Trending News
સ્થાનિક સમાચાર

ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ બેફામ : પ્રાગપર  પાસેથી વધુ ૮૨ લાખનો દારૂ-બિયર પકડાયો

11 September

પશ્ચિમ કચ્છમાં બે દિવસમાં યુવરાજ અને જીતુએ મંગાવેલો ૧.૨૩ કરોડનો શરાબ જપ્ત



રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસે ઊભેલી ટ્રક તપાસતા તેમાંથી દારૂની ૭,પ૮૪ બોટલ અને બીયરના પ,૬૪૦ ટીન મળી આવ્યા : એલસીબીએ પ્રાગપર પોલીસમાં નોંધાવ્યો ગુનો : બાતમીના આધારે કાર્યવાહી છતા એક પણ આરોપી ન મળ્યા 


આ બુટલેગરો પોલીસની મદદ વગર આટઆટલી મોટી 
હિમંત તો ન જ કરે..! તો આવા બુટલેગરોને મદદ કરનાર ભ્રષ્ટાચારી ખાખી છે કોન? તેની તપાસ કેમ કરવામાં આવતી નથી?



ભુજ : માંડવી તાલુકાના ત્રગડી ગામના લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહનો એક બાદ એક કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. તેમ છતા તેની કમ્મર ભાંગી નથી અને એક બાદ એક દારૂની ગાડીઓ કચ્છમાં મંગાવી રહ્યો  છે. ગત રોજ કોડાય પોલીસે ફિલ્મી ઢબે ટ્રકને આંતરી ૪૦ લાખનો દારૂ ઝડપી લીધા બાદ પુછપરછ કરતા આ ટ્રક પ્રાગપર પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા એલસીબી દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી. જ્યાં વધુ એક દારૂ ભરેલી ટ્રક મળી હતી. 
જેમાં ૮ર લાખનો દારૂ ભરેલો હતો. બે દિવસમાં યુવરાજસિંહ અને તેના સાગરીત જીતુભાનો ૧.ર૩ કરોડનો દારૂ પકડાયો છે. 
આ અંગેની વિગતો મુજબ એલસીબી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસેથી ઊભેલી ટ્રક નં.જીજે૧ર -ઝેડ - ૩પ૩ર ને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ગણતરી કરતા ૭,પ૮૪ બોટલ અને બીયરના પ,૬૪૦ ટીન મળી આવ્યા હતા. કુલ ૮ર,૦૬,૮૦૦નો દારૂ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાગરીત ખાનાયના જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢાએ આ દારૂ પંજાબથી મંગાવ્યો હતો અને આ ટ્રકનો ચાલક આઈદાન ગોવર્ધનસિંહ રાઠોડ (રહે. રાજસ્થાનવાળો) હતો. પોલીસે ૧૦ લાખની ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી પ્રાગપર પોલીસમાં યુવરાજ, જીતુ તેમજ ટ્રક માલિક આઈદાન અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો.


..................


કોડાય પોલીસે ફિલ્મી ઢબે ૪૦.૭૮ લાખના દારૂ સાથે બે આરોપીને પકડ્યા

ભુજ : કોડાય પોલીસે ગત રોજ યુવરાજ અને જીતુનો ૪૦ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. કોડાયના પીઆઈ બી.પી.ખરાડીને બાતમી મળી હતી કે, ટ્રક નં.જીજે૧ર - એયુ - ૯૭રપ મા દારૂ ભરેલો છે. બાતમીના આધારે કોડાય પુલ ચાર રસ્તા પાસે વોચમાં રહી ટ્રક આવતા તેનો રોકવાનો ઈસારો કરાયો હતો. જોકે, ટ્રક ચાલકે ગામ તરફ ગાડી ભગાવી હતી. એકાદ કિલોમીટર પછી સ્વામિનારાયણ મંદિર સામે આ ટ્રકને ઓવરટેક કરીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. ચાલક નાની ખોંભડીના નવુભા ખેતુભા જાડેજા તેની સાથે રહેલા રાજસ્થાનના પોખરણના આઈદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા હતા. ટ્રકમાંથી દારૂની ૭,૬૬૮ બોટલ, બીયરના પ,૭૧ર ટીન મળી કુલ ૪૦,૭૮,૧૬૭ નો દારૂ અને ૧૦ લાખની ટ્રક કબજે કરવામાં આવી હતી. જીતુભા અને યુવરાજ હાજર મળી આવ્યા ન હતા. કોડાય પોલીસે ગુનો દાખલ કર્યો હતો.



....................


દારૂના બન્ને દરોડા વચ્ચે કનેકશન 

ગત રોજ કોડાય પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપ્યા હતા જેઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, પ્રાગપર કપાયાની કેનાલ પાસેથી ટ્રકનો કબજો મેળવ્યો હતો. નવ તારીખે જીતુએ નવુભાને ફોન કરીને કહ્યું હતું કે, પ્રાગપર અને કપાયા વચ્ચેની કેનાલ પાસે જજે ત્યાં દારૂ ભરેલી ટ્રક આવશે. જે ટ્રક હંકારીને કોડાય ક્રોસ કરીને ધુણઈ પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. આઈદાને કબુલાત આપી હતી કે, યુવરાજનો વોટ્‌સઅપ કોલ આવ્યો હતો અને નવુભાને મળવા જણાવ્યું હતું. જેથી પ્રાગપર ચોકડી જઈ નવુભાને મળી દારૂ ભરેલી ટ્રકમાં બેઠો હતો. એલસીબીએ આજ પ્રાગપર વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક પકડી છે. જેનો માલિક આઈદાન છે જે હાલ કોડાય પોલીસના કબજામાં છે. આઈદાનની વધુ પુછપરછ કરવામાં આવે તો અન્ય માલ આવ્યો છે કે કેમ ? તે સહિતની વિગતો ખુલે તેમ છે. 


...........


ચાર મહિનામાં એક જ બુટલેગરનો પ કરોડથી 
વધુનો દારૂ પકડાયો છતા ધંધો બરકરાર

કેટલો દારૂ કચ્છમાં આવી ગયો હશે તેની કલ્પના કરવી અશક્ય : પાતાળમાંથી 
આરોપીને શોધતી પોલીસ યુવરાજસિંહ પહોંચવામાં નબળી પુરવાર થઈ 


ભુજ : નાનકડા ત્રગડી ગામના બુટલેગર યુવરાજ અને તેના સાગરીત ખાનાયના જીતુભાની ટોળકી લાખોનો શરાબ કચ્છમાં લઈ આવે છે અને પોલીસ દ્વારા દારૂ પણ કબજે કરવામાં આવે છે. એક જ બુટલેગરનો છેલ્લા ચાર મહિનામાં પાંચ કરોડથી વધુનો દારૂ પકડાયો છે. તેમ છતાં તેનો ધંધો બરકરાર રહેવા પામ્યો છે. જો આટલો દારૂ પકડાયો છે તો કચ્છમાં કેટલો દારૂ આવી ગયો હશે તેની કલ્પના કરવી અશક્ય છે. સૂત્રોના મતે એકથી વધુ ગાડીઓ મંગાવી પોલીસે એક ગાડી પકડે ત્યારે બીજી ઘૂસાડી દેવામાં આવતી હોવાની ચકચાર છે. જોકે, આ વખતે બન્ને ગાડી પકડાઈ છે. અનેક પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થઈ દારૂ છેક માંડવી-મુન્દ્રા પહોંચે ત્યારે પકડાય છે. અગાઉ એક નથી પકડાતો તે પણ એક સવાલ છે. છેલ્લી કાર્યવાહી પર નજર કરીએ તો ગત ર૪ મેના એસએમસીએ ત્રગડી ગામે દરોડો પાડીને કટીંગ થતો ૮૩.૭૮ લાખનો, ૯ જુલાઈના એલસીબીએ તલવાણા પાસેથી ૧.પ૪ કરોડનો, પ ઓગસ્ટના એલસીબીએ ત્રગડીમાં દરોડો પાડીને કટીંગ થતો ૪૧.પ૪ લાખનો, ૧૦ સપ્ટેમ્બરના કોડાય પોલીસે ૪૦.૭૮ લાખનો, ૧૧ સપ્ટેમ્બરના એલસીબીએ ૮ર.૦૬ લાખનો અને આ પૂર્વે ૬ સપ્ટેમ્બરના બનાસકાંઠા એલસીબીએ જગાણા પાસેથી આ બુટલેગરનો ૧.૧૭ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, આજદીન સુધી આ કુખ્યાત બુટલેગર પોલીસને મળ્યો નથી.

Comments

COMMENT / REPLY FROM