Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ફરી સક્રિય લેભાગુ તત્વો : ૨૨-૩૪ની લોભામણી યોજના રી-લોન્ચ ?

13 September

જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે 


ભુજમાં વર્ષો પહેલા અનેક લોકોને કંગાળ બનાવી દેનારી યોજના ફરી એકવખત જાહેર થયાની ચકચાર : અગાઉ ૨૨ લાખનું રોકાણ કરી વળતરરૂપે ૩૪ લાખ લઇ જવાની આકર્ષક ઓફરમાં અનેક રોકાણકારોને આવ્યો હતો રોવાનો વારો : અનેક લોકોએ લાખો રૂપિયાનું વળતર મેળવવાની લાલચમાં આવી પોતાની જીવનભરની મહેનતથી એકત્ર કરેલી રકમ ધરી દીધી હતી લેભાગુઓને : કેટલાક લોકોએ થોડા જ સમયમાં લાખો રૂપિયા કમાવી લેવાના સપના સેવી સગાસબંધીઓ કે ધીરધાર કરનાર શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે નાણાની વ્યવસ્થા કરી કર્યું હતું રોકાણ : ભુજ અને માધાપરના યુવાન રાજકીય અગ્રણીએ ફરી નવી તરકીબે ચર્ચા જગાવી.....


યુદ્ધ અને ટેરીફની બબાલ વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયગાળામાં કચ્છમાં કેટલાક ભેજાબાજ લોકોએ લોકોને સારા વળતરની લાલચ આપી રીયલ એસ્ટેટ સેક્ટરમાં પૈસા રોકવા યોજના કરી છે જાહેર : જાગૃત લોકો આ યોજનાને ૨૨-૩૪ યોજનાનું અપડેટ વર્ઝન ગણાવી રોકાણ કરતાં પહેલાં સાવચેતી રાખવાની કરી અપીલ : હયાત જગ્યા ન હોવા છતાં.... રોજ નવી વાતથી જમીન ઉપર સટ્ટો રમડવાનો આરંભ થયો હોવાની ચર્ચાએ ગરમી પકડી


ભુજ : જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ જાણીતી કહેવત સાચી ઠરતી હોય તેવા અનેક કિસ્સાઓ સમાજમાં અવાર નવાર જોવા મળતા હોય છે. નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી પોતાની તિજોરીઓ ભરી લેવા લેભાગુઓ અવનવી તરકીબો અજમાવતા જ હોય છે. ખાસ કરીને લોભામણી યોજનાઓ ચલાવી નિર્દોષ લોકોની મહેનતની કમાણી લૂંટી લેવા ભેજાબાજ તત્વો કોઈને કોઈ પેંતરા અજમાવતા જ રહે છે. જિલ્લા મથક ભુજમાં વર્ષો પહેલા અનેક લોકોને કંગાળ બનાવી દેનારી યોજના ફરી એકવખત લોન્ચ થઇ હોવાનું સામે આવતા જાગૃત નાગરિકો લોકોને સાવધ રહેવા ટકોર કરી રહ્યા છે. બીજીતરફ ભૂતકાળમાં આ યોજનામાં સપડાઈ જઈ લાખોનું નુકસાન વેઠનારા લોકો હવે દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તેમ પોતાના સ્નેહીજનો અને મિત્ર વર્તુળને આ યોજનાથી દૂર રહેવા સલાહ આપી રહ્યા છે.
વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર થોડા વર્ષો અગાઉ ભુજ નજીક આવેલ એશિયાના સમૃદ્ધ એવા માધાપર ગામથી લાખોંદ સુધીના વિસ્તારમાં લેભાગુ તત્વો દ્વારા ૨૨-૩૪ની લોભામણી યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનામાં ૨૨ લાખનું રોકાણ કરી વળતરરૂપે ૩૪ લાખ લઇ જવાની આકર્ષક ઓફર આપવામાં આવી હતી. રીયલ એસ્ટેટ સેક્ટરમાં આગજરતી તેજીના દોરમાં લેભાગુઓએ જાહેર કરેલી આ યોજનાનો વ્યાપક પ્રચાર - પસાર થતા અનેક લોકોએ લાખો રૂપિયાનું વળતર મેળવવાની લાલચમાં આવી પોતાની જીવનભરની મહેનતથી એકત્ર કરેલી રકમ લેભાગુઓને ધરી દીધી હતી. કેટલાક લોકોએ થોડા જ સમયમાં લાખો રૂપિયા કમાવી લેવાના સપના સેવી સગાસબંધીઓ કે ધીરધાર કરનાર શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે નાણાની વ્યવસ્થા કરી રોકાણ કર્યું હતું. 
થોડા સમય બાદ જ આ યોજના પાણીના પરપોટાની જેમ અલોપ થઇ ગઈ હતી. નાણા રોકનાર લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. વર્ષો બાદ ફરી એક વખત આ યોજના રી-લોન્ચ થઇ હોય તેમ લેભાગુઓ લોકોને બમ્પર વળતર આપવાની સ્કીમ જાહેર કરી છે. વૈશ્વિક બજારોમાં હાલે ભારે મંદીનો દોર ચાલી રહ્યો છે. યુદ્ધ અને ટેરીફની બબાલ વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયગાળામાં કચ્છમાં કેટલાક ભેજાબાજ લોકોએ લોકોને સારા વળતરની લાલચ આપી રીયલ એસ્ટેટ સેક્ટરમાં પૈસા રોકવા યોજના જાહેર કરી છે. 
કચ્છના જાગૃત લોકો આ યોજનાને ૨૨-૩૪ યોજનાનું અપડેટ વર્ઝન ગણાવી રહ્યા છે. વૈશ્વિક મંદીના માહોલમાં આવી લલચામણી યોજનામાં રોકાણ કરતા પહેલા સાવધાની રાખવા અનુરોધ કરી રહ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ભૂતકાળમાં અનેક વખત જમીન સોદામાં ફ્રોડ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. હવે ફરી એકવાર લેભાગુ તત્વો સક્રિય થતા સામાન્ય રોકાણકારોને ચેતવણી આપવામાં આવી રહી છે. વિકાસ પ્રોજેક્ટો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા જમીનની કિંમતો વધી છે. આ જ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો લોકોને લાલચ આપી મોટું કૌભાંડ આચરવા સક્રિય થયા છે. અગાઉ ભુજ, ગાંધીધામ, મુંદ્રા, અંજાર અને માંડવી તાલુકામાં અનેક પ્રકારની ઠગાઈ બહાર આવી હતી. જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે, એક નાની બેદરકારી જીવનભરની બચતને જોખમમાં મૂકી શકે છે. તેથી રોકાણકારોને કોઈપણ લાલચમાં આવ્યા વગર પુરતી તપાસ કરીને જ નાણા રોકવા અપીલ કરી છે.


 

Comments

COMMENT / REPLY FROM