વરસાદ બાદ ભુજ-ધર્મશાળા નેશનલ હાઈવેની હાલત અતિ ખરાબ
ગામ આખાના પુરાતા ખાડા પણ ખાવડા ધોરીમાર્ગની કરાતી અનદેખી
ભુજ : વરસાદ બાદ કચ્છના માર્ગોનું ધોવાણ થયું છે, પાપડીઓ તૂટી છે અને વરસાદ બંધ થતાં જ આવા તૂટેલા રોડ રસ્તાઓને યુધ્ધના ધોરણે રીપેર કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજીતરફ ગામ આખાના રસ્તાઓના ખાડાઓ પુરવામાં આવી રહ્યા છે પરંતુ ભુજ- ધર્મશાળા નેશનલ હાઈવે નં.૩૪૧ ની અનદેખી કરવામાં આવી રહી છે. ખાવડા બોર્ડર વિસ્તારને જોડતા આ ધોરીમાર્ગો પર દૈનિક હજારો વાહન ચાલકોની અવરજવર વરજવર હોતા છતાં મરંમત કરવામાં આવતું નથી. ભુજથી છેક ખાવડા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પડેલા ખાડાઓ જીવલેણ સાબિત થાય એ પહેલા રીપેર કરાય તેવી માંગ છે.
ભુજ-ખાવડા રસ્તો જયારે સ્ટેટ હસ્તક હતો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર થયો ન હતો ત્યારે સમયાંતરે રણોત્સવ તેમજ મંત્રીઓની આવન જાવનના કારણે મરંમત કરવામાં આવતી હતી પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર થયા બાદ મીઠા તેમજ ખનીજ ભરેલા ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે આ ધોરીમાર્ગની હાલત દિન પ્રતિદીન બગડતી જાય છે. સમયાંતરે પુરાતા ખાડાઓમાં નબળી કક્ષાનું મટીરીયલ વપરાતું હોઈ ખાડાઓ ખુલ્લા પડતા જ જોખમી બને છે.
છેલ્લા એક મહિનાથી ભુજ - ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત ખખડધજ બની છે. રૂદ્રમાતા - ઢોરી ફાટક અને નોખાણિયા પાસેના ખાડાઓને બચાવવા જતા વાહનો અથડાઈ પડે તેવી સ્થિતિ હોવા છતાં નેશનલ ઓથોરીટી ખાડાઓને નજર અંદાજ કરી રહી છે. ભુજ એરપોર્ટ પાસેના ખાડાઓ પણ એટલા જ જોખમી છે. છેક ખાવડા સુધી ધોરીમાર્ગની દશા ખરાબ છે અને તાજેતરના વરસાદ બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત વધુ ખખડધજ બની છે.
આ ધોરીમાર્ગ ઉપર આહિરપટ્ટી, પાવરપટ્ટી તેમજબન્ની-પચ્છમના હજારો લોકોની દૈનિક અવરજવર રહે છે તેમાં ખાસ કરીને ટુવ્હીલર ચાલકોને અકસ્માતનો ભય વધુ સતાવે છે. વર્તમાનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદમાં ક્ષતિગ્રસ્ત માર્ગોની સુધારણા કરવામાં આવી રહી છે ત્યારે આ ભુજ-ધર્મશાળા ધોરીમાર્ગની કેમ અનદેખી કરવામાં આવે છે. માત્ર, પ્રવાસનની સીઝન ટાંકણે અને મંત્રીઓના આવાગમન સમયે જ ખાડાઓ પુરવામાં આવે તે યોગ્ય ન કહેવાય. આ વિસ્તારના હજારો લોકોની અવરજવર રહેતી હોયત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તાકિદે ખાડાઓનું પુરાણકામ કરીને ધોરીમાર્ગની હાલત સુધારાય તેવી માંગ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ધોરીમાર્ગની ખરાબ હાલતના કારણે સમયાંતરે અકસ્માત પણ થતાં રહે છે તેમ છતા આ વિસ્તારના ચૂંટાયેલા આગેવાનો પણ માર્ગ મકાન કે સરકારમાં રજુઆત કરતા નથી.
................
ભુજોડી બાદ... રૂદ્રમાતા પુલની હાલત ખખડી
બાર મહિના પણ પુરા નથી થયાને પુલમાં મોટી તીરાડો પડી
ભુજ : સરહદી વિસ્તાર માટે અગત્યનો અને મેઈન રોડ ગણાતો ભુજ - ખાવડા રોડ પરના રૂદ્રમાતા પુલ શરૂ થયાને હજુ તો મહિનાઓ જ થયા છે અને તિરાડો દેખાઈ છે, જેથી સ્થાનિક લોકોમાં નારાજગી સાથે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી રહ્યા છે. ખાવડા રોડ પર આવેલ રૂદ્રમાતા પુલ જે હજી બાર મહિના પણ પુરા નથી થયાને રૂદ્રમાતા પુલમાં મોટો ગાબડો પડી જતાં રોડ ઉપર મોટી તીરાણ દેખાઈ રહી છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ આ તિરાડો વધુ દેખાવા લાગી છે, જેથી વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે. રૂદ્રમાતા પુલ ચાલુ થયાને હજી બાર મહિના પણ પુરા નથી થયાને પુલમાં મોટી તીરાડ પડી ગઈ છે. કરોડોના ખર્ચ બનાવેલ પુલ પાંચથી છ મહિનામાં જ ગાબડા પડી જતાં આમાં કોનુ વાંક કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારીનો તે સવાલ ઉઠી રહ્યો છે. આ પુલનું કામ ચાલતું હતું, ત્યારે લેબ ટેસ્ટ મુદ્દે પણ વિવાદ સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. વાહન ચાલકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, લાંબા સમય બાદ આ પુલ બન્યો પછી ટુકા જ ગાળામાં પુલમાં તિરાડો દેખાતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Comments