૨૦ સપ્ટેમ્બર સુધી એલએલડીસી મ્યુઝિયમની‘લિવીંગ એમ્બ્રોઇડરીઝ ઓફ કચ્છ’ ગેલેરી મુલાકાતીઓ માટે બંધ રહેશે
ભુજ : એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર ખાતે ‘લિવિંગ એમ્બ્રોઇડરીઝ ઓફ કચ્છ’ મુખ્ય ગેલેરી આગામી નવા પ્રદર્શનની તૈયારીના ભાગરૂપે ૨૦ સપ્ટેમ્બર સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે, જેમાં તારીખ ૨૧ સપ્ટેમ્બરથી નવું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે અને મુલાકાતીઓ અવનવી કલાકૃતિઓ જોઈ શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે, એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ એ હસ્તકળાઓનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું અદ્યતન મ્યુઝિયમ છે. જે કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિને સાચવી વંશ પરંપરાગત હસ્તકળાઓને ગરિમા આપી, સમગ્ર વિશ્વમાં સન્માનપૂર્વક પહોંચાડી રહ્યું છે. અહીં વિશ્વ-સ્તરીય આર્કાઈવ (પુરાલેખ- સંગ્રહ) આવેલું છે, જેમાં દર ૬ મહિને ગેલેરીમાં પ્રદાર્શત તમામ કલાકૃતિઓને આગામી ૩ વર્ષ માટે તેની ઉચ્ચ સ્તરીય યોગ્ય જાળવણી માટે ‘સ્લીપ મોડ’માં મૂૂકવામાં આવે છે અને તેની જગ્યાએ આર્કાઈવમાંથી બીજી અનન્ય કલાકૃતિઓ પ્રદર્શિત કરાય છે. આ ગેલેરીમાં કચ્છમાં વસતી ૧૨ જાતિઓના પરંપરાગત વસ્ત્રો અને હાલના સમયમાં પહેરાતાં વસ્ત્રો સાથે માટી કલા, ચર્મ કલા, કાષ્ઠ કલા, લેકર કામ, મેટલ વર્ક (સૂડી-ચપ્પુ) તેમજ ખરકીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન મ્યુઝિયમમાં આવેલી ‘અંડર ધ એમ્બ્રોઇડર્ડ સ્કાય (ભરત ભરેલા આકાશ નીચે)’ ગેલેરી મુલાકાતીઓ માટે ચાલુ જ રહેશે સાથે હેન્ડસ ઓન ક્રાફ્ટ, શોપ તેમજ કાફે-કેન્ટીન પણ યથાવત ચાલુ રહેશે.
----------

Comments