા હતા. આંદોલનના કારણે મોખા ટોલ નાકા પર આંદોલનની ગરમી પ્રસરી હતી. આ કારણે વાહન વ્યવહાર ઘણીવાર માટે ઠપ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી હતી.ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કચ્છ માટે ખાસ ભરતીની જાહેરાત કરી હોવા છતાં શિક્ષકોની જગ્યાઓ પૂરતી ભરાઈ નથી. અનેક ગામડાંઓની શાળાઓ આજે પણ પૂરતા શિક્ષકો વિના ચાલી રહી છે, જેના કારણે બાળકોના ભણતર ઉપર ગંભીર અસર
પડી રહી છે. બાળકોનું ભવિષ્ય બચાવવા અમે રસ્તા પર ઉતર્યા છીએ. તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. વિરોધને ધ્યાનમાં લઈને પોલીસ તંત્રએ પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. છતાં
પરિસ્થિતિ તંગ બનતા પોલીસે આશરે ૫૦ જેટલા આગેવાનોની અટકાયત કરી પ્રાગપર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી કચ્છમાં શિક્ષકોની ઘટ સામે અવાજ ઉઠાવી રહ્યું છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે, શિક્ષકોની ભરતી પૂરતી સંખ્યામાં ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ આ લડતમાં જિલ્લા બહારથી પણ કેટલાક બેરોજગાર યુવાનો લડતને સમર્થન આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બેરોજગાર યુવાનોના વોટસઅપ ગ્રુપમાં સંગઠીત થઈ શિક્ષક ભરતી માટેની લડતને સમર્થન આપવાના મેસેજો વહેતા થયા હતા.

Comments