Trending News
સ્થાનિક સમાચાર

કંપનીને જમીન આપવા મુદ્દે શેખડીયાની ગ્રામસભામાં હંગામો

12 September


ગ્રામજનો કંપનીને જમીન ન આપવા અને ગૌચર માટે ફાળવવાના મતમાં હતા ત્યારે સરપંચ સહિતનાઓએ હુમલો કર્યો : ગ્રામસભામાં છરી, ધારીયા વડે સામ સામે જીવલેણ હુમલાથી ચકચાર

મુંદરા : તાલુકાના શેખડીયા ગામે અદાણી કંપનીને જમીન આપવા મુદ્દે ગ્રામસભા બોલાવાઈ હતી. જેમાં હંગામો થતા સામ સામે હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ૧૦ લોકો સામે મુંદરા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી શેખડીયા ગામે રહેતા મોહનભાઈ હરીભાઈ ગઢવીએ જણાવ્યું કે ગામની ચારણ સમાજવાડીમાં ગ્રામસભા બોલાવાઈ હતી. ફરિયાદી અને સાહેદોએ ગામતળની જમીન અદાણી કંપનીને ન આપવા અને ગૌચર માટે ફાળવવા માટેના ઠરાવની રજુઆત કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને સરપંચ કમલેશ ગઢવી તેમજ તેની સાથેના હરી ગઢવી, હર્ષ કમલેશ ગઢવી, ધરમ કમલેશ ગઢવીએ ઝઘડો કરી ફરિયાદી અને સાહેદોને ગાળો આપી સરપંચે ફરિયાદીને છરીનો ઘા માર્યો હતો. જેમાં હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી. હરીએ ધોકા વડે હુમલો કરતા પ્રકાર ગઢવીને માથામાં ઈજાઓ થઈ હતી. જેથી મુંદરા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. સામે પક્ષે ધરમરાજ કમલેશ ગઢવીએ જણાવ્યું કે, તેના પિતા ગામના સરપંચ છે અને ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી સીમતળની જમીન અદાણી કંપનીને ન આપી ગૌચર માટે ઠરાવવા લડત ચાલતી હોઈ જેની ચર્ચા માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. જે ગ્રામસભામાં આરોપી મોહન હરીભાઈ સુમણીયાએ ધારીયુ લઈ આવી સરપંચ કહેશે તેમ નહીં થાય, અમે કહેશું તેમ થશે કહી પ્રકાશ લક્ષ્મણ ગઢવી, લક્ષ્મણ નારાણ ગઢવી, ગોવિંદ વીરમ ગઢવી, રાજ પાલુ ગઢવી, નાગશી સુમાર ગઢવીએ મંડળી બનાવી ફરિયાદી તથા તેના પિતાને ઘારીયાનો ઘા મારવા જતા ફરિયાદી વચ્ચે પડતા કપાળમાં ધારીયાનો લાકડાનો હાથો વાગ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંદરા મરીન પોલીસે સામ સામે ગુનો દાખલ કરી પીઆઈ પી. કે. રાડાએ આગળની તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી.

 

Comments

COMMENT / REPLY FROM